
Gujarat politics: ગુજરાતના રાજકારણમાં આજે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે ભાજપ અને આપના ધારાસભ્ય વચ્ચે હાલ ચેલેન્જ વોર ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવશે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર ખાતે રાજીનામું આપવા રવાના થયા છે. ત્યારે ગોપાલ ઈટાલિયા પણ ગાંધીનગર આવવાના છે તેવું કહેવાઈ રહ્યુંછે જેથી આજે હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાવાની શક્યતા છે.
રાજીનામાનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ
કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેનો ચેલેન્જ વોર ચાલી રહી છે. આ રાજકીય ડ્રામાનો પ્રારંભ થયો બે દિવસ પહેલાં, જ્યારે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને વિસાવદરની બેઠક છોડીને મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. અમૃતિયાએ એમ પણ જાહેર કર્યું હતું કે, જો ઈટાલિયા મોરબીમાંથી જીતે તો તેઓ 2 કરોડ રૂપિયા આપશે. આ પડકારનો ગોપાલ ઈટાલિયાએ સ્વીકાર કરતાં સામે શરત મૂકી હતી કે અમૃતિયાએ 12 જુલાઈના બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપવું જોઈએ. આ ચેલેન્જથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, અને મોરબીની જનતા વચ્ચે પણ આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
150 ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા રવાના
ત્યારે 12 જુલાઈએ વાતાવરણ ઠુડુ રહ્યું ત્યારે આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે 150 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. આજે સોમવારે કાંતિ અમૃતિયા મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિધાનસભાના ગેટ નંબર 4 ખાતે શક્તિ પ્રદર્શન કરવા ગાંધીનગર રવાના થયા છે.
નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનો હસ્તક્ષેપ
આ વિવાદમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે હસ્તક્ષેપ કર્યો છે. તેમણે બંને ધારાસભ્યોને ગરિમા જાળવવાની અપીલ કરી અને રાજીનામાની ચેલેન્જને લોકશાહીની મજાક ગણાવી. નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ધારાસભ્યોએ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને જનતાના કામો પર ધ્યાન આપવું જોઈએ.
આ ઉપરાંત, પાસના નેતા અલ્પેશ કથીરિયાએ પણ આ વિવાદને લોકશાહી માટે હાનિકારક ગણાવ્યો અને બંને નેતાઓને સમાજના હિતમાં કામ કરવાની સલાહ આપી.
વાંકાનેરના ધારાસભ્ય અને કોંગ્રેસની દખલ
આ રાજકીય વોરમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ જોડાયા છે. તેમણે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી કે, “જો તમે મોરબીમાંથી જીતી બતાવો તો હું વાંકાનેરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.
કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ કાંતિ અમૃતિયાને મોરબીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો પડકાર આપ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે મોરબીમાં અનેક ગેરકાયદેસર બાંધકામો છે, જેમાં પાણીના નિકાલ અને પાર્કિંગની વ્યવસ્થા નથી. કગથરાએ કહ્યું, “નાના માણસની કેબિન તોડીને છાતી ફુલાવવાનું બંધ કરો. પહેલા ગેરકાયદેસર બિલ્ડિંગો તોડો.”મોરબીની જનતાનો રોષમોરબીના લોકોમાં આ રાજકીય નાટકને લઈને નારાજગી જોવા મળી રહી છે. લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે, “ફરી ચૂંટણીનો બોજ શા માટે?” અને “જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ કામ કરવું જોઈએ, નહીં કે રાજીનામાની રમત રમવી જોઈએ.” મોરબીમાં રસ્તાઓ, ખાડા, અને પાણીના નિકાલની સમસ્યાઓએ લોકોને પરેશાન કર્યા છે, અને તેઓ તેમના ધારાસભ્યો પાસેથી નક્કર કામગીરીની અપેક્ષા રાખે છે.
શું થશે આગળ?
આ હાઈવોલ્ટેજ ડ્રામામાં હવે સૌની નજર છે કારણ કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે તેવુ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતુ. ત્યારે આજે કાંતિ અમૃતિયા ગાંધીનગર રાજીનામું આવવા નીકળ્યા છે ત્યારે કાંતિભાઈ ગાંધીનગર જઈને કહેશે કે હુ તો આવ્યો પરંતુ ગોપાલ ઈટાલિયા ન આવ્યા આમ રાજીનામું આપ્યા વિના કાંતિભાઈ મોરબી જતા રહે તેવી શક્યતા છે ત્યારે ખરેખર આ માત્ર રાજકીય નાટક બની રહેશે. આ રાજકીય ડ્રામાનો શું અંત આવે છે તે જોવું રહ્યું.
