
- ફરિયાદી મહિલાને પોલીસ અધિકારીએ કહ્યું, એ તો બસ દોસ્તી કરવા માંગે છે છોડો.
- પોલીસ કોન્સ્ટેબલ અને ઉપરી અધિકારીઓના વર્તનથી મહિલા ભારે વ્યથિત થઈ.
Hariyana Gurugram constable suspend | હરિયાણાના ગુરુગ્રામમાં આધેડવયની મહિલાની કારના નંબર પરથી અંગત જાણકારી પ્રાપ્ત કર્યા બાદ કોન્સ્ટેબલે મહિલાની સાથે અરૂચિકર મેસેજ કર્યા હતાં. આ મામલે ઉશ્કેરાયેલી આધેડવયની મહિલાએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં આખરે પોલીસ તંત્રએ લંપટ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે.
દેશના નોન-બાયોલોજીક મહામાનવ એક તરફ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ બાબતે મોટી મોટી વાતો કરે છે. બિહારની 75 લાખ બેરોજગાર મહિલાઓને 7500 કરોડ રૂપિયા વહેંચે છે. તેમ છતાં વાસ્તવિકતા એવી છે કે, દેશની મહિલાઓ રસોડાથી લઇ રસ્તા સુધી હેરાન પરેશાન છે. એમાંય ગુરુગ્રામ જેવી ઘટનાઓ પરથી તો કહી શકાય કે, દેશમાં પ્રજાના રક્ષકો જ ભક્ષક બન્યાં છે. આમેય ભ્રષ્ટાચાર મામલે પોલીસ તંત્ર તો અંગ્રજોના જમાનાથી બદનામ છે.
કોંગ્રેસના કાળમાં પણ ખાખીધારીઓની આબરૂ એવી તો નહોતી કે બહુ વખાણ કરી શકાય. પણ, જ્યારથી હિન્દુત્વના નામે સત્તા બેઠેલાં ભાજપાના હાથમાં તંત્ર આવ્યું છે ત્યારથી તો ખાખીધારીઓ સહિતના તંત્રએ અધઃપતનની સીમાથી પણ નીચે ગબડવાનું શરૂ કરી દીધું છે. દેશભરના પોલીસ તંત્ર દ્વારા પ્રજાલક્ષી કામગીરી બહું ઓછી અને સત્તાધારીઓની ગુલામી વધુ કરવામાં આવી રહી હોય, સત્તાધારીઓના આદેશનું પાલન કરવામાં તત્પરતા દાખવવામાં આવી રહ્યું હોય, તેવા દ્રશ્યો નિયમિત પણે પ્રજાજનોને જોવા મળતાં હોય છે.
ખાખીધારીઓની નૈતિકતાનો ગ્રાફ, ડોલરની સામે ગબડતાં રૂપિયાના ભાવ કરતાં વધુ ઝડપે, અથવા તો કહીએ કે બૂલેટ ટ્રેનને માલગાડી બનાવી દે તેવી ગતિથી નીચે પડી રહ્યો છે. ત્યારે ગુરુગ્રામમાં બનેલી ઘટના મહિલા સુરક્ષા મામલે ચિંતામાં વધારો કરે તેવી છે.
ઘટનાની વિગતો એવી છે કે, 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં એક આધેડ વયની મહિલા એક કાર્યક્રમમાં હાજરી આપી, કારમાં એકલી ઘરે પરત ફરી રહી હતી. આશરે 12.45 વાગ્યાના સુમારે તેઓ ઘરે પહોંચ્યા બાદ મોબાઈલ જોયો તો તેમના ઇન્સ્ટાગ્રામની રીલ પર એક કોમેન્ટ હતી.
કોઈ સિમરન ચોપડાના આઈડી પરથી આવેલી કોમેન્ટમાં લખ્યું હતું કે, મેડમ તમે એ જ છો કે જે ફલાણાં નંબરના ગેટથી નિકળીને ઢીંકણા નંબરના ગેટમાં ઘુસ્યા, તમારી ફલાણી ફલાણી કારમાં?
મેસેજ વાંચીને મહિલાને લાગ્યું કે, આ કોઈ ફિમેલ ફોલોઅર હશે જેણે મને જોઈ લીધી હશે એટલે મેસેજ કર્યો છે. એટલે મહિલાએ કોમેન્ટના જવાબમાં પુછ્યું કે, તમે મને આટલી રાત્રે કેવી રીતે ઓળખી કાઢી?
એના જવાબમાં કોમેન્ટ આવી કે મેડમ પોલીસની નજર બહુ તેજ હોય છે. DMમાં વાત કરીએ? આ વાંચતા જ મહિલાને યાદ આવ્યું કે, એક પીસીઆર વાન તેમની પાછળ હતી. જેણે રસ્તામાં એની કારની આગળ પાછળ ચક્કર કાપ્યા હતાં. અને મહિલાને લાગ્યું કે એ પીસીઆર વાન વાળો જ પોલીસવાળો છે.
મહિલાએ એને એડ કરીને મેસેજ કર્યો કે, તમે કોણ છો અને મને મેસેજ કેમ કર્યો? એના જવાબમાં આવ્યું કે, હું પીસીઆર વાનનો કોન્સ્ટેબલ છું, તમે મારી આગળથી નિકળ્યાં. જોતાં જ તમે મને બહુ ગમી ગયાં. એટલે મેં તમારી કારના નંબર પરથી બધી માહિતી મેળવી લીધી. પણ સીધો મેસેજ કરવાને બદલે રીલ પર કોમેન્ટ કરી.
બાદમાં તો કોન્સ્ટેબલે મહિલાને ઘણાં અરૂચિકર મેસેજ કર્યાં. વારંવાર ના પાડવા છતાં કોન્સ્ટેબલ મેસેજ કરવાનું બંધ ના કરતાં આખરે મહિલા સાઇબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. ત્યાં મહિલાની વ્યથા સમજવાને બદલે એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આમાં ખોટું શું છે. મેસેજ ના ગમતાં હોય તો એને બ્લોક કરી દો. અમે તો અમારી માતા – બહેનોને પણ સલાહ આપીએ છીએ કે, આવા મેસેજ ઇગ્નોર કરવા.
જે પોલીસ પ્રજાનું રક્ષણ કરવા માટે ફરજ બજાવે છે, એ પોલીસ તંત્ર તરફથી આવા જવાબ સાંભળીને મહિલા અકળાઈ ઉઠી હતી. તેણે મક્કમ મન રાખીને છેલ્લાં અનેક દિવસોથી હેરાન કરતાં કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી. જેને પગલે તપાસ કરવામાં આવ્યા બાદ તે કોન્સ્ટેબલને શોધી કાઢવામાં આવ્યો અને આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
એકંદરે, દેશના રસ્તાઓ પર મહિલાઓ કેટલી સુરક્ષિત છે? આ પ્રશ્નનો જવાબ ભ્રષ્ટ અને લંપટ ખાખીધારીઓ અને બની બેઠેલાં ધર્મના રક્ષકો તો ના જ આપે.








