
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. મળી રહેલી માહિતી અુનસાર, યાર્ડમાં મરચાની આવકના પ્રારંભમાં જ એક જ દિવસમાં 40થી 50 હજાર ભારી મરચાનો જથ્થો આવી ગયો છે. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર મરચાની આવકને લઈને ત્રણથી ચાર કિલોમીટર મરચા ભરેલા વાહનોની લાઈનો જોવા મળી હતી.
20 કિલોના 1500થી લઈને 3000 રૂપિયા સુધીના બોલાયા ભાવ
લાલ ગોંડલિયુ મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચા વખણાય છે અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મરચાં ખરીદવા આવ્યા છે.
જોકે મરચાના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા હતા. ગોંડલ પંથકમાં માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતા આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવો મળ્યા નહોવાનું ખેડૂતે જણાવ્યું હતું. તો બીજી તરફ ખેડૂતોઓ હાલમાં મળેલા ભાવથી પણ સંતોષ માન્યો હતો. સ્વભાવિક રીતે જોવા જઈએ તો વરસાદના કારણે ખેડૂતના મરચાના પાકનું થયેલ નુકશાનને જોતા ખેડૂતોને ભાવ ઓછો મળ્યો છે. તેથી ક્યાંકને ક્યાંક ખેડૂત નુકશાનમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જગતનો તાત ગણાતા ખેડૂતે સંતોષ માનીને મળેલા ભાવને સ્વીકારી લીધા છે.
માર્કેટ યાર્ડમાં મરચાઓનું વેચાણ કરવા આવેલા ખેડૂત કિશોર ભાઈ યાદવે જણાવ્યું હતુ કે, આ વર્ષે મરચાનું સારો એવું ઉત્પાદન થયું છે. દર વર્ષ કરતાં આ વખતે મરચાના ભાવ ઓછા છે પરંતુ તે છતાં ભાવ સારા મળ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે. મને મારા મરચાના 2751 રૂપિયા ભાવ મળ્યો છે.
તે ઉપરાંત કિશોર યાદવે જણાવ્યા અનુસાર, દર વર્ષે 3500-4000ની રૂપિયાની આસપાસ ભાવ આવતો હોય છે પરંતુ આ વખતે થોડા ઓછા છે. તે ઉપરાંત વરસાદના કારણે ખેડૂતોને મરચીના પાકમાં નુકશાન આવ્યું હોવાનું પણ કિશોર યાદવે જણાવ્યું હતું.
ખેડૂતોને દર વર્ષ કરતાં ઓછો ભાવ મળ્યો હોવા છતાં ખેડૂતોને તેમના મરચાના મળેલા વર્તમાન ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો.







