
ડૉ. જયનારાયણ વ્યાસ
India- Pakistan: કેટલાક સમય પહેલાં અમેરિકામાં ટેમ્પા ખાતેની યોજાયેલ એક પ્રસંગમાં પાકિસ્તાન સૈન્યના વડા જનરલ મુનિરે જે ઉચ્ચારણો કર્યા હતા તે ભારત સરકાર તેમજ ભારતના હિતમાં જેને રસ હોય તેણે ધ્યાનમાં રાખવા જેવા છે.
પહેલું તો એમ કહી શકાય કે અત્યાર સુધીના ઇતિહાસમાં પાકિસ્તાની સૈન્યના કોઈ વડાએ ભારત અથવા દુનિયા સામે અણુશસ્ત્રો વા૫૨વાની ધમકી ઉચ્ચારી હોય તેવી આ તે પહેલી વાત છે. અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્પા ખાતે યોજાયેલ ભોજન સમારંભમાં જનરલ મુનીરે એવી ધમકી ઉચ્ચારી હતી કે, ‘જો ભાવિ યુદ્ધમાં પાકિસ્તાનના અસ્તિત્વ સામેનો ખતરો ઊભો થશે તો અમે પણ એક અણુરાષ્ટ્ર છીએ અને અમને જો લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અમે અમારી સાથે અડધી દુનિયાને પણ ડુબાડી દઈશું.’
જનરલ મુનીરે ભારતને આપી ધમકી
જનરલ મુનિ૨નો ઇશારો અને ધમકી સીધાં ભારત માટે હતા અને અમેરિકાની ધરતી પરથી કોઈ લશ્કરી વડાએ કોઈ અન્ય રાષ્ટ્રને માટે આ પ્રકારની ધમકી ઉચ્ચારી હોય એવો આ ઐતિહાસિક બનાવ હતો. આ રાત્રિભોજન ત્યાંના સ્થાનિક કારોબારી વ્યાપારી અદનાન અસાદ જે ટેમ્પા ખાતે પાકિસ્તાનના માનદ્ કોન્સુલ તરીકે નિમાયેલા છે, તેમના દ્વારા યોજવામાં આવેલ હતું જેમાં બોલતાં જનરલ મુનીરે આ ધમકી ઉચ્ચારી હતી.
ભારત બંધ બાંધશે તો પાકિસ્તાન તેને ઉડાવી દેશે : મુનીર
ભારતે ‘સિંધુ જળકરાર સંધિ’ રદ કરવાની જાહેરાત કરી તેનો ઉલ્લેખ કરીને મુનીરે કહ્યું હતું કે, આના કારણે પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરો વેઠે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ભારત સિંધુના પાણી પાકિસ્તાનમાં આવતા રોકવા માટે જો બંધ બાંધશે તો પાકિસ્તાન તેને ઉડાવી દેશે. એણે કહ્યું કે, ‘અમે ભારત આવો બંધ બાંધે તેની રાહ જોઈશું અને જ્યારે તે આમ કરશે ત્યારે એને દસ જેટલાં મિસાઇલ છોડીને તોડી પાડીશું.’
પાકિસ્તાન પાસે મિસાઇલ્સની કોઈ તંગી નથી: મુનીર
મુનીરે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે, ‘સિંધુ નદી એ ભારતની પૈતૃક સંપત્તિ નથી અને પાકિસ્તાન પાસે મિસાઇલ્સની કોઈ તંગી નથી!’ મુનીરના ભાષણમાં એમ પણ કહેવાયું હતું કે, ‘જો પાકિસ્તાનને યુદ્ધ માટે છંછેડવામાં આવશે તો ભારતનો ખાણ, ખનિજો તેમજ અન્ય રીતે સમૃદ્ધ ભાગ એટલે કે પૂર્વ ભારતથી શરૂ કરીને પશ્ચિમ સુધી બધું જ અમારી ઝટપમાં આવી જશે.’ અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બાંગલાદેશના કામચલાઉ વડા મોહંમદ યુનુસે પણ ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતા રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા – જે ભારતનો પૂર્વોત્તર પ્રદેશ છે તેને કબજે કરવાની વાત કરી છે.
મુનીરે ભારતની ઠેકડી ઉડાડી
ભારતની ઠેકડી ઉડાડતાં મુનીરે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે, ચાર દિવસ પાકિસ્તાન સાથે ચાલેલા ઘર્ષણ દરમિયાન એણે શું ગુમાવ્યું તે કહેવાની ભારત હિંમત નથી કરી શકતું. પોતાના ભાષણમાં એણે ભારતની સરખામણી ચમચમતી નવીનક્કોર મર્સિડીઝ કાર સાથે કરી હતી, જ્યારે પાકિસ્તાનની સરખામણી ‘કપચી ભરેલા ડમ્પર’ સાથે કરી હતી. આમ કરતાં એણે કહ્યું હતું કે, ‘જો આ બે વાહનો વચ્ચે અકસ્માત થાય તો મર્સિડીઝનો કચ્ચરઘાણ નીકળી જાય કે નહીં?’
ટ્રમ્પે મુનીરનું બહુમાન કર્યું
જનરલ મુનીરને ડોનાલ્ડ ટ્રમ્પે ભોજન માટે બોલાવી બહુમાન કર્યું હતું, જે આજ સુધી પાકિસ્તાનના લશ્કરમાં નિવૃત્ત ન હોય એવા અધિકારીને મળ્યું નથી.
દેશની રાજનીતિ માત્ર રાજકારણીઓ ઉપર જ છોડી દેવાય નહીં
મુનીરે પાકિસ્તાનના શાસનમાં લશ્કરના મહત્ત્વ અંગે ભારપૂર્વક વાત કહી એટલું જ નહીં પણ તેમણે કહ્યું કે, ‘યુદ્ધ માત્ર જનરલો એટલે કે લશ્કરી વડાઓ ઉપર છોડી દેવાય એ કરતાં વધુ ગંભીર બાબત તો એ છે કે પૉલિટિક્સ એટલે કે રાજનીતિ માત્ર રાજકારણીઓ ઉપર છોડી દેવી.’ આ ઉચ્ચારણો સાબિત કરે છે કે પાકિસ્તાની સૈન્યે ચૂંટાયેલા વડાપ્રધાન કે અન્ય પ્રતિનિધિઓ ઉપર હંમેશાં પોતાનો લોખંડી પંજો પ્રસરાયેલો રાખ્યો છે. તે આ જ માન્યતા ઉપર આધારિત છે કે દેશની રાજનીતિ માત્ર રાજકારણીઓ ઉપર જ છોડી દેવાય નહીં. હવે જ્યાં આ જ વિચારસરણી હોય ત્યાં લોકશાહી ફળીફૂલી કે વિસ્તરી શકે ખરી?
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ










