
Tribals in Gujarat : 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું કે આદિવાસી સમુદાયની રિઝર્વ કુલ 27 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. હવે જ્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી મતદારો પર દરેક પાર્ટીની નજર છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો પર બીજા નંબરે રહી હતી. કોંગ્રેસ માટે ગત વિધાનસભા ચૂંટણી ડિઝાસ્ટર સાબિત થઈ હતી. શું આ વખતે પણ આદિવાસી મતદારો ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ રીપીટ કરશે કે નવા જૂની થવા જઈ રહી છે?
ગત વિધાનસભા ચૂંટણીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સરખાવવી યોગ્ય નથી છતાં આ વખતની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સાબિત થશે. હવે આ વાતને વિસ્તારથી સમજીએ..
ત્રિપાંખિયો જંગ કોણે ફાયદો કરાવશે?
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે એક જ બેઠક આદિવાસી વિસ્તારમાંથી જીતી હોય છતાં નોંધપાત્ર મત મેળવ્યા હતા. આ મત પૂરતા હતા કે કોંગ્રેસ ગર્તમાં ધકેલાય જાય. 11 બેઠકો પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા વધુ મત મેળવીને બીજા નંબરે રહી હતી. કોંગ્રેસની પરંપરાગત રાજનીતિ અને સ્થાનિક લગ્નના ઘોડા જેવા નેતાઓ પરના વિશ્વાસે કોંગ્રેસને મોટું નુકસાન કર્યું હતું. આમ આદમી પાર્ટીની હવા આદિવાસી યુવાનોમાં સ્પષ્ટ દેખાય રહી હતી. ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું અને તે ગઠબંધન તૂટ્યું ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેલ કરી ગઈ હતી. ચૈતર વસાવાના રૂપમાં આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારમાં હવા બનાવવા માટે સ્પેસ મળી ગયો હતો.
છોટુ વસાવાનું પેલેસ પોલિટિક્સ કેજરીવાલે ખતમ કરી નાખ્યું!
અત્યાર સુધી નર્મદા અને ભરૂચ જિલ્લામાં છોટુ વસાવા અને તેના પુત્રો રાજકીય અને સામાજિક દબદબો ધરાવતા હતા. ગત વિધાનસભા ચૂંટણી વખતે છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જોકે ચૂંટણીના થોડા સમય પહેલા આ ગઠબંધન તૂટી ગયું હતું. છોટુ વસાવાના પારિવારિક ઝઘડાઓ અને સીટ સેરિંગને લઈને થયેલી ખેંચતાણને પરિણામે આ ગઠબંધન તૂટી ગયું. જોકે ભલે ગઠબંધન તૂટી ગયું હોય પણ આમ આદમી પાર્ટીના મોટા ભાગના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. મારા અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર છોટુ વસાવાનું પેલેસ પોલિટિક્સ કે જેમાં તેઓના પુત્રોની આંતરિક લડાઈ આ ગઠબંધન તોડવા માટે કારણભૂત બન્યું હતું. પરિણામે ઝઘડિયા અને ડેડીયાપાડા બેઠક કે જે ભારત ટ્રાઈબલ પાર્ટીના છોટુ વસાવા અને તેઓના પુત્ર મહેશ વસાવા પાસે હતી તે ભાજપ અને આમ આદમી પાર્ટી પાસે જતી રહી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં કોણ આગળ?
હાલ થોડા સમય પહેલા જ સરપંચોની ચૂંટણી યોજાઈ. સરપંચોની ચૂંટણી ભલે પાર્ટીઓના મેન્ડેડ પર ન લડાતી હોય પરંતુ છતાં અઘોષિત એક સિંદૂર પેનલ ભાજપ તરફથી મેદાને ઉતારવામાં આવી હતી. આ ઉપરાંત જે સરપંચો ચૂંટાયા તેઓને પણ ભાજપે સરપંચ સમારોહ કરીને પોતાની વિચારધારામાં લઈ લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્ન આંશિક રીતે સફળ પણ રહ્યો હતો.
આદિ કર્મ યોગી અભિયાન ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે?
ગુજરાત સરકાર દ્વારા હાલ આદિ કર્મ યોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં આદિ કર્મ યોગીની નિમણૂક કરવામાં આવશે. દાખલા તરીકે ડાંગ જિલ્લામાં 222 ગામમાં આદિ કર્મ યોગીની નિમણૂક ઉપરાંત દરેક ગામમાં આદિ કર્મ યોગી કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. આ કેન્દ્ર જે તે ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓ, લોકોની ફરિયાદો અને ગ્રામ પંચાયતનું પરોક્ષ નિયમન કરશે. ભાજપનો આ પ્રયાસ સીધો સરપંચને સાઇડ લાઇન કરવાનો હોય તેમ લાગી રહ્યું છે. આદિ કર્મ યોગી જો સરકારી યોજનાઓનું નિયમન કરે તો સરપંચનું શું કામ? ભાજપના આ વોટ બેંક પર કબજો કરવાનો કારસો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ભાજપ કેડર બેઝ પાર્ટી હોવાથી તેઓની કેડર હાલ સૌથી વધુ સક્રિય છે. ઉદાહરણ તરીકે છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપે છેલા 15 દિવસમાં સરકારી અને પાર્ટીના 22 કાર્યક્રમો કર્યા જેની સામે કોંગ્રેસે ફક્ત 2 કાર્યક્રમો કરી. જોકે આમ આદમી પાર્ટીએ પણ જનસભા નામથી 4 નોંધપાત્ર કાર્યક્રમો કરી ચૂકી છે.
ધરતીઆબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન
સરકારે આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં ધરતી આવા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ સરકારી યોજનાઓ લોકોએ ઘરે બેઠા મળી રહે તેવો એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે. સરકારી મશીનરીના આ ઉપયોગ લોકોમાં ઊભો થયેલો અસંતોષ શાંત કરવા થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છતાં આ અભિયાન કોઈ નોંધપાત્ર સફળતા મેળવી હોય તેવું નથી થયું.
આદિવાસી સમુદાયમાં અસંતોષ
ગત ચૂંટણી વખતે ભાજપ વિરોધી આંદોલનો સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચાલતા હતા. તાપીમાં સરકારી હોસ્પિટલ બચાઓ આંદોલન, પાર તાપી નર્મદા લિંક યોજના અને દાહોદમાં પણ અનેક મુદ્દાઓ પર આંદોલન ચાલી રહ્યા હતા. છતાં ભાજપે પોતાની વોટ બેંક જાળવી રાખી. આદિવાસી સમુદાયમાં હાલ ગત ચૂંટણીઓ કરતા વધુ અસંતોષ દેખાઈ રહ્યો છે. કોઈ મોટું આંદોલન નથી ચાલી રહ્યું, છતાં યુવાનોમાં સત્તા પક્ષ તરફ નારાજગી દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત સૌથી ટ્રેન્ડ સેટ કરશે
ગત વિધાનસભા ચૂંટણી વખતે દક્ષિણ ગુજરાતની બે વિધાનસભા બેઠકો ઝઘડિયા અને વ્યારા ઇતિહાસમાં ભાજપ પહેલી વાર જીતી હતી. તમોને આશ્ચર્ય થશે કે ભાજપે આ બેઠકો જીતવા માટે ઈસાઈ સમુદાયમાં આવતા ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. ખાસ કરીને વ્યારા અને ડાંગ બેઠક જીતવા માટે ભાજપના દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતાને જવાબદારી સોંપવામાં આવી હતી. આ દિગ્ગજ નેતાએ ઈસાઈ સમુદાયમાં બે ભાગલા પડાવીને પ્રોટેસ્ટન્ટ અને કેથોલિકમાંથી પ્રોટેસ્ટન્ટને પોતાના પક્ષમાં કર્યા. વ્યારા સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાતના પાદરીઓ સાથે બેઠક થઈ અને અંતે નક્કી થયું કે દક્ષિણ ગુજરાતમાં ચર્ચને કોઈ નુકસાન ભાજપ નહીં થવા દે તે સમજૂતી સાથે ઈસાઈ સમુદાયના વોટ ભાજપ તરફી કરવામાં આવ્યા. આ વાતની સાબિતી એ છે કે દક્ષિણ ગુજરાતમાં દેવ બિરસા સેના અનેકવાર વાયરાના ધારાસભ્ય મોહન કોંકણી સામે ઈસાઈ ધર્મનો પ્રચાર અને ધર્માંતરણના આરોપ સાથે આવેદનો આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડાંગ અને તાપી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ હાલ નહીવત પ્રયત્નો કરી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય છે.
અહેવાલ: ઉમેશ રોહિત
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ










