
ભાજપ(BJP)ના જ નેતા પક્ષ સામે પડ્યા છે. પક્ષ સામે જ સવાલો ઉભા કર્યા છે. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. જોકે, આ શાનદાર સફળતા વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી(Nanubhai Vanani) એ પાર્ટીની આંતરિક કામગીરી અને સત્તા મેળવવાની રીતો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નાનુભાઈએ એક પત્ર લખીને ભાજપમાં વિકસી રહેલા ‘જો જીતા વહી સિકંદર’ના કલ્ચર પર ચિંતા વ્યક્ત કરી છે, જેનાથી પાર્ટીના મૂળ વૈચારિક તત્ત્વોને નુકસાન થઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.
‘પાર્ટીના મૂળ સિદ્ધાંતો નાશ પામી રહ્યા છે’
નાનુભાઈ વાનાણીએ પોતાના પત્રમાં લખ્યું કે ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી એવું વાતાવરણ બન્યું છે, જ્યાં જીતનો માત્ર એક જ માપદંડ બની ગયો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “આ સિકંદરો ક્યાંથી આવ્યા છે? તેમની વિચારધારા શું છે? તેમની નૈતિકતા શું છે? શું તેમનો ભાજપ સાથે કોઈ સંબંધ છે?” તેમના મતે, આંખો બંધ કરીને થઈ રહેલી આ ભરતીથી પાર્ટીના મૂળ સિદ્ધાંતો નાશ પામી રહ્યા છે, જે રાજ્ય અને પક્ષ બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે ચેતવણી આપી કે આવા ‘સિકંદરો’ના કારણે ભાજપને લાંબા ગાળે ભારે નુકસાન થઈ શકે છે.
‘સત્તા કેન્દ્રિત વિચારધારા આત્મઘાતી’
નાનુભાઈ વાનાણીએ વધુમાં જણાવ્યું કે ભાજપ હવે સત્તા કેન્દ્રિત વિચારધારા તરફ ઝુકી રહી છે, જે કોઈ પણ પક્ષ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “સિદ્ધાંતના ભોગે સત્તા ન મેળવવી જોઈએ. સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને જ સત્તા સાચી ગણાય.” ‘યેન કેન પ્રકારેણ’ સત્તા મેળવવાના પ્રયાસો પક્ષ અને રાજ્ય બંનેને નુકસાન પહોંચાડે છે. તેમણે ગુજરાતના ઈતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 1995માં રાજ્યની જનતાએ સિદ્ધાંતોના આધારે ભાજપને સત્તા સોંપી હતી, પરંતુ જો આજે પાર્ટી એ રસ્તેથી ભટકી જશે તો 30 વર્ષ પછી જનતા ઠગાયેલી ફીલ કરશે.
‘2017 પછી ભરતી મેળાથી કાર્યકરોમાં નિરાશા’
નાનુભાઈએ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલા ‘ભરતી મેળા’ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આંતરિક ડરને કારણે ભાજપે નીતિવિહીન ભરતી શરૂ કરી, જેનાથી સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકરોમાં હતાશા ફેલાઈ. આ કાર્યકરો માનસિક રીતે પક્ષની કામગીરીથી દૂર થઈ ગયા. તેમણે આ ભરતીને ‘આઘાતજનક’ ગણાવી અને કહ્યું કે આનાથી પક્ષની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરોનું મનોબળ તૂટ્યું.
‘2022ની જીતમાં AAPનો ફાળો’
2022ની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ ત્રિપાંખિયા ચૂંટણીજંગ (ભાજપ, કોંગ્રેસ, AAP)ની મહત્ત્વની ભૂમિકા હોવાનો ઉલ્લેખ કરતાં વાનાણીએ કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)ના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું, જેનો સીધો લાભ ભાજપને મળ્યો. તેમણે વ્યંગ્યાત્મક રીતે કહ્યું કે, “ભાજપે AAPનો થોડો આભાર માનવો જોઈએ.” જોકે, તેમણે એ પણ નોંધ્યું કે 2022માં 2017ની સરખામણીએ 6 ટકા ઓછું મતદાન થયું, જે જમીની કાર્યકરોની નિરાશા અને ઉદાસીનતાનું પરિણામ હતું.
‘નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે ગુજરાત હાલ રાજકીય વિકલ્પવિહીન’
વાનાણીએ ચેતવણી આપી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે ગુજરાત હાલ રાજકીય વિકલ્પવિહીન છે, પરંતુ જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો ભવિષ્યમાં રાજકીય બદલાવ આવી શકે છે. તેમણે કોંગ્રેસનું ઉદાહરણ આપતાં કહ્યું કે ગાંધીવાદી સંસ્કૃતિના નાશને કારણે કોંગ્રેસનું પતન થયું. ભાજપે પણ પોતાના સિદ્ધાંતોનું રક્ષણ ન કર્યું તો એ જ રસ્તે જઈ શકે છે.
નાનુભાઈ વાનાણીના આ પત્રે ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદની ચર્ચાને વેગ આપ્યો છે. તેમના આક્ષેપો પાર્ટીના નેતૃત્વ માટે એક પડકાર બની શકે છે, ખાસ કરીને જ્યારે ગુજરાતમાં ભાજપનું એકછત્રી શાસન છે. આ પત્ર ભાજપના સમર્પિત કાર્યકરોની નિરાશા અને પાર્ટીની દિશા અંગે ગંભીર ચિંતનની જરૂરિયાત દર્શાવે છે.
કોણ છે નાનુભાઈ વાનાણી?
નાનુભાઈ વાનાણી ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી છે. તેમણે 2007માં સુરત ઉત્તર અને 2012માં કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. 2002માં બોટાદમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ સંગઠનમાં તેમણે શહેર મહામંત્રી તરીકે કામ કર્યું છે અને સુરતના ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો:
ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી ભાન આવ્યું! | Gujarati
Amit Khunt Case: DCP એ સગીરાને કહ્યું- “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!”
મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ
Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?
ગુજરાતી ફિલ્મ નિર્માતા Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?









