
Kheda Crime: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચેલાવત ગામમાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રની ખેવનામાં અંધ બનેલા એક પિતાએ પોતાની જ 7 વર્ષની નિર્દોષ દીકરી ભૂમિકાને નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ફેંકીને નિર્દય હત્યા કરી નાખી છે. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક સમાજને હચમચાવી દીધો છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં પુત્ર-પુત્રીના ભેદભાવની માનસિકતા અને ઘરેલું હિંસા પર ગંભીર ચર્ચા શરૂ કરી છે.

આ દુ:ખદ ઘટના ગુરુપૂર્ણિમાના દિવસે 10 જુલાઈ, 2025ની બની હતી ૃ. 35 વર્ષીય આરોપી વિજય સોલંકીએ પોતાની પત્ની અંજનાબેન સોલંકી અને 7 વર્ષની દીકરી ભૂમિકાને બાઇક પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન માટે લઈ ગયો હતો. મંદિરેથી પરત ફરતી વખતે અંજનાબેને પોતાના પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી, જેનો વિજયે સખત વિરોધ કર્યો. તેણે કથિત રીતે અંજનાબેનને કહ્યું, “મને છોકરો જોઈ તો હતો, અને તેં છોકરીને જન્મ આપ્યો” આ વાતચીત દરમિયાન રાત્રે આશરે 8 વાગ્યે, વાઘાવત ગામની સીમમાં આવેલા નર્મદા કેનાલના પુલ પર વિજયે બાઇક ઉભૂ રાખી અચાનક, તેણે પોતાની દીકરી ભૂમિકાને ઉપાડી અને માછલી બતાવવાના બહાને તેને કેનાલના કિનારે લઈ ગયો. અંજનાબેન કંઈ સમજે તે પહેલાં, વિજયે ભૂમિકાને ધસમસતા પાણીના પ્રવાહમાં ફેકી દીધી.
ઘટના અંગે કોઈને કહ્યું કે છૂટાછેડા આપી દેશે
આ નિર્દય કૃત્ય બાદ વિજયે અંજનાબેનને ધમકી આપી કે, “જો તે આ ઘટના વિશે કોઈને કહેશે, તો તેને છૂટાછેડા આપી દેશે.” ડરના માર્યા અંજનાબેન શરૂઆતમાં ચૂપ રહ્યા અને ઘરે પરત ફર્યા. પરંતુ આ ઘટનાના બીજા દિવસે 11 જુલાઈએ, ભૂમિકાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો, જેના પછી આતરસુબા પોલીસે તપાસ શરૂ કરી.
આરોપી પિતાએ પિતા સમક્ષ જૂઠ્ઠુ બોલ્યો

શરૂઆતમાં વિજયે પોલીસને ખોટું નિવેદન આપ્યું કે, “ભૂમિકાને માછલી જોવા લઈ જતી વખતે તે હાથમાંથી છટકી ગઈ અને કેનાલમાં પડી.” આ નિવેદનના આધારે પોલીસે આ ઘટનાને આકસ્મિક મૃત્યુ તરીકે નોંધી, પરંતુ અંજનાબેનના ભાઈઓને આ ઘટનાની હકીકત જણાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો. અંજનાબેને હિંમત કરીને પોતાના પતિ વિજય સોલંકી વિરુદ્ધ આતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વિજયની ધરપકડ કરી.
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું, “આ ઘટના 10 જુલાઈની રાત્રે બની. શરૂઆતમાં આ દંપતીના નિવેદનથી આ ઘટના આકસ્મિક મૃત્યુ જેવી લાગી, પરંતુ અંજનાબેનની કબૂલાતથી સ્પષ્ટ થયું કે વિજયે જાણી જોઈને પોતાની દીકરીને કેનાલમાં ફેંકી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો છે.”
અંજનાબેન અને વિજયના લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતા, અને તેમને બે પુત્રીઓ હતી. સાત વર્ષની ભૂમિકા અને ત્રણ વર્ષની નાની દીકરી હતી. જોકે, વિજયને પુત્રની તીવ્ર ઇચ્છા હતી, અને તે બે પુત્રીઓના જન્મથી નારાજ હતો. આ કારણે તે અવારનવાર અંજનાબેન સાથે ઝઘડો કરતો અને તેમના પર માનસિક તથા ભાવનાત્મક દબાણ લાવતો. અંજનાબેન ઘણી વખત રિસાઈને પિયર ચાલ્યા જતાં, પરંતુ સમાજના દબાણ અને સમજાવટથી તેઓ પાછા ફરતાં. આ ઘટના પહેલાંથી જ વિજયની પુત્ર-પુત્રીના ભેદભાવની માનસિકતા સ્પષ્ટ હતી, જે આ નિર્દય કૃત્યનું મૂળ કારણ બની.
માતાએ શું કહ્યું?

અંજનાબેને પોલીસને જણાવ્યું, “ગુરુપૂર્ણિમાના દિવસે વિજય અમને મંદિરે લઈ ગયો. તેનો ઇરાદો પહેલેથી જ ખરાબ હતો. દર્શન બાદ ઉતાવળે અમને બાઇક પર બેસાડી ઘરે લઈ જવા નીકળ્યો. કેનાલ પાસે તેણે બાઇક ઊભી રાખી અને ભૂમિકાને માછલી બતાવવાના બહાને લઈ ગયો. મારી નજર સામે જ તેણે મારી દીકરીને પાણીમાં ફેંકી દીધી. હું આઘાતમાં હતી, અને તેણે મને ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો છૂટાછેડા આપી દઈશ.”
પિતા સામે હત્યાનો ગુનો દાખલ

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ કહ્યું વિજયની ધરપકડ કરી અને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો. ભૂમિકાના નાના-નાની અને અન્ય સગાઓની પૂછપરછ દરમિયાન કેટલાકએ આરોપ લગાવ્યો કે વિજય અંધશ્રદ્ધામાં માને છે અને આ હત્યા કોઈ બલિના ઇરાદાથી કરવામાં આવી હોઈ શકે. “અત્યાર સુધીની તપાસમાં અંધશ્રદ્ધા સાથે સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ અમે આ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ.”
આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આઘાત અને આક્રોશની લાગણી ફેલાવી છે. પુત્ર-પુત્રીના ભેદભાવની માનસિકતા, ઘરેલું હિંસા, અને મહિલાઓ પર થતા માનસિક દબાણના મુદ્દે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ આરોપીને કડકમાં કડક સજાની માગણી કરી છે, જેથી આવા બનાવો ભવિષ્યમાં ન બને.
આ પણ વાંચોઃ
Bihar Election: મોદી 4 મહિનામાં બિહારની ચોથીવાર મુલાકાત લેશે, 35 લાખથી વધુ મતદારો હટાવશે!
રમેશ ભગોરાનું 150 કરોડનું કૌભાંડ, નિવૃત્તિ સમયે ઝડપી બીલો ચૂકવ્યા | Ramesh Bhagora
Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા