
ખેડા જીલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન બાદ, પશુપાલકો અને સહકારી નેતાઓએ વીરપુર ખાતે જમીન ખરીદીના સ્થળની મુલાકાત લેવા રેલીના સ્વરૂપે કૂચ કરી. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો જોડાયા હતા. રેલીનો ઉદ્દેશ્ય વીરપુરમાં ખરીદાયેલી જમીનના ભાવ અને તેની પાછળની વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરવાનો હતો.અમૂલ
અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, “અમૂલમાં છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારની વાતો ચાલી રહી છે, પછી તે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોય કે બહારના લોકોને પૈસા લઈને નોકરી આપવાની બાબત હોય. આ તમામ મુદ્દાઓને ખુલ્લા પાડવા અમે વીરપુર ખાતે સ્થળની મુલાકાતે જઈ રહ્યા છીએ. અમે જમીનના ભાવ અને વાસ્તવિક સ્થિતિની તપાસ કરીશું.”જમીન
ડેરીના અન્ય ડિરેક્ટર ભરતસિંહ પરમારે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું, “અમૂલ ડેરી એટલે પશુપાલકોની સંસ્થા. પશુપાલકો રાત-દિવસ મહેનત કરીને દૂધ પહોંચાડે છે, પરંતુ દૂધ અને વેપારનો નફો તેમના કામમાં આવતો નથી. વીરપુરમાં જમીન ખરીદીમાં ભારે ગેરરીતિ થઈ છે. જે જમીન ગુંઠે 40,000 રૂપિયામાં મળે તેનો ભાવ 4 લાખ રૂપિયા ગુંઠો નક્કી કરાયો છે. આ પશુપાલકોની મહેનતની કમાણીનો દુરુપયોગ છે. અમે આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ.”
રેલી બાદ વીરપુર ખાતે પશુપાલકો માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા થશે અને અમૂલને બચાવવા માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પશુપાલકોનો આક્રોશ સ્પષ્ટ છે કે, “અમૂલ આપણી છે, અને અમારા પૈસાનો દુરુપયોગ અમે સહન નહીં કરીએ.
અમૂલ ડેરી, જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્યરત છે, તે 3.6 મિલિયન પશુપાલકોની સહકારી સંસ્થા છે. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ સંસ્થા ભારતની સફેદ ક્રાંતિનું પ્રતીક બની છે. જોકે, તાજેતરના વર્ષોમાં રાજકીય હસ્તક્ષેપ અને ભ્રષ્ટાચારના આરોપોએ અમૂલની પ્રતિષ્ઠાને અસર કરી છે.
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ કર્યો છે કે અમૂલે વીરપુરમાં રૂ.40, 000 પ્રતિ ગુંઠાની જમીન રૂ.4,00,000 પ્રતિ ગુંઠાના ઊંચા ભાવે ખરીદી છે. તેમણે આને પશુપાલકોના હિત વિરુદ્ધ ગણાવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે, અમૂલના બાલાસિનોરના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠકે ખરીદીને પારદર્શક ગણાવી છે. કેસરીસિંહે દાવો કર્યો કે આ જમીન હલકી ગુણવત્તાની છે અને માંગ કરી કે ખેડૂતને ચૂકવાયેલી રકમ સિવાયના વધારાના પૈસા અમૂલમાં પરત કરવામાં આવે. તેમણે શાસકોને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો અને કહ્યું કે જો પપ્પુભાઈ, વિપુલભાઈ અને કાંતિકાકાને પોતાની કામગીરી પર વિશ્વાસ હોય, તો તેઓ તેમના માતર બ્લોકમાં ચૂંટણી લડીને જીતી બતાવે.