
મહેસાણાના કડીમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. માનવતા નેવે મૂકી લાશને કચરાની ગાડીમાં લાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જેથી તંત્ર પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે આ મામલે નગરપાલિકાને હાડે હાથ લીધી છે.
મહેસાણા જીલ્લાની કડી નગરપાલિકામાં કેનાલ નજીક એક મૃતકની લાશ મળી હતી. જે લાશને કચરાની ગાડી મારફતે કુંડાળ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી. મૃતકની લાશને નગરપાલિકા દ્વારા કચરાની ગાડીના ડબ્બામાં લાવવામાં આવી હતી. આવી ઘટના પ્રથમવાર બની હોય તેવું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.
મોતનો મલાજો ન જળવાયો
ઘણા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવું તો અનેકવાર બનેલું છે, કે જેમાં મૃતકોની લાશને કચરાના ડબ્બામાં વહન કરવામાં આવે છે. આ બાબતે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓ એ જણાવ્યું હતું કે, સારું હવે પછી કચરાના ડબ્બામાં લાશને નહીં લાવવામાં આવે. આમ કરીને તુમાખીભર્યા જવાબો આપીને નાગરિકના મોતનો મલાજો પણ સચવાતો ન હોવાથી આ અત્યંત ગંભીર બાબત છે. કડી નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ મળે છે પરંતુ મૃતકોને લાવવા માટે શબવાહિનીની પણ વ્યવસ્થા જો ન થઈ શકે તો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને અને તેની કારોબારીને તાત્કાલિક રીતે ગુજરાત સરકાર સસ્પેન્ડ કરે તો જ દાખલો બેસશે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે.
આ ઘટના બનતા તંત્ર પર પ્રવક્તા હેમાંગ રાવલે સવાલ કર્યા છે. તેમને એક વિડિયો દ્વારા નગરપાલિકાની આકરી ટીકા કરી છે. જુઓ વિડિયોમાં શું કહી રહ્યા છે.