
Navsari: નેશનલ હાઇવે 48 પર બોરિયાચ ટોલનાકા ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા આ આંદોલન દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે ઉગ્ર ઝપાઝપીની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
આંદોલનનું મુખ્ય કારણ નેશનલ હાઇવે 48ની ખરાબ હાલત હતી, જેના કારણે વાહનચાલકોને અકસ્માતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનંત પટેલે ટોલનાકા પર હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે રોકતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ.
અનંત પટેલે ટોલનાકા પર ચક્કાજામનો પ્રયાસ કર્યો અને માંગ કરી કે, “જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય, ટોલ વસૂલી બંધ થવી જોઈએ.” પોલીસે હસ્તક્ષેપ કરતાં બોલાચાલી થઈ, અને કોંગ્રેસ કાર્યકરો ટોલનાકા કચેરી બહાર ધરણા પર બેસી ગયા.પ્રદર્શનકારીઓએ ટોલ એજન્સીના અધિકારીઓને રસ્તાની સ્થિતિ સુધારવા મજબૂર કર્યા. અનંત પટેલે પોલીસને રજૂઆત કરી કે, “ખરાબ રસ્તાઓથી અકસ્માત થાય તો હાઇવે ઓથોરિટી સામે ગુનો નોંધાવો.” સ્થાનિક લોકો પણ જોડાયા, જેમણે રસ્તાની ખરાબ હાલત પર આક્રોશ વ્યક્ત કર્યો.
“રોડ નહી તો ટોલ નહીં”નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય @AnantPatel1Mla ની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે 48 બોરીચાય ટોલનાકા પર વિરોધ પ્રદર્શન… pic.twitter.com/AazNAWlFRx
— Gujarat Congress (@INCGujarat) July 11, 2025
અનંત પટેલે વ્યક્ત કર્યો આક્રોશ
અનંત પટેલે જણાવ્યું, “ખરાબ રસ્તાઓને કારણે લોકોના જીવ જોખમમાં છે, છતાં ટોલ ટેક્સ લેવામાં આવે છે, જે નાગરિકો સાથે અન્યાય છે.” સ્થાનિક લોકોએ પણ આ આંદોલનમાં જોડાઈને રસ્તાની ખાડાઓ અને નબળી જાળવણી સામે આક્રોશ વ્યક્ત કર્યો.આ ઘટનાએ સરકાર અને હાઇવે ઓથોરિટી પર દબાણ વધાર્યું છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો રસ્તાનું સમારકામ નહીં થાય તો આગળનું આંદોલન વધુ તીવ્ર થશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધના સૂર ઉઠવાની શક્યતા છે.






