
છેલ્લા ઘણા સમયથી અમરેલીમાંથી બહાર આવેલા લેટરકાંડ મુદ્દે ઉહાપોહ મચી ગયો છે. લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીને અડધી રાત્રે ઘરેથી ઉઠાંવી જેલમાં નાખતાં ગુજરાતના પાટીદાર સમાજ, રાજકીય ક્ષેત્રે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજ સવારથી જ ઉપવાસ આંદોલન પર બેઠાં છે, અને પાટીદાર યુવતીને ન્યાય મળે તે માટે માગ કરી છે. તેમણે કહ્યું કે યુવતીને પોલીસ સ્ટેશનમાં પટ્ટેને પટ્ટે મારી. તે ખાખી વર્દી સામે ધ્રુજતી રહી. તેમણે કહ્યું નેતાઓની આંગળીએ નાચતાં તપાસ કરી રહેલા અધિકારીઓએ ખોટો કેસ ઉભો કર્યો છે.
રાજકમલ ચોકમાં ઉપવાસ પર બેઠા
અમરેલીના ચકચારી લેટરકાંડના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આ મુદ્દે અમરેલી જિલ્લાનું રાજકારણ સૌથી વધુ ગરમાયુ છે. પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પરેશ ધાનાણી સહિત જેનીબેન ઠુમ્મર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણીઓ અમરેલીના રાજકમલ ચોકમાં ઉપવાસ પર બેઠા છે. આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. પરેશ ધાનાણીએ નારણ કાછડિયા અને અમરેલીના પાંચ ધારાસભ્યો સામે સવાલ કર્યા છે અને અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસની માગ છે કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પોતાનું આંદોલન યથાવત્ જ રાખશે. કોંગ્રેસના નેતાઓ આ સમગ્ર કાંડ માટે ભાજપના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે. સાથે જ ધાનાણીએ માગ કરી છે કે પત્ર નકલી છે કે અસલી તે તમામ તપાસ થાય. તમામ સીસીટીવી કબજે કરાય. સાથે ગુનેગારને સજા થાય તેવી માગ કરી છે.
હાલ તો લેટરકાંડે આખા ગુજરાતના રાજકારણને હચમચવી નાખ્યું છે. ચારેકોર લેટરકાંડની ચર્ચા થઈ રહી છે. ત્યારે સત્યતા શું છે તે સમય આવ્યે જ ખબર પડશે.
આ સમાચાર પણ વાંચોઃ રાજકોટમાં પ્રથમવાર આવતીકાલથી આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાશે