
Pakistan-China new plan: ભારતનો સામનો કરવા માટે ચીન પાકિસ્તાન સાથે મળીને એક નવું સંગઠન બનાવવા મથામણ કરી રહ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રાજદ્વારી સૂત્રોએ માહિતી આપી છે કે સાર્ક (SAARC) સંગઠન નબળું પડી ગયા પછી એક નવા સંગઠન બનાવવાની ચીન યોજના ઘડી રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનને એક મહિના માટે UNSCનું પ્રમુખ બનાવી દેવાયું છે. જે ભારત માટે ચિંતા સમાન છે. કારણ કે મોદી પોતે અનેક દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે, અધિકારીઓને મોકલી રહ્યા છે, તેમ છતાં પાકિસ્તાન સતત આગળ વધતાં દેખાઈ રહ્યું છે. ભારતનું કાંઈ ઉગી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું નથી. ચીન,પાકિસ્તાન સહિતના દેશોમાં ભારતને એકલા પાડવાની યોજના ઘડી રહ્યા છે.
મિડિયા રિપોર્ટ અનુસાર ચીનના કુનમિંગમાં તાજેતરમાં યોજાયેલી ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશ ત્રિપક્ષીય બેઠક પછી આ સંગઠનના આયોજનને વેગ મળ્યો છે. જોકે સંગઠન વિશેની ઔપચારિક વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું સંગઠન બનાવાશે તો સંગઠનમાં ભારત સહિત ઘણા દક્ષિણ અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ થશે. પરંતુ, ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતના તણાવપૂર્ણ સંબંધોને જોતાં ભારતને તેનો ભાગ નહીં બનાવા દે. ચીન અને પાકિસ્તાન ભારતને એકલું પાડી દેવા મથામણ કરી રહ્યા છે.
સાર્ક શું છે?
દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) ની રચના આ ક્ષેત્રમાં આર્થિક સહયોગ, પ્રાદેશિક વિકાસ અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. તે 8 દેશો ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનું સંગઠન છે જેની દ્વિવાર્ષિક પરિષદ 2014થી યોજાઈ નથી. SAARC ની રચના 1985 માં ઢાકામાં થઈ હતી અને તેનું સચિવાલય નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત છે.
જોકે SAARC સંગઠનની બેઠક 2014 પછી એકવાર પણ થઈ નથી. જેના કારણે આ સંગઠન નબળું પડી ગયું છે. ત્યારે હવે ચીન-પાકિસ્તાન મળીને નવી ચાલ રમી રહ્યા છે. તેઓ પોતાનું નવું સંગઠન બનાવા જઈ રહ્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે. જેમાં ભારતના પાડોશી દેશ જેવા કે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકાને સાથે લેવા માગે છે. જેથી ભારત એકલું પડી જાય.
2016 થી સાર્ક સંગઠન નબળું પડ્યું
વાસ્તવમાં સાર્ક સમિટ 2016 માં પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ તે દરમિયાન ઉરી આતંકવાદી હુમલો થયો જેના માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી સાર્ક નિષ્ક્રિય રહ્યું છે. ચીને વર્તમાન પ્રાદેશિક શૂન્યાવકાશનો લાભ લઈને આ ક્ષેત્રના દેશોને એક કર્યા છે અને હવે એક નવા સંગઠનની યોજના બનાવી રહ્યું છે.
ચીને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા દક્ષિણ એશિયામાં તેની હાજરી વધારી છે અને હવે તે તેના સાર્કને સંપૂર્ણપણે ખતમ કરી નવું સંગઠન બનાવવામાં માગે છે.
વિશ્લેષકો કહે છે કે કુનમિંગ ત્રિપક્ષીય બેઠક એ નવા સંગઠનમાં બાંગ્લાદેશ જેવા નાના દેશોના રસની ચકાસણી કરવાનો એક માર્ગ છે. નવા સંગઠનની જાહેરાત માટે કોઈ સમયરેખા નક્કી કરવામાં આવી નથી પરંતુ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વર્ષના અંત સુધીમાં એક માળખું ઉભરી શકે છે. આ માળખું આગામી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) બેઠકોની આસપાસ આવશે તેવું માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન બંને SCO ના સભ્યો છે.
શું ચીન સાર્કને ખતમ કરી નવું સંગઠન બનાવી શકશે?
જો ચીન ભારત સિવાય તેના પાડોશી દેશોને એક કરીને આ સંગઠન બનાવે છે, તો તે પ્રાદેશિક વિચારસરણીમાં પરિવર્તનનો સંકેત આપશે. આ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. પરંતુ તે દક્ષિણ એશિયાના અન્ય દેશો, ખાસ કરીને નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ, નવા સંગઠન પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નિર્ભર રહેશે.
ગયા અઠવાડિયે બાંગ્લાદેશે ચીન અને પાકિસ્તાન સાથે કોઈપણ નવું જોડાણ બનાવવાની શક્યતા નકારી કાઢી હતી. 26 જૂને, બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને 19 જૂને બાંગ્લાદેશ-ચીન-પાકિસ્તાન બેઠક વિશે પૂછવામાં આવતા કહ્યું કે, “બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈ નવું જોડાણ નથી”.
હુસૈને કહ્યું હતું કે, “અમે કોઈ ગઠબંધન નથી બનાવી રહ્યા. આ બેઠક સત્તાવાર સ્તરે હતી, રાજકીય સ્તરે નહીં… આમાં કોઈ ગઠબંધન બનાવવાની કોઈ વાત થઈ નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો હવે ફરી સુધરી રહ્યા છે અને અમારા તરફથી સદ્ભાવનાનો કોઈ અભાવ નથી.’
UNSCનું પ્રમુખ બન્યુ પાકિસ્તાન
પાકિસ્તાન એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું પ્રમુખ બનાવવામાં આવ્યું છે. તેણે આ વર્ષે જાન્યુઆરીથી અસ્થાયી સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો હતો. 2013 પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાનને UNSC નું પ્રમુખપદ મળ્યું છે. જોકે પાકિસ્તાન અગાઉ સાત વખત સુરક્ષા પરિષદમાં આ પદ પર રહી ચૂક્યું છે. તો આ તેનો આઠમો કાર્યકાળ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા છે, જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યો છે. પાકિસ્તાન પણ એક અસ્થાયી સભ્ય છે, જેનો કાર્યકાળ ડિસેમ્બર 2026 માં સમાપ્ત થશે.
જો કે પાકિસ્તાન પ્રમુખ બનતા ભારત માટે આ એક ઝટકા સમાન ઘડી છે. ભારતની મોદી સરકારે ઓપરેશન સિંદૂરને સમજાવવા વિવિધ દેશોમાં અધિકારીઓ મોકલ્યા તેમ છતાં તે વિદેશને સંદેશો પહોંચાડવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. પાકિસ્તાન વિશ્વકક્ષાએ સતત આગળ વધી રહ્યું છે. મોદી માત્ર વાતોના વડા કરી રહ્યા છે. ટ્રમ્પ સતત ભારત-પાકિસ્તાન યુધ્ધ રોકાવ્યાના બણગાં ફૂકી રહ્યા છે. જોકે મોદી સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેનો લાભ પાકિસ્તાન લઈ રહ્યું છે.
શું પાકિસ્તાનના UNSC પ્રમુખપદથી ભારતને મુશ્કેલી?
પાકિસ્તાનની પોતાના હેતુઓ માટે યુએનના હોદ્દાનો દુરુપયોગ કરવાની અને તેનો લાભ લેવાની ઇચ્છા અને ઇરાદો લાંબા સમયથી સ્પષ્ટ છે અને પાકિસ્તાન 1 જાન્યુઆરી 2025 થી આવા કોમો કરી રહ્યું છે. જો કે, યુએનએસસીની પેટા સંસ્થાઓમાં પાકિસ્તાનની પ્રમુખપદ અને ઉપાધ્યક્ષપદની ભૂમિકાઓ યુએનમાં ભારતીય હિતો માટે સીધી રાજદ્વારી ધમકીનું પ્રતિનિધિત્વ કરતી નથી.
જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં