
PM Modi visit China: ભારત-ચીનના સંબંધો વર્ષોથી ખડવાશ ભર્યા રહ્યા છે. 2017માં ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ અને 2020માં ગલવાન અથડાણ થયા બાદ બંને દેશોએ મોઢા ફેરવી લીધા હતા. જોકે ભારત સામે ટ્રમ્પે મોરચો માડતાં ભારત-ચીન હવે એકમેક થવા મથામણ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં પહોંચ્યા છે. અહીં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠકમાં PM મોદીએ કહ્યું કે ભારત પરસ્પર સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. મોદીએ કહ્યું કે 280 કરોડની વસ્તી અને માનવતા માટે બંને દેશોનો સહયોગ જરૂરી છે. જો કે સ્ક્રિપ્ટ વગર બોલતાં મોદી અહીં વાંચી વાંચીને બોલ્યા હતા.
મોદીએ કહ્યું, “ગયા વર્ષે કાઝાનમાં અમારી વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી. જેનાથી અમારા સંબંધોમાં સુધારો થયો હતો. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. સરહદ વ્યવસ્થાપન અંગે અમારા ખાસ પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર થયો છે.”
ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ
નરેન્દ્ર મોદીએ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે , “કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ફરી શરૂ થઈ રહી છે. બંને દેશોના 280 કરોડ લોકોના હિત આપણા સહયોગ સાથે જોડાયેલા છે. આનાથી સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પણ ખુલશે.”
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ મોદીની વાત સાથે સંમત થયા અને કહ્યું કે બંને દેશો માટે સાથે આવવું મહત્વપૂર્ણ છે.
મોદીએ શી જિનપિંગને અભિનંદન આપ્યા
Sharing my remarks during meeting with President Xi Jinping. https://t.co/pw1OAMBWdc
— Narendra Modi (@narendramodi) August 31, 2025
મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના સફળ અધ્યક્ષપદ બદલ રાષ્ટ્રપતિ શી જિનપિંગને અભિનંદન પણ આપ્યા. પીએમ મોદીએ ચીનની મુલાકાત અને બેઠક માટે આમંત્રણ આપવા બદલ જિનપિંગનો આભાર પણ માન્યો.
મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ અને ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના તેમના નિર્ણયે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં હલચલ મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે વિવાદ બાદ સાત વર્ષે મોદી ચીન પહોંચ્યા છે.
ડોકલામ
ડોકલામ વિવાદ એ ભારત, ભૂટાન અને ચીન વચ્ચેના ત્રિ-જંક્શન પર આવેલા ડોકલામ (ચીનમાં ડોંગલાંગ તરીકે ઓળખાય છે) નામના વિવાદિત પ્રદેશને લગતો ભૂ-રાજકીય મુદ્દો છે. આ વિવાદ 2017માં ખાસ ચર્ચામાં આવ્યો જ્યારે ચીનની સેનાએ ડોકલામમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું, જેનો ભારત અને ભૂટાને વિરોધ કર્યો.
ડોકલામ શું છે?
ડોકલામ એ ભૂટાન, ચીન (તિબેટની ચુંબી ખીણ) અને ભારતના સિક્કિમ રાજ્યની સરહદે આવેલું 269 ચો. કિ.મી.નું પઠાર છે. આ વિસ્તાર ભારતના સિલિગુરી કોરિડોર (“ચિકન્સ નેક”) ની નજીક છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. આ રણનીતિક રીતે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે, કારણ કે ચીનનું અહીં નિયંત્રણ ભારતની સુરક્ષા માટે જોખમ ઉભું કરી શકે.
વિવાદનું કારણ
ચીન કહે છે કે ડોકલામ તેમના ડોંગલાંગ વિસ્તારનો ભાગ છે, 1890ની બ્રિટિશ-ચીન સંધિના આધારે. ભૂટાન ડોકલામને પોતાનો ભાગ માને છે અને ચીનના રસ્તા નિર્માણને 1988 અને 1998ની સંધિઓનું ઉલ્લંઘન ગણે છે, જે યથાસ્થિતિ જાળવવાની વાત કરે છે. ભારત ભૂટાનના દાવાને સમર્થન આપે છે અને ડોકલામમાં ચીનની પ્રવૃત્તિઓને પોતાની સુરક્ષા માટે જોખમ તરીકે જુએ છે, જોકે ભારત પોતે ડોકલામ પર દાવો નથી કરતું.
2017 માં ભારત-ચીન વચ્ચે શું થયુ હતુ?
જૂન 2017માં ચીને ડોકલામમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું. ભૂટાને વિરોધ કર્યો, અને ભારતે ભૂટાનની વિનંતી પર તેના સૈનિકો મોકલી ચીનનું નિર્માણ રોક્યું. 73 દિવસના તણાવ પછી, 28 ઓગસ્ટ, 2017ના રોજ ભારત અને ચીન બંનેએ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી. જોકે, ચીને પછીથી ડોકલામમાં નવું નિર્માણ શરૂ કર્યું, જેમાં ચોકીઓ અને ગામો બનાવ્યા. જે ભારત અને ભૂટાન માટે ચિંતાનો વિષય છે. ભારત ડોકલામમાં ચીનની હાજરીને સિલિગુરી કોરિડોર માટે જોખમ તરીકે જુએ છે અને તેની સૈન્ય તૈનાતી અને માળખાકીય વિકાસ વધારી રહ્યું છે.
ગલવાના ઘાટી વિવાદ
ગલવાન ઘાટી વિવાદ એ ભારત અને ચીન વચ્ચે લદ્દાખની સરહદે આવેલી ગલવાન ઘાટીમાં થયેલ એક મહત્વનો ભૂ-રાજકીય અને સૈન્ય વિવાદ છે, જે ખાસ કરીને 2020માં ચર્ચામાં આવ્યો. આ વિવાદ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ના વિવાદિત વિસ્તારોને લગતો છે, જે ભારત-ચીન સરહદનો એક સંવેદનશીલ ભાગ છે.
ગલવાન ઘાટી શું છે?
ગલવાન ઘાટી એ લદ્દાખ (ભારત) અને ચીનના અક્સાઈ ચીન વિસ્તારની સરહદે આવેલી એક સાંકડી ખીણ છે, જે ગલવાન નદીની આસપાસ છે. આ વિસ્તાર ઊંચાઈવાળો અને દુર્ગમ છે, પરંતુ રણનીતિક રીતે મહત્વનો છે કારણ કે તે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ની નજીક છે અને ચીનના ઝિનજિયાંગ તેમજ ભારતના લદ્દાખને જોડે છે.
LACનો ઝઘડો
ભારત અને ચીન LACની ચોક્કસ રેખા અંગે સહમત નથી. બંને દેશો ગલવાન ઘાટીમાં પોતપોતાની રીતે દાવા કરે છે, જેનાથી તણાવ વધે છે. ચીન રસ્તા, ચોકીઓ અને સૈન્ય માળખું બનાવીને ધીમે ધીમે વિસ્તાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે, જે ભારતને નથી ગમતું. 1962ના ભારત-ચીન યુદ્ધમાં ગલવાન ઘાટી મુખ્ય ક્ષેત્ર હતું, અને ત્યારથી આ વિસ્તાર વિવાદિત છે.
2020માં ગલવાન ઘાટીમાં અથડામણ
મે 2020માં ચીનની સેનાએ ગલવાન ઘાટીમાં LAC પર નવા નિર્માણો શરૂ કર્યા અને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા. ભારતે પણ તેની સેના મોકલી. ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ. આમાં હથિયારોનો ઉપયોગ ન થયો, પરંતુ લાકડીઓ, પથ્થરો અને લોખંડના સળિયાથી હુમલા થયા. પરિણામે ભારતના 20 સૈનિકો શહીદ થયા. ચીનના 35-40 સૈનિકો માર્યા ગયા (ચીનના સત્તાવાર દાવા મુજબ 4 મૃત્યુ). આ ઘટનાએ ભારત-ચીન સંબંધોને ખૂબ અસર કરી. બંને દેશોએ વધુ સૈનિકો અને હથિયારો તૈનાત કર્યા.
હાલની સ્થિતિ (2025)
2020 પછી ભારત અને ચીન વચ્ચે અનેક રાઉન્ડની સૈન્ય અને રાજદ્વારી વાતચીત થઈ. કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા, પરંતુ ગલવાન ઘાટીમાં હજુ તણાવ છે. ચીને ગલવાનમાં રસ્તા, પુલ અને ચોકીઓ બનાવી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે પણ LAC પર સૈન્ય, ડ્રોન અને અન્ય હથિયારોની તૈનાતી વધારી છે. દર્જીલિંગ-કાલિમ્પોંગ-લદ્દાખ રોડ જેવા માળખાકીય પ્રોજેક્ટ પર કામ ચાલે છે.
આ પણ વાંચો:
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?