
Sabarkantha: સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરમતી નદી પર આવેલો ડેરોલી ઓવરબ્રિજ જર્જરિત અને સાંકડો હોવાને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. આ ઓવરબ્રિજ, જે લગભગ 60 વર્ષ જૂનો છે તે 250 મીટરથી વધુ લાંબો તેમજ માત્ર 7 મીટર પહોળો છે, તેની હાલત ખૂબ જ ખરાબ છે. બ્રિજ પર ખાડાઓ અને બંને બાજુના પેરાફીટના સડી ગયેલા લોખંડ જોવા મળે છે, જેના કારણે વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો, ભયભીત થઈ જાય છે. બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે, જેનાથી અકસ્માતનું જોખમ વધે છે. ત્યારે બે દિવસ પહેલા જ ધ ગુજરાત રિપોર્ટના રિપોર્ટે આ પુલનું રિયાલિટી ચેક કર્યું હતુ અને આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતુ ત્યારે હવે ધ ગુજરાત રિપોર્ટના અહેવાલની અસર જોવા મળી છે. હિંમતનગર-મહેસાણા હાઇવે પરનો ડેરોલી પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
the gujarat report અહેવાલની અસર, પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ
વડોદરા નજીક ગંભીરા ઓવરબ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ ડેરોલી પુલની તપાસ કરવામાં આવી, જેમાં તેની જર્જરિત હાલત સામે આવી. the gujarat report જર્જરિત અને જૂના પુલ અંગે અહેવાલ આપ્યો હતો. વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે, પુલ પરથી પસાર થતી વખતે વાહનોના હલચલથી ભય લાગે છે. પુલની બંને બાજુના પેરાફીટ તૂટેલા છે, અને તેની જાણકારી આપતી કોઈ સૂચના પણ મૂકવામાં આવી નથી. વાહનચાલકોએ માંગ કરી હતી કે આ પુલનું તાત્કાલિક નવીનીકરણ અથવા સમારકામ કરવું જરૂરી છે, જેથી ગંભીરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.
સાબરકાંઠા કલેક્ટરનું જાહેરનામું
the gujarat report અહેવાલ બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ડેરોલી પુલને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરનામું બીજાપુરથી મહુડી, અનોડિયા, પ્રાંતિજ અને હિંમતનગર જતા માર્ગ પર લાગુ કરવામાં આવ્યું છે. પુલનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
“the gujarat report ” અહેવાલની અસર
“the gujarat report”ના અહેવાલે આ જર્જરિત પુલની સ્થિતિને પ્રકાશમાં લાવી, જેના પરિણામે તંત્રએ આ પગલું ભર્યું. હિંમતનગર-મહેસાણા હાઈવે પર આવેલા આ પુલ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ છે. આ પગલાંથી અકસ્માતનું જોખમ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડેરોલી પુલની જર્જરિત હાલત અને તેના સાંકડા બાંધકામને કારણે વાહનચાલકોનો જીવ જોખમમાં છે. તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકીને પ્રાથમિક પગલાં ભર્યા છે, પરંતુ નવા પુલનું નિર્માણ અથવા હાલના પુલનું વ્યાપક સમારકામ ઝડપથી કરવું અનિવાર્ય બન્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
અહેવાલ : ઉમંગ રાવલ
