
Bhavnagar: રાજ્યમાં આ વખતે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ડેમ છલકાયા છે. ત્યારે આ વખતે ભાવનગરમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જેથી ભાવનગરનો શેત્રુંજી ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ, સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
સિઝનમાં ત્રીજી વખત શેત્રુંજી ડેમ થયો ઓવર ફ્લો
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ આ ચોમાસાની સિઝનમાં સતત ત્રીજી વખત 100% ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે, જેના પગલે ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
17 ગામો હાઈએલર્ટ પર
શેત્રુંજી ડેમના ઓવરફ્લોને કારણે પાલીતાણા અને તળાજા તાલુકાના 17 ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ગામોમાં નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરનો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ ન થાય. શેત્રુંજી ડેમનો ઓવરફ્લો ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે ખુશીની વાત છે.
ખેડૂતોમાં આનંદનો માહોલ
આ ડેમ જિલ્લાના 122 ગામોની ખેતી અને સિંચાઈ માટે મહત્વનો છે. ભારે વરસાદ અને ડેમની સંપૂર્ણ ભરાઈ જવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે, કારણ કે આનાથી ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને પાકની ઉત્પાદકતામાં વધારો થશે.આ ચોમાસાની સિઝનમાં શેત્રુંજી ડેમનો ત્રીજો ઓવરફ્લો એ સૌરાષ્ટ્રના પાણીના સંગ્રહ અને ખેતીની સમૃદ્ધિ માટે સારો સંકેત છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
અહેવાલ : નીતિન ગોહેલ








