
આજે ભગવાન શિવનું મહા પર્વ છે. શિવરારાત્રી(Shivaratri)ના આ મહાપર્વ નિમિતે જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સોમનાથમાં પણ ભક્તો ઉમટ્યા છે.
જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સન્યાસીઓ ભવનાથની તળેટીમાં આવેલા કુંડમાં રાત્રે 12 વાગ્યે સ્નાન કરશે. એક માન્યતા છે કે અહીં ડૂબકી લગાવ્યા બાદ સીધા પાતાળ લોક જતા હોય છે, આ માન્યતા પણ મૃગીકુંડ અને તેના શાહી સ્નાન સાથે આદિ અનાદિ કાળથી જોડાયેલી છે.
સોમનાથમાં પણ શિવરાત્રીની ઉજવણીનો માહોલ
સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રીએ સોમનાથ ધામમાં વિવિધ ઉજણીઓ થનાર છે. સાધુઓ પોતાના કરતબો બતાવી રહ્યા છે.
મહાશિવરાત્રીનું મહત્વ
હિંદુ શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે. પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રથમવાર પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું. આ કારણોસર, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે.
શિવ શબ્દનો અર્થ શું થાય છે?
ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશ કાન્તૌ ધાતુ દ્વારા થઈ છે. જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઇચ્છે છે, તે શિવ છે, બધા આનંદ ઇચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શંનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર. શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે.
શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ
શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે. આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન
આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા