
- રસ્તા પરના ખાડાને લીધે બાઈક સ્લિપ થતાં ત્રણ યુવકો ભોંય ભેગા થયાં.
- પાછળથી આવતાં કન્ટેન્ટરના તોતિંગ પૈડાં યુવકના માથા પર ફરી વળ્યાં.
Surat News । ભાજપાની કહેવાતી વિકાસશીલ સરકાર રાજ્યના રસ્તાઓનો વિકાસ નથી કરી શકી એ સ્પષ્ટ વાત છે. ત્યારે સુરતના અમરોલીમાં રસ્તા પરના ખાડાના કારણે એક યુવકનો જીવ ગયો હોવાની કરુણ ઘટના સામે આવી છે. ખાડાને કારણે એક યુવકનો જીવ ગયો અને બે યુવાનો ઘવાયા, ત્યારે આ ઘટનામાં રસ્તા પર ખાડા પડવા માટે જવાબદાર તંત્ર સામે તો કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ, કન્ટેન્ટર ચાલક સામે ગુનો નોંધી ગુજરાતની બાહોશ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ તપાસમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વગદાર ભગવાધારી સુધી તપાસનો રેલો જાય તેવી શક્યતાઓ નહીવત્ જણાય છે.
સુરતના એજણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો શંભુનાથ બાલેશ્વર યાદવ (35 વર્ષ) લાદી સ્ટાઇલનું મજૂરી કામ કરતો હતો. છેલ્લાં કેટલાંક સમયથી તે વિકાસ જાંબુકિયા સાથે ઓલપાડના માસમાં ગામમાં કડિયાકામની મજૂરીએ શંભુનાથ જતો હતો.
ગઇકાલે સાંજે વિકાસ જાંબુકિયા પોતાની બાઈક પર શંભુનાથ તેમજ સોનું નામના યુવક સાથે ઓલપાડથી પરત ફરી રહ્યો હતો. દરમિયાનમાં જહાંગીરપુરાથી અમરોલી જવાના માર્ગે ડીડી સ્પોર્ટ્સ સર્કલ પાસે બિસ્માર રસ્તાના એક ખાડામાં બાઈકનું ટાયર ફસાઈ ગયું હતું. અને પલકવારમાં ખાડાને કારણે બાઈક અટવાયું અને ત્રણેય જણ રસ્તા પર ફસડાઈ પડ્યાં હતાં.
ત્રણેય જણ રસ્તા પર ફસડાયા તે સમયે પાછળથી આવી રહેલા કન્ટેનરનાં તોતિંગ પૈંડા તળે ત્રણેય કચડાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, કેન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારી તેમ છતાં શંભુનાથ પૈંડા તળે આવી ગયો હતો. અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે વિકાસ અને સોનુ પણ ઘવાયા હતાં.
ઘટનાને પગલે દોડી આવેલાં લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાં પહોંચેલી ટીમે શંભુનાથને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો. જ્યારે વિકાસ અને સોનુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇજાગ્રસ્ત વિકાસ જાંબુકિયાએ કન્ટેનર ડ્રાઈવર બેચેન પાછુ યાદવ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની ઘટના માટે ખાડો જવાબદાર હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે.
આ પણ વાંચો:
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ
Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત









