
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના એપાર્ટમેન્ટમાં છરીથી હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 33 કલાક પછી મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. આરોપી છેલ્લે બાંદ્રા રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ત્યારથી, તેને પકડવાના પ્રયાસો તેજ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે મુંબઈ પોલીસે હુમલાખોરને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે 20 ટીમો બનાવી છે.
પોલીસે તેને 33 કલાક પછી પકડી પાડ્યો
સૈફ અલી ખાન પર હુમલાના લગભગ 33 કલાક પછી, મુંબઈ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ ટૂંક સમયમાં આ અંગે નિવેદન આપશે. અગાઉ, મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ ડેટા એકત્રિત કર્યો છે, જેમાં સૈફ પર હુમલો થયો ત્યારે તે વિસ્તારમાં કેટલા મોબાઈલ ફોન સક્રિય હતા તેનો સમાવેશ થાય છે.
ગઈકાલે રાત્રે અભિનેતા પર છરી વડે હુમલો થયો હતો
ગુરુવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે બાંદ્રા સ્થિત તેમના 11મા માળના ફ્લેટમાં એક હુમલાખોરે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં હુમલાખોરે કથિત રીતે અભિનેતાના ઘરે કામ કરતી નોકરાણીની સાથે ઝડપાઝડપી કરી હતી. જ્યારે સૈફે અલી ખાન વચ્ચે પડતા અભિનેતા પર ઉપરાછાપરી છરીના ઘા મારી દીધા હતા.
હુમલાખોર દ્વારા છરીના ઘા માર્યા બાદ સૈફને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સર્જરી કરવામાં આવી.
ડોક્ટરોના મતે, છરી કરોડરજ્જુમાં ફસાઈ જવાને કારણે સૈફને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી, અને અભિનેતાએ તેની કરોડરજ્જુમાંથી 2.5 ઇંચ લાંબી છરી કાઢવા અને તેના ‘લીક થતા કરોડરજ્જુના પ્રવાહી’ વહી જતું રોકવા માટે સર્જરી કરાવી હતી. જોકે સૈફ “ખતરાની બહાર” છે, ડોકટરો તેની દેખરેખ રાખી રહ્યા છે. સર્જરી પછી, તેમને ICU માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. આજે તેને ICU માંથી બહાર કાઢવાનો નિર્ણય લેવાઈ શકે છે.
આ પણ વાંચોઃ DELHI: મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ આપોઃ કેજરીવાલની મોદી પાસે કરી માંગ