
syrup scandal: દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઝેરી સીરપ પીવાથી માસૂમ બાળકોના ટપોટપ મોત થઈ રહયા હોવાછતાં આ પ્રકરણમાં ગંભીરતા લેવામાં આવી નહિ હોવાનું સામે આવી રહ્યું છે.
‘ઝેરી સિરપ કાંડ’ના જવાબદારો સામે કાર્યવાહીની માંગ
જનતામાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારોના પોલીસ મારથી લંગડા ચાલતા સરઘસો કાઢવા કે બુલડોઝર ક્યારે ચલાવશે વગરે મુદ્દે હવે સવાલો ઉઠ્યા છે આટલો મોટો ગંભીર ક્રાઇમ હોવાછતાં સરકાર માત્ર નોટિસો પાઠવી દવા ઉપર પ્રતિબંધ જેવી કાર્યવાહી કરી મન મનાવી રહી છે જેની સામે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ઝેરી કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 23 બાળકોના મોત થઈ ચૂક્યા છે.
સીરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
મધ્યપ્રદેશમાં 19 અને રાજસ્થાનમાં 4 બાળકોના મોત મળી કુલ આંક 23 થઈ ચુક્યો છે. બાળકોના વધુ મોત થતા અટકાવવા માટે હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ અને પંજાબે આ સીરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
CBI તપાસની ઉઠી માંગ
જોકે, હવે આ મામલો ગંભીર જણાતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીબીઆઈ તપાસ અને દેશભરમાં દવાઓની સલામતીની તપાસની માગ કરવામાં આવી છે.
નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ
એડવોકેટ વિશાલ તિવારીએ આ અરજી કરી છે જેમાં માગ કરી છે કે કોર્ટે સરકારને રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ અને તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ.
કંપનીને સરકારે નોટિસ ફટકારી
ઝેરી સીરપ કાંડ સર્જાયા બાદ તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે સીરપ બનાવતી કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપનીને નોટિસ ફટકારી સરકારે કંપની પાસેથી પાંચ દિવસમાં જવાબ માગ્યો છે.
દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો આદેશ
ઉપરાંત ગુજરાતની બે કંપની સામે પણ એક્શન લેવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. અને અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. સામે તપાસના આદેશ આપી દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દેવાયું છે અને બન્ને કંપનીઓ ના ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કાંચીપુરમ જિલ્લાના સુંગુવરચત્રમમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના યુનિટમાંથી કોલ્ડ્રિફ સીરપ (બેચ નંબર SR-13) જપ્ત કરવામાં આવ્યું હતું.
પરીક્ષણોમાં શું જાણવા મળ્યું ?
પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેમાં નોન-ફાર્માકોપીયા ગ્રેડ પ્રોપીલીન ગ્લાયકોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સંભવતઃ ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલથી દૂષિત હોવાનું સામે આવ્યું છે આ બંને રસાયણો ઝેરી પદાર્થો કિડનીને નુકશાન કરે છે.
આ નમૂનાઓ ચેન્નઈની સરકારી દવા પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં 24 કલાકની અંદર રિપોર્ટ આપવામાં આવ્યો હતો. કોલ્ડ્રિફ સીરપનો આ બેચ 48.6% w/v DEG સાથે ઝેરી હોવાનું જણાયું હતું.
બાળકોના મૃત્યુ બાદ, કોલ્ડ્રિફ, બેચ નંબર SR-13, અને નેક્સ્ટ્રો-DS, બેચ નંબર AQD-2559 નામના કફ સીરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
મામલાને ગંભીરતાથી લેવા સરકારને અનુરોધ
ઝેરી કફ સીરપથી બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી આ મામલાને ગંભીરતાથી લેવા સરકારને અનુરોધ કર્યો હતો.
પાર્ટી મુખ્યાલયમાં આયોજિત આ પત્રકાર પરિષદમાં મધ્યપ્રદેશના વિપક્ષી નેતા ઉમંગ સિંઘરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા પર સવાલ ઉઠાવ્યા હતા.
સરકારે કર્યા આંખ આડા કાન
સિંઘરે કહ્યું, કફ સીરપ પીધા બાદ કિડની ફેલ થવાથી બાળકોના મોત થયા છે.
આ આખો મામલો ભ્રષ્ટાચાર અને કમિશનનો છે જેની ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે.
દેશમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારના ભોરિંગે હદ વટાવી દીધી છે અને અગાઉ પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવાછતાં સરકારે આંખ આડા કાન કરતા હવે ફરી એકવાર નિર્દોષ માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








