60,000 કરોડ રૂપિયાની કરવેરાની વસૂલાત વર્ષોથી બાકી!

  • 60,000 કરોડ રૂપિયાની કરવેરાની વસૂલાત વર્ષોથી બાકી!
  • કર આવક અને બિન-કર આવક જીડીપી કરતાં વધુ ઝડપથી વધે છે!
  • લોકોની આવક કરતાં સરકારની કરવેરાની આવક ઝડપથી વધે છે!

પ્રો. હેમન્તકુમાર શાહ; અમદાવાદ: ગુજરાત સરકાર લોકો પર બહુ વેરા નાખી રહી છે. કરવેરાની આવક મહેસૂલી આવક ગણાય છે. એટલે એ એટલી હોવી જોઈએ કે જેથી સરકારનું બધું ખર્ચ એમાંથી નીકળી રહે. પરંતુ એવું તો કદી થતું જ નથી. હંમેશાં સરકારનું ખર્ચ તેની આવક કરતાં વધારે જ રહે છે અને એટલે રાજ્ય સરકારને દેવું લેવાની ફરજ પડે છે. એ દેવું વધતું જાય છે કારણ કે કરવેરાની આવક વધારવાના સંનિષ્ઠ પ્રયાસો થતા નથી.

છેલ્લાં અનેક વર્ષો દરમ્યાન ગુજરાત સરકારની કર આવકમાં જોરદાર વધારો થયો છે. જો કે, સરકારની પોતાના વેરાની કુલ કર આવક ૨૦૨૧-૨૨માં જે રૂ. ૯૮,૦૦૦ કરોડ હતી તે આવતે વર્ષે વધીને રૂ. ૧.૫૮ લાખ કરોડ થવાની છે. એનો અર્થ એ થયો કે ચાર જ વર્ષમાં રાજ્ય સરકારની કુલ કર આવકમાં ૬૧ ટકાનો વધારો થશે. એટલે કે દર વર્ષે ૧૫ ટકાથી વધારે દરે સરકારની કર આવક વધી છે.

બીજી તરફ, ગુજરાતની સામાજિક-આર્થિક સમીક્ષામાં એટલે કે અંદાજપત્ર પ્રકાશન નં. ૩૪માં આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪ દરમ્યાન દર વર્ષે ગુજરાતની જીડીપી ૧૦.૪ ટકાના દરે જ વધી હતી. આમ, રસપ્રદ બાબત એ છે કે જેટલી ઝડપથી રાજ્ય સરકારની કરવેરાની આવક વધે છે તેટલી ઝડપથી રાજ્યની જીડીપી વધતી જ નથી. એનો સીધો-સાદો અર્થ એ થાય કે લોકોની આવક વધવાની ઝડપ છે તેના કરતાં સરકારની કરવેરાની આવક વધવાની ઝડપ વધારે છે. આ આંકડા એમ પણ કહે છે કે લોકોની આવક વધે છે તેના કરતાં દોઢી ઝડપથી સરકારની કર આવક વધે છે. ટૂંકમાં, રાજ્ય સરકાર લોકો પર વધુ વેરા નાખી રહી છે એ આ રીતે સાબિત થાય છે. મુદ્દો એ છે કે કરવેરાની આવક આટલી બધી વધતી હોવા છતાં સરકાર બહુ મોટા પ્રમાણમાં દેવું લઈ રહી છે.

કુલ આવકમાં વેરાની આવક અર્ધા કરતાં ઓછી!

રૂપિયો ક્યાંથી આવશે તેનો જે ચાર્ટ સંક્ષિપ્ત અંદાજપત્ર, પ્રકાશન નં. ૩૩માં આપવામાં આવ્યો છે તે એમ દર્શાવે છે કે SGST સિવાયના વેરાની આવક સરકારની કુલ આવકમાં ૨૧.૨૬ ટકા છે. આ એવા વેરાની આવક છે કે જે વેરા કેટલા કોની પર નાખવા, અને નાખવા કે નહિ તે રાજ્ય સરકાર પોતે કાયદા દ્વારા નક્કી કરે છે. આમ, રાજ્ય સરકાર જે કરવેરા નાખે છે તેમની આવક તો કુલ આવકમાં ચોથા ભાગ કરતાં પણ ઓછી છે. બીજી તરફ, SGSTની આવક ૨૧.૯૬ ટકા જેટલી મોટી છે પરંતુ તેમાં રાજ્ય સરકાર પોતે નિર્ણય લઈ શકતી નથી, એનો નિર્ણય તો GST કાઉન્સિલ લે છે અને તેને બધાં રાજ્યો અનુસરે છે. આમ, આ બંનેની આવક ભેગી કરો તો પણ તે રાજ્ય સરકારની કુલ આવકમાં અર્ધી પણ થતી નથી, એ ૪૫ ટકા કરતાં પણ ઓછી થાય છે.

આ પણ વાંચો-સેન્સેક્સમાં 1200 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને 7.5 લાખ કરોડ રૂપિયાનું નુકશાન

જે SGST સિવાયના વેરા છે તેમાં આવક અને ખર્ચ પરનો વેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી, રાજ્ય આબકારી જકાત, વેટ, વાહન વેરો, માલ અને ઉતારુઓ પરનો વેરો, વીજળી વેરો અને મનોરંજન વેરો તથા તે સિવાયના બીજ કેટલાક નાના વેરાનો સમાવેશ થાય છે. સ્ટેમ્પ ડ્યુટીમાં આ બજેટમાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટીની સરકારની આવક કેટલી છે તે જાણવું મહત્ત્વનું થઈ પડે છે.

૨૦૨૧-૨૨માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક રૂ. ૧૦,૪૩૩ કરોડ હતી અને તે ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ રૂ. ૧૬,૫૦૦ કરોડની થવાની ધારણા છે. આમ ત્રણ જ વર્ષમાં કુલ ૫૮.૧૫ ટકાનો વધારો થયો કે જે સરેરાશ વાર્ષિક ૧૯.૩૮ ટકાનો વધારો દર્શાવે છે! સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો પણ તે બંનેની આવક આવતે વર્ષે રૂ. ૧૯,૮૦૦ કરોડ થવાની ધારણા છે. આમ, ચાર જ વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં ૯૦ ટકા જેટલો જંગી વધારો થયો છે. ચાલુ વર્ષે તે રૂ. ૧૬,૫૦૦ કરોડ અંદાજવામાં આવી છે અને તે આવતે વર્ષે રૂ. ૧૯,૮૦૦ કરોડ થવાની છે. આમ ચાલુ વર્ષ કરતાં તેમાં વીસ ટકા જેટલો વધારો થવાનો છે.

મનોરંજન વેરાની અલગ આવકનો અભાવ

ગુજરાત સરકારે મનોરંજન વેરો નાખવા માટે ૧૯૭૭માં કાયદો કરવામાં આવ્યો હતો. આ વેરો GSTમાં ભળી ગયો છે અને તેથી રાજ્ય સરકાર જે આવક ઊભી કરી શકે તેમ હતી તે આવક તે ઊભી કરી શકે તેમ નથી. ૧૯૯૯-૨૦૦૦માં મનોરંજન વેરાની આવક રૂ. ૬૭ કરોડ હતી. પછી તે ધીમે ધીમે પણ વધતી જતી હતી. તે ૨૦૧૬-૧૭માં રૂ. ૧૩૨ કરોડ થઈ હતી. પરંતુ તે GST આવ્યા બાદ ૨૦૧૭-૧૮માં માત્ર રૂ. ૫૨ કરોડ થઈ ગઈ હતી. પણ પછી તો તે સાવ જ નજીવી આશરે એકાદ-બે કરોડ જેટલી થઈ ગઈ. ગયે વર્ષે તે રૂ. ૨.૫૧ કરોડ અંદાજવામાં આવી હતી. આ બાકી વેરાની વસૂલાત જ હોય. ચાલુ વર્ષે તે સુધારેલા અંદાજ મુજબ શૂન્ય અંદાજવામાં આવી છે અને આવતા વર્ષ માટે પણ એમ જ શૂન્ય આવક અંદાજવામાં આવી છે.

વેરાની વસૂલાતમાં જંગી ખોટ!

કરવેરામાં મહત્ત્વનો મુદ્દો તેની વસૂલાતની ખામી છે. ગુજરાત રાજકોષીય જવાબદારી ધારા-૨૦૦૫ હેઠળ જે નિવેદન અંદાજપત્ર પ્રકાશન-૩૦માં પાના નં. ૩૧ ઉપર આપવામાં આવ્યું છે તેમાં સરકાર દ્વારા જે કરવેરો વસૂલ કરવાનો બાકી રહેલો છે તેની વિગતો આપવામાં આવી છે. એ એમ જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવતા લગભગ બધા વેરાઓમાં મોટી વસૂલાત બાકી છે. આ વિગતો ચોંકાવનારી છે. કુલ રૂ. ૬૦,૦૦૦ની કરવેરાની વસૂલાત બાકી છે. જે કરવેરાની વસૂલાત બાકી છે તેના બે ભાગ પાડવામાં આવે છે. વિવાદિત રકમ અને બિન-વિવાદિત રકમ.

જેમાં કોઈ વિવાદ છે જ નહિ તેવી બાકી ઉઘરાણીની રકમ રૂ. ૩૨,૧૮૫ કરોડની છે. અને તેમાં રૂ. ૧૦,૬૧૮ કરોડની રકમ તો દસ વર્ષથી ઉઘરાવવાની બાકી રહી છે! બે વર્ષથી ઓછા સમય માટે બાકી રહેલી રકમ રૂ. ૧,૫૫૬ કરોડ, બેથી પાંચ વર્ષ માટે બાકી રહી હોય તેવી રકમ રૂ. ૬,૩૬૪ કરોડ અને પાંચથી દસ વર્ષ માટે બાકી રહી હોય તેવી રકમ રૂ. ૯,૯૦૫ કરોડની છે. આ બધી રકમ અંગે કોઈ કાનૂની કે વહીવટી વિવાદ ઊભો થયેલો નથી તેમ છતાં પણ તે ઉઘરાવવાની કેમ બાકી રહે છે તે સમજાતું નથી. જો આ રકમ આવતે વર્ષે ઉઘરાવવામાં આવે તો રાજ્ય સરકારે એટલું દેવું ઓછું લેવું પડે અને તેનું વ્યાજ પણ ઓછું ભરવું પડે અને દેવાનો બોજો એ રીતે ઘટે. જો કે, આ પ્રકાશનમાં આ રકમ કોની પાસેથી કેટલી ઉઘરાવવાની બાકી છે તેની વિગતો આપવામાં આવી નથી.

આ પણ વાંચો-જૂનાગઢ: ઘેડ વિસ્તારના લોકો સાથે રાજ્ય સરકારની આંકડાકીય રાજરમત; ઘેડા વિકાસ સમિતિએ પસાર કર્યા 11 ઠરાવો

જે રકમની વસૂલાત બાકી છે અને જે વિવાદિત રકમ છે તેમાં રૂ. ૨૭,૩૧૮ કરોડનો સમાવેશ થાય છે. તેમાં રૂ. ૧૦,૬૪૪ કરોડની રકમ તો દસ વર્ષથી ઉઘરાવવાની બાકી રહી છે! બે વર્ષથી ઓછા સમય માટે બાકી રહેલી રકમ રૂ. ૧,૮૩૯ કરોડ, બેથી પાંચ વર્ષ માટે બાકી રહી હોય તેવી રકમ રૂ. ૪,૩૭૦ કરોડ અને પાંચથી દસ વર્ષ માટે બાકી રહી હોય તેવી રકમ રૂ. ૭,૨૫૯ કરોડની છે. આ વિવાદ વહીવટી કે કાનૂની હોઈ શકે છે અને તે રકમ ઉઘરાવવાની બાકી હોય તે સમજી શકાય તેમ છે પણ જેમાં કોઈ વિવાદ ઊભો જ થયો નથી તે કેમ ઉઘરાવવાની બાકી રહે છે તે સમજી શકાતું નથી.

બિન-કર આવકમાં જોરદાર વધારો

રાજ્ય સરકાર જે કરવેરા સિવાયની આવક ઊભી કરે છે તે બિન-કર આવક કહેવાય છે અને તે સરકારની મહેસૂલી આવકનો જ ભાગ બને છે. બિન-કર આવક એટલે ફી, દંડ, ભાડું વગેરેની આવક. રાજ્ય સરકારની આ આવકમાં પણ જોરદાર વધારો થયો છે. ૨૦૨૧-૨૨માં સરકારની બિન-કર આવક રૂ. ૧૪,૦૧૮ હતી અને તે ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ રૂ. ૨૦,૩૦૮ કરોડ થઈ છે. આમ, તેમાં માત્ર ત્રણ વર્ષમાં કુલ ૪૫ ટકાનો એટલે કે સરેરાશ વાર્ષિક ૧૫ ટકાનો વધારો થયો. હવે આવતે વર્ષે તે રૂ. ૨૩,૬૫૮ કરોડ થવાની ધારણા છે. એટલે કે તેમાં ચાલુ વર્ષ કરતાં ૧૬.૫ ટકાનો વધારો થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. એનો અર્થ એવો થાય છે કે સરકાર તેની જે સેવાઓ પૂરી પાડે છે તેને માટે તેણે ભારે ફી વસૂલ કરવાનું નક્કી કર્યું છે. એ પણ રાજ્યની જીડીપીમાં વધારો થાય છે તેના કરતાં વધારે વધારો છે જ! આ જંગી વધારો છે એમાં કોઈ શંકા નથી.

આ પણ વાંચો-Surat Fire: સુરતના વેપારીઓને મદદ કરવા કિશોર કનાણીએ CMને પત્ર લખ્યો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે