
હાલ શિયાળાની મૌસમમાં ઠંડી પડી રહી છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે. ખેડૂતોએ તાજેતરમાં કરેલી વાવણીને નુકસાન પહોંચી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ થવાથી 4 જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. આગામી દિવસોમાં હજુ પણ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યમાં સવારના સમયે ઠંડી રહેશે. બપોરના સમયે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
અંબાલલ પટેલે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 27 અને 28 ડિગ્રી કે તેથી વધારે થઈ શકે છે. આવતીકાલે તારીખ 21 ડીસેમ્બરથી સાયન સૂર્ય મકર રાશિમાં આવશે એટલે તે પછીના દિવસોમાં ધીરે ધીરે ઠંડા પવનો ફૂંકાશે. 21 ડિસેમ્બર બાદ કડકડતી ઠડી પડવાની શક્યતા રહેશે.
ઉપરાંત 22 ડિસેમ્બરથી ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે.