
US Deportation: ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકોનો દેશનિકાલ કરાઈ રહ્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં 112 ભારતીયોને લઈને સતત ત્રીજું વિમાન પંજામના અમૃતસરમાં પહોંચ્યું છે. જેમાં 33 ગુજરાતી હોવાનું કહેવાય છે. અત્યાર સુધી અમેરિકામાંથી કુલ 332 ભારતીયોને દેશનિકાલ કરાયો છે.
યુએસ એરફોર્સ વિમાનનું RCH869 વિમાન રાત્રે 10 વાગ્યે 112 ભારતીયોને લઈ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતુ. આ તમામ લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો આ ત્રીજો મોટો તબ્બકો છે.
24 કલાક પહેલા જ બીજી ફ્લાઈટ ઈમિગ્રન્ટ્સને લઈ આવી હતી
24 કલાક પહેલા જ અમેરિકાથી 116 ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને બીજુ વિમાન વિમાન અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી અને રાત્રે 10 વાગ્યાને બદલે 11:35 વાગ્યે ઉતરાણ કર્યું હતુ. પ્રાથમિક માહિતી મુજબ, આ વિમાનમાં 119 ઇમિગ્રન્ટ્સને મોકલવાના હતા, પરંતુ અંતિમ યાદીમાં તેમની સંખ્યા 116 હોવાનું જાણવા મળ્યું હતુ.
બીજા તબક્કામાં આવેલા સ્થળાંતર કરનારાઓમાં, મહત્તમ 65 વ્યક્તિઓ પંજાબના હતા, જ્યારે 33 હરિયાણાના, 8 ગુજરાતના, બે-બે ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અને એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધાની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી.
પ્રથમ ફ્લાઈટમાં પણ 33 ગુજરાતી હતા
આ પહેલા, 5 ફેબ્રુઆરીના રોજ પ્રથમવાર 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક યુએસ લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. આ જૂથમાં, 33 લોકો હરિયાણા અને ગુજરાતના હતા, જ્યારે 30 લોકો પંજાબના હતા. આમાંના મોટાભાગના લોકો સારા જીવનની શોધમાં અમેરિકા ગયા હતા, પરંતુ હવે તેમને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે.
દેવુ કરીને ગયેલા પરિવારોને ભારે નુકસાન
ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા આ લોકોના પરિવારોને ભારે નુકસાન થયું છે. આમાંના ઘણા પરિવારોએ તો પોતાના ખેતરો અને પશુઓ ગીરવે મૂક્યા હતા. જેથી તેઓ અમેરિકા જઈ શકે. પરંતુ હવે જ્યારે તેમને દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમના પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ગેરકાયદેસર રીતે વિદેશ જઈને સારા ભવિષ્યની શોધમાં રહેલા લોકો માટે આ પરિસ્થિતિ એક મોટી ચેતવણી છે.
આ પણ વાંચોઃ US Deportation: બીજીવાર અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ, અમૃતસરથી તમામ લોકો અમદાવાદ પહોંચ્યા
આ પણ વાંચોઃ અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને કર્યા ડિપોર્ટ; સેનાનું વિમાન પહોંચ્યું ભારત