
ગુજરાતમાં ફરી એકવાર દુર્ઘટના બનતી રહી ગઈ છે. રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ અનેક જગ્યાએ બાળ મેળા માટે સરકારે રાહત આપી છે. ત્યારે હવે મેળાઓ યોજવાનું શરુ થયું છે. જો કે વડોદરમાં યોજાયેલા એક મેળામાં ચાલુ રાઈડમાં બારણું ખુલી જતાં એક પછી એક 4 બાળકો નીચે પટકાતાં ખળભળાટ મચી ગયો છે. બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જાનહાનિ ન થતાં માતા-પિતાએ રાહતના શ્વાસ લીધા છે. ઘટના બાદ તુરંત જ મેળો બંધ કરવામાં આવ્યો હતો. હાલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરાના માંજલપુરમાં યોજાયેલા મેળામાં હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતાં આ દુર્ઘટના ઘટી છે. દુર્ઘટના બાદ તુરંત જ રોયલ મેળાને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને લોકોને ટિકિટના નાણાં પાછા આપવામાં આવ્યા હતા. આ પ્રકારની ગંભીર બેદરકારીની દુર્ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે રાઇડમાંથી 4 બાળકો નીચે પટકાયા હતા. જેમને સામાન્ય ઇજાઓ પહોંચીછે.
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ તો માંડ સરકાર દ્વારા વિવિધ જગ્યાએ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરામાં ફરી એક રાઇડ દુર્ઘટના બની છે. મેળાના આયોજન સામે સવાલો તો ઊભા થાય છે. નવી ગાઇડલાઈન મુજબ મેળામાં 14 જેટલા વિભાગોની મંજૂરી જરૂરી છે. તો સવાલ એ પણ થાય છે કે શું મંજૂરી વગર મેળો ચાલતો હતો.
રાઈડના માલિક સહિત ત્રણની ધરપકડ
રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, સુપર વાઇઝર હેમરાજ મોરે, રાઈડના ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી છે. રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી છે. પોલીસ માર્ગ-મકાન વિભાગ પાસે રાઈડનું ચેકિંગ કરાવશે.
કોંગ્રેસના મહિલા નેતાએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું હતું કે નિયમોને નેવે મૂકીને રાઈડની મંજૂરીઓ આપવામાં આવી હતી. અગાઉની ઘટનાઓ પરથી બોધપાઠ લેવાયો નથી. હરણીકાંડ બાદ કડક નિયમો બનાવ્યા તે કાગળ પર છે.