
અજબ ગજબ : આપણે ત્યાં પાળેલાં પશુઓને લઈ જવું હોય તો પહેલાં ‘પેટ ફ્રેન્ડલી’ જગ્યાઓ શોધવા નીકળવું પડતું હોય છે પણ જાપાનમાં એક હોટેલમાં ઢીંગલા-ઢીંગલીને સુવાડવા માટે પથારી અને પહેરાવવા માટે કપડાંની સુવિધા પૂરી પાડે છે.
જાપાનની હોટેલમાં ઢીંગલાને સુવાડવા અપાય છે ટચુકડો બેડ
જાપાનમાં ગયા વર્ષથી ઢીંગલા-ઢીંગલી રાખવાનું ચલણ વધ્યું છે. મહિલાઓ લબુબુ નામે ઓળખાતાં આવાં ઢીંગલાં પર્સમાં ટાંગે છે તો કેટલાક બહાર ફરવા નીકળે ત્યારે સાથે લઈ જાય છે. લોકોમાં લબુબુ રાખવાનો ક્રેઝ જોઈને ત્યાંની હોટેલ ‘ટોકિયો ઇન’એ એક યુક્તિ શોધી કાઢી છે. આ હોટેલમાં જનારા લોકોને એમનાં ઢીંગલા-ઢીંગલી માટે ટચુકડી પથારી અને નાનાંનાનાં કપડાં આપવામાં આવે છે. હોટેલમાં આવનારા લોકોએ વધારાના માત્ર 175 રૂપિયા આપવાના હોય છે. તેની સામે હોટેલ દ્વારા મુલાકાતીને નાનકડો બેડ અને ઢીંગલા-ઢીંગલી માટે કપડાં આપવામાં આવે છે. મુલાકાતીઓને હોટેલની આ સુવિધા એટલી ગમી ગઈ કે જોતજોતાંમાં હોટેલ આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગઈ.

લોકોનો હૂફાળો પ્રતિસાદ મળ્યો
હોટેલની આ સુવિધા જેન-ઝી લોકોને બહુ જ ગમશે એવી હોટેલ સ્ટાફને આશા હતી અને એ આશા ફળી પણ ખરી. કારણ કે આ સુવિધા માટે લોકોની પ્રતિક્રિયા અપેક્ષા કરતાં વધી સારી હતી. લોકોનો હૂફાળો પ્રતિસાદ મળ્યા પછી હવે સંચાલકો આ સુવિધા અન્ય સ્થળે રાખવાનું વિચારી રહ્યા છે. હોટેલે ઢીંગલા-ઢીંગલી માટે આ સુવિધા શરૂ કરી છે, એ રસપ્રદ તો છે પણ લોકોમાં લબુબુ રાખવાનું ચલણ ક્યાંથી અને કેવી રીતે વધ્યું એ પણ જાણવા જેવું છે. ગયા વર્ષે અચાનક જ જાપાનના લોકોમાં ઢીંગલા-ઢીંગલી ભેગા કરવાનું ચલણ વધ્યું હતું. મોટા ભાગના લોકો પોતાનાં રમકડાં સાથે લાગણીથી જોડાયેલા હોય તેવું અનુભવતા હતા તો કેટલાક લોકો ઢીંગલા-ઢીંગલી સાથે પોતાના બાળપણની યાદો પણ જોડેલી રાખતા હોય છે. કેટલાક વળી મુસાફરીમાં સંગાથ તરીકે પણ લબુબુને લઈ જતા હોય છે.











