
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની મુશ્કેલીઓ વધી છે. ધોરણ 10ના એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શિક્ષણ વિભાગે સ્કૂલની ગંભીર બેદરકારીને ધ્યાને લઈને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેથી સ્કૂલની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ બજાવી છે. ત્રણ દિવસમાં લેખિત ખુલાસો માગ્યો છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે, સ્કૂલની ICSE બોર્ડની માન્યતા કેમ રદ ન કરવી જોઈએ?
19 ઓગસ્ટ, 2025ના રોજ મણિનગરની સેવન્થ ડે સ્કૂલના મુખ્ય દ્વાર પાસે ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાની પર તેની સાથે ભણતા વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ હુમલો એક અઠવાડિયા પહેલાના ઝઘડાનો બદલો લેવા માટે હતો. શાળા વહીવટે આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કે વાલીઓને નહોતી કરી, અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં પણ નિષ્ફળતા દર્શાવી. શાળાએ ઘટનાસ્થળે લોહીના ડાઘ ધોવા માટે પાણીનું ટેન્કર બોલાવ્યું, જેનાથી પુરાવા નષ્ટ થયા.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય ડૉ. જી. ઇમેન્યુઅલ, સિક્યુરિટી ગાર્ડ અને એડમિન સ્ટાફની ગંભીર બેદરકારી બહાર આવી છે. આચાર્ય સામે IPC 2023ની કલમ 211(બી) અને 239 હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉથી ઝઘડાઓ ચાલતા હતા, પરંતુ શાળાએ આ મામલે ન તો કડક પગલાં લીધાં કે ન વાલીઓને જાણ કરી.
શાળા જમીન વિવાદમાં પણ ફસાઈ
આ હત્યાની ઘટના ઉપરાંત, સેવન્થ ડે સ્કૂલ જમીન સંબંધિત વિવાદમાં પણ ફસાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ મામલે તપાસ શરૂ કરી છે. ઘટના બાદ શહેરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જેમાં સિંધી સમુદાય, વાલીઓ અને હિન્દુ સંગઠનો સહિત હજારો લોકોએ શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું. મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારોમાં લગભગ 200 શાળાઓ અને 2,000થી વધુ દુકાનો બંધ રહી, જેમાં સિંધી બજાર સંપૂર્ણ બંધ રહ્યું.
શિક્ષણ વિભાગની કાર્યવાહી
શિક્ષણમંત્રીના આદેશ પર DEOએ તપાસ હાથ ધરી, જેમાં શાળાની બેદરકારી સ્પષ્ટ થઈ. શાળાએ ઘટનાની જાણ DEOને નહોતી કરી, અને 19 ઓગસ્ટની પ્રથમ નોટિસનો જવાબ પણ નહોતો આપ્યો. આ બેદરકારીને ધ્યાને લઈ DEOએ શાળાને ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે, નહીં તો એકતરફી પગલાં લેવાશે. શાળાને ઓનલાઈન શિક્ષણ પર સ્થળાંતર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, અને પોલીસ સુરક્ષા વિના શારીરિક વર્ગો શરૂ ન કરવા જણાવાયું છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ