
Pakistan Afghanistan Conflict: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે.શુક્રવારે, બંને દેશોએ પરસ્પર 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમતિ આપ્યા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો તાલિબાને આરોપ લગાવ્યો છે.
તાલિબાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા પર પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા હતા.આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે દોહામાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે પણ તે પહેલાં જ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ટોલોન્યૂઝે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન સરહદ પર સ્થિત અફઘાનિસ્તાનના અર્ગુન અને બર્મલ જિલ્લામાં હવાઈ હુમલામાં અનેક ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકો માર્યા ગયા હતા, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પુષ્ટિ આપી હતી,આ હુમલામાં સાત નાગરિકો ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 સીરિઝમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.ACB એ જણાવ્યું કે શહીદોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાના હતા.દરમિયાન, ત્રણ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ અને અફઘાન તાલિબાનના એક સૂત્રએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું હતું કે દોહા શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ કતારની રાજધાની પહોંચી ચૂક્યુ હતું જ્યારે અફઘાન પ્રતિનિધિમંડળ આજે શનિવારે દોહા પહોંચે તે પહેલાજ પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી માહોલ બગાડી નાખ્યો છે.
મહત્વનું છે કે તા.૧૫ ઓક્ટોબરના રોજ પાકિસ્તાની અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે સરહદ પર થયેલા જંગમાં પહેલા દિવસે બંને પક્ષોના ડઝનબંધ સૈનિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યની વિનંતી પર ૪૮ કલાકનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોએ એકબીજા પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો હતો.પાકિસ્તાને દાવો કર્યો હતો કે સરહદ પર ગોળીબારમાં કેટલાક તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા, જ્યારે તાલિબાને ૫૮ પાકિસ્તાની સૈનિકોના મોત અને અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો હતો.સિઝ ફાયર ગઈકાલે શુક્રવારે ઉત્તર વઝીરિસ્તાનમાં એક લશ્કરી છાવણી પર થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા.આ હુમલો દોહામાં ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે શાંતિ મંત્રણાના કલાકો પહેલા થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આતંકવાદીએ મીર અલીમાં ખદ્દી લશ્કરી છાવણીની સીમા દિવાલ સાથે વિસ્ફોટકો ભરેલું વાહન અથડાવ્યું હતું, અને બે અન્ય હુમલાખોરોએ છાવણી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ભગાડવામાં આવ્યા હતા.તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેના આત્મઘાતી એકમ, ખાલિદ બિન વલીદ અને તહરીક તાલિબાન ગુલબહાદુરે આ હુમલાઓ કર્યા હતા.
એક દિવસ પહેલા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે તેઓ તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તેઓ કેટલીક શરતો પર સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે અને તે અફઘાનિસ્તાનના હાથમાં છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, શાહબાઝ શરીફે ગુરુવારે ફેડરલ કેબિનેટની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કાયમી યુદ્ધવિરામ ઇચ્છે છે કે નહીં તે તાલિબાને નક્કી કરવાનું છે. જોકે, બેઠક દરમિયાન, શરીફે તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદનને ફરી દોહરાવ્યુ હતું કે તાલિબાને ભારતના ઇશારે પાકિસ્તાન પર હુમલાઓ કર્યા છે.
જોકે,તેઓએ આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા વિનાજ નિવેદન કરતા પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે હતા.જ્યારે હકિકતતો એ છે કે પાકિસ્તાને કાબુલમાં બે હવાઈ હુમલા કર્યા પછીજ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને ત્યારબાદ તાલિબાન દ્વારા “બદલો” લેવા વળતો હુમલો કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન TTP (તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન) આતંકવાદીઓને આશ્રય આપે છે,આ દાવાને તાલિબાન નકારે છે. 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








