
Suvendu Adhikari: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સોમવારે તેમના પુરોગામી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મમતા બેનર્જીએ પોતાના પરંપરાગત ગઢમાં પણ જનતાનું સમર્થન ગુમાવી દીધું છે અને હવે તેમની “રાજકીય કરિયર સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે”. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવ્યા બાદ કેમેક સ્ટ્રીટ ખાતે ભાજપ દ્વારા આયોજિત એક ભવ્ય આભારદર્શન કાર્યક્રમને સંબોધિત કરતા અધિકારીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે આ બેઠક પરથી રહેવાસીઓ દ્વારા ૧૫,૦૦૦ થી વધુ મતોના જંગી માર્જિનથી ચૂંટવા બદલ જનતાનો આભાર માન્યો હતો અને આ પરિણામને મતવિસ્તારમાં રાજકીય પરિવર્તન માટેના નિર્ણાયક જનાદેશ તરીકે રજૂ કર્યો હતો.
પોતાના જ પોલિંગ બૂથ પર મમતા હાર્યા: ‘ટાટા, બાય-બાય’ કહી સીએમએ ઉડાવી મજાક
મમતા બેનર્જીએ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૧ સુધી સતત ભવાનીપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વર્ષોથી ત્યાં એક અજેય રાજકીય આધાર બનાવ્યો હતો. જોકે, શુભેન્દુ અધિકારીએ પૂર્વ મુખ્યમંત્રીને તેમના જ આંગણામાં ધૂળ ચટાડીને આ બેઠકને રાજ્યના સૌથી રોમાંચક રાજકીય યુદ્ધના મેદાનમાં ફેરવી દીધી છે. ટીએમસી સુપ્રીમો પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રીએ દાવો કર્યો કે મમતા બેનર્જી તે બૂથોમાં પણ લીડ મેળવવામાં નિષ્ફળ રહ્યા જ્યાં તેમણે પોતે વોટ આપ્યો હતો. અધિકારીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, “તેઓ પોતાના બૂથમાં પણ જીતી શક્યા નહીં. બંગાળના લોકોએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. તમારા રાજકીય દિવસો હવે પૂરા થઈ ગયા છે. ટાટા, બાય-બાય.” મુખ્યમંત્રીએ વિગતો આપતા ઉમેર્યું કે ભાજપે મિત્રા ઇન્સ્ટિટ્યુશન પોલિંગ સ્ટેશનના તમામ ચાર બૂથમાં મજબૂત લીડ મેળવી છે, જ્યાં બેનર્જીએ મતદાન કર્યું હતું.
પૂર્વ મંત્રી ફિરહાદ હકીમના બૂથ પર પણ ભાજપનો કબ્જો અને નંદીગ્રામ સાથે ભાવનાત્મક જોડાણ
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર મમતા બેનર્જી જ નહીં, પરંતુ ટીએમસીના પૂર્વ મંત્રી ફિરહાદ હકીમને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ચેટલા ગર્લ્સ હાઇ સ્કૂલના પાંચ બૂથમાં ભાજપે બહુમતી મેળવી છે, જ્યાં હકીમે પોતાનો વોટ આપ્યો હતો. અધિકારી અગાઉ નંદીગ્રામ બેઠક પરથી પણ ચૂંટણી જીત્યા હતા, પરંતુ પાછળથી તેમણે તે બેઠક ખાલી કરી દીધી હતી અને ભવાનીપુરના ધારાસભ્ય તરીકે શપથ લેવાનું પસંદ કર્યું હતું. મુખ્યમંત્રી બન્યા પછી ભવાનીપુર મતવિસ્તારમાં આ તેમની પ્રથમ જાહેર સભા હતી, જેની અગાઉ તેમણે એક મોટો રોડ શો પણ કર્યો હતો. આ વિસ્તાર સાથેના પોતાના ભાવનાત્મક જોડાણનો ઉલ્લેખ કરતા તેમણે ભાવુક થઈને કહ્યું કે, ભવાનીપુરની જનતાએ જે પ્રેમ આપ્યો છે તેણે તેમને તેમના જૂના મતવિસ્તાર નંદીગ્રામની યાદ અપાવી દીધી છે.
ભવાનીપુરમાંથી ડરનો માહોલ ગાયબ: વ્યાપારીઓ અને રહેવાસીઓને સુરક્ષાની ખાતરી
મતવિસ્તાર માટેની પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા સીએમ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે વિકાસ અને જનતાના તૂટેલા વિશ્વાસને પુનઃસ્થાપિત કરવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. તેમણે અગાઉના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, “આ વિધાનસભા મતવિસ્તારમાં લાંબા સમયથી ડર અને આતંકનો માહોલ હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સબળ નેતૃત્વમાં હવે અહીંથી ડર બહાર નીકળી ગયો છે અને જનતાનો વિશ્વાસ અંદર આવ્યો છે.” તેમણે જૂની વાતો યાદ કરતા કહ્યું કે, જે લોકો અહીં વેપાર-ધંધામાં રોકાયેલા છે અને જેઓ મોટા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહી રહ્યા છે, તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મને ગુપ્ત રીતે કહ્યું હતું કે તેઓ ભાજપને વોટ આપશે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ટીએમસી દ્વારા લેવામાં આવતા પ્રતિશોધ (બદલાની રાજનીતિ) થી ડરતા હતા. મેં ત્યારે તેમને ખાતરી આપી હતી કે આ વખતે પશ્ચિમ બંગાળની જાગૃત જનતા ટીએમસીને સત્તા પરથી બહાર ફેંકી દેશે, અને આજે તમારા આ ભાઈની ભવિષ્યવાણી સાચી પડી છે.
‘કટ મની’ અને જબરદસ્તી વસૂલીની પ્રથાઓ બંધ થશે: ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા થવાનો દાવો
મુખ્યમંત્રીએ ભવાનીપુરના તમામ રહેવાસીઓને અને વેપારીઓને મજબૂત આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો કે વિસ્તારમાં ચાલતી ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર અને જબરદસ્તી વસૂલીની પ્રથાઓ તેમજ ‘કટ મની’ ના ગોરખધંધા હવે બિલકુલ ચાલુ રહેશે નહીં. ભ્રષ્ટ તત્વો હવે જેલના સળિયા પાછળ જશે તેવી દલીલ કરતા તેમણે વચન આપ્યું કે સામાન્ય નાગરિકોએ હવે કોઈ પણ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડશે નહીં અને સરકાર વધુ સુલભ અને પારદર્શક વહીવટીતંત્ર પ્રદાન કરશે. અગાઉની સરકારના કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે ગર્જના કરી કે, “જેમણે ભૂતકાળમાં જનતાના પૈસા લૂંટીને ભ્રષ્ટાચાર કર્યો હતો તેઓ સુજીત બોઝ અને શાંતનુ સિન્હા બિસ્વાસની જેમ જ જેલના સળિયા પાછળ સડશે.” ઉલ્લેખનીય છે કે, ઇડી (ED) એ નગરપાલિકા ભરતી કૌભાંડના સંબંધમાં પૂર્વ મંત્રી સુજીત બાસુની ધરપકડ કરી છે, જ્યારે તે જ એજન્સીએ છેતરપિંડી અને જબરદસ્તી વસૂલીના કેસમાં કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર શાંતનુ સિન્હા બિસ્વાસની તાજેતરમાં જ અટકાયત કરી છે.
ટીએમસી નેતાઓની અઢળક બેનામી મિલકતોનો પર્દાફાશ: અભિષેક બેનર્જી સહિતના નેતાઓની યાદી
પોતાના આક્રમક ભાષણમાં મુખ્યમંત્રીએ ટીએમસીના ટોચના નેતાઓ પાસે રહેલી અઢળક બેનામી મિલકતોના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા હતા. સીએમએ દાવો કર્યો હતો કે, “હું આજે એવા ચાર શક્તિશાળી વ્યક્તિઓના નામ આપીશ જેમણે કોલકાતા અને તેની આસપાસ અસંખ્ય ગેરકાયદેસર મિલકતો વસાવી છે.” તેમના દાવા મુજબ, ટીએમસી નેતા રાજુ નાસ્કર પાસે ૧૮ મિલકતો છે, ‘સોના પપ્પુ’ તરીકે ઓળખાતા વ્યક્તિ પાસે ૨૪ મિલકતો છે, મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પાસે ૨૪ મિલકતો છે (જેમાંથી ઘણી તેમના પરિવારના સભ્યોના નામે છુપાવેલી છે), જ્યારે ટીએમસી ધારાસભ્ય જાવેદ ખાનના પુત્ર પાસે અધધ ૯૦ મિલકતો છે. આ તમામ ભ્રષ્ટાચારની તપાસ કાનૂની એજન્સીઓ દ્વારા કડક રીતે કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
જનતા માટે સીધો ફોન નંબર અને સાત ધારાસભ્ય કાર્યાલયો ખોલવાની મુખ્યમંત્રીની જાહેરાત
ભવાનીપુરની જનતા સાથે સીધો સંવાદ સ્થાપવા માટે મુખ્યમંત્રીએ એક મોટી વહીવટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલી કે ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલા રહેવાસીઓ કોઈપણ વચેટિયા વિના સીધો તેમનો સંપર્ક કરી શકશે. આ માટે સરકાર તરફથી ટૂંક સમયમાં જ એક સમર્પિત ફોન નંબર અને સત્તાવાર ઈમેલ આઈડી જાહેર કરવામાં આવશે. સીએમએ ભાવુક થઈને કહ્યું, “તમે મારા પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને મને ઐતિહાસિક બહુમતીથી ચૂંટ્યો છે. મને થોડો સમય આપો, હું વિકાસ કાર્યો દ્વારા તમારા આ પ્રેમનું દેવું વ્યાજ સાથે ચૂકવી દઈશ.” આ ઉપરાંત, તેમણે જનતાની ફરિયાદો અને સ્થાનિક મુશ્કેલીઓના ઝડપી નિવારણ માટે ભવાનીપુર વિસ્તારમાં અલગ-અલગ સાત ધારાસભ્ય કાર્યાલયો સ્થાપવાની યોજના પણ જાહેર કરી હતી. પોતાને સામાન્ય લોકોના “ભાઈ” ગણાવતા, તેમણે મતદારોનો વારંવાર આભાર માન્યો હતો.
આ પણ વાંચો:







