
Yogi Adityanath Cow Politics: ઉત્તર પ્રદેશમાં ગાય અને ગોવંશના નામે રાજકારણ ગરમાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વધુ એક દંભી ચહેરો દેશ સામે આવ્યો છે. મુસ્લિમ ધર્મગુરુઓ અને ઉલેમાઓ દ્વારા દેશમાં વધતી હિંસા અટકાવવા માટે ગાયને ‘રાષ્ટ્રીય પશુ’ જાહેર કરવાની ન્યાયિક માંગ કરવામાં આવી, પરંતુ મુખ્યમંત્રીએ સત્તાના અહંકારમાં આ ગંભીર પ્રસ્તાવને ફગાવી દીધો છે. યોગી આદિત્યનાથે આ ભગીરથ માંગને ધર્મગુરુઓનું ‘બેવડું વલણ’ ગણાવીને મુસ્લિમ સમુદાય પર જ દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું છે. લોકશાહીમાં સંવાદ કરવાના બદલે તેમણે એવો આક્ષેપ કર્યો કે મૌલવીઓ એકતરફ ગોહત્યાને પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ આવી માંગણીઓ કરે છે. સત્તાધારી પક્ષ હંમેશા ગાયના નામે સમાજમાં ભાગલા પાડવાનું રાજકારણ કરતો આવ્યો છે, પરંતુ જ્યારે કાયદાકીય રીતે ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત આવી ત્યારે શાસકો મેદાન છોડીને ભાગી રહ્યા છે.
ભાવનાત્મક ડ્રામા અને બુદ્ધિનું પ્રદર્શન
બિજનૌરના એક જાહેર સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદાકીય જોગવાઈઓ કરવાના બદલે કેવળ ભાવનાત્મક સ્ક્રિપ્ટ વાંચી હતી. તેમણે દાવો કર્યો કે ‘ગાય આપણી સ્વયં જાહેર થયેલી રાષ્ટ્રમાતા છે, તેથી તેને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની કોઈ જરૂર જ નથી’. તેમણે જાહેર મંચ પરથી સવાલ કર્યો કે, શું માતા અને પુત્ર વચ્ચેના સંબંધો જાહેર કરવા માટે કોઈ સરકારી કાગળની જરૂર પડે? એટલું જ નહીં, મુસ્લિમ ધર્મગુરુઓએ ગાય માટે ‘પશુ’ શબ્દ વાપર્યો તેની સામે વાંધો ઉઠાવતા સીએમ યોગીએ અસંસ્કારી ભાષાનો પ્રયોગ કર્યો અને કહ્યું કે ‘જેઓ ગાયને પશુ કહે છે, પશુ તો તેમની બુદ્ધિ અને વિચારસરણી છે’. તંત્રની નિષ્ફળતા છુપાવવા માટે મુખ્યમંત્રીએ ધર્મગુરુઓને ધમકાવવાના અંદાજમાં ચેતવણી આપી કે તેઓ પોતાના સમુદાયમાં ગોહત્યા રોકે, બાકી યુપી પોલીસ કડક કાર્યવાહી કરશે.
એમનેસટી ઈન્ટરનેશનલના પૂર્વ અધ્યક્ષનો પ્રહાર
આ સમગ્ર વિવાદ અને મુખ્યમંત્રીના નિવેદનો પર ‘એમનેસટી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’ ના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા લેખક આકાર પટેલે આકરા પ્રહારો કર્યા છે. ‘ડેક્કન ક્રોનિકલ’ માં પ્રકાશિત પોતાના વિશેષ કોલમમાં આકાર પટેલે સીએમ યોગીની આ ટિપ્પણીઓને ચોખ્ખો ‘ઢોંગ અને પાખંડ’ ગણાવ્યો છે. પટેલની દલીલ છે કે જો શાસક પક્ષ ખરેખર ગોભક્ત હોય, તો મુસ્લિમો સામેથી જ્યારે ગાયને સર્વોચ્ચ રાષ્ટ્રીય દરજ્જો આપવાની વકીલાત કરી રહ્યા છે ત્યારે સરકારે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારવો જોઈએ. પરંતુ જો ગાય રાષ્ટ્રીય પશુ બની જાય, તો ભવિષ્યમાં તેની આસપાસ રચાતું નફરતનું રાજકારણ કાયમ માટે બંધ થઈ જાય અને શાસકો પાસે ચૂંટણી જીતવા માટે કોઈ ધાર્મિક મુદ્દો ન બચે. સત્તા ટકાવી રાખવા માટે આ મુદ્દાને સતત સળગતો રાખવો એ જ આ તંત્રની અસલી રાજનીતિ છે.
મોબ લિંચિંગ અને નફરતની ફેક્ટરી બંધ કરવાની ઉલેમાઓની તાર્કિક માંગ
દેશની સૌથી મોટી ઇસ્લામિક સંસ્થા ‘જમીયત ઉલેમા-એ-હિંદ’ ના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આ માંગનું સમર્થન કર્યું હતું. મદનીએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ગાયને ‘રાષ્ટ્રીય પશુ’ જાહેર કરી દેશે તો મુસ્લિમ સમાજને સૌથી વધુ ખુશી થશે, કારણ કે આનાથી ગૌરક્ષકોના નામે રખડતા ગુંડાઓ દ્વારા થતી નિર્દોષ લોકોની ‘મોબ લિંચિંગ’ (ટોળા દ્વારા હત્યા) કાયમ માટે બંધ થઈ જશે. ગાયના નામે થતું રાજકીય શોષણ, નિર્દોષોની હત્યા અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને બદનામ કરવાની રમતનો કાયમી ઉકેલ લાવવા માટે જ આ માંગ કરાઈ છે. પ્રશાસને એ સમજવું જોઈએ કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જ્યારે હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રાણીઓની હત્યા અને માંસના વેપાર અંગે કન્ફ્યુઝન ઉભું કરતા અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે, જેનો દુરુપયોગ કરીને લઘુમતીઓનો શિકાર કરવામાં આવે છે.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું પણ વલણ સાફ
આ માત્ર કોઈ એક ધર્મગુરુની માંગ નથી, પરંતુ દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પણ તેને અત્યંત તાર્કિક ગણાવીને સરકારને અરીસો બતાવ્યો છે. અન્સારીએ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાથી દેશમાં રોજ-રોજ થતા કોમી વિવાદો અને હિંસાનો અંત આવતો હોય, તો સરકારે અહંકાર છોડીને આ દિશામાં વિચાર કરવો જ જોઈએ. તેમણે મુસ્લિમ સમુદાયને બકરીઈદ પર ગાયની કુરબાની ન આપવાની અપીલ પણ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ઇસ્લામ ધર્મમાં કોઈ ચોક્કસ પ્રાણીની કુરબાની આપવી ફરજિયાત નથી. આ સિવાય ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ ના વરિષ્ઠ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ પણ સ્વીકાર્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ બનાવવાથી દેશમાં શાંતિ સ્થપાશે.
બંધારણ સભાનો ઇતિહાસ
લેખક આકાર પટેલે પોતાના લેખમાં બંધારણના ઈતિહાસના પાના ખોલીને શાસકોના જુઠ્ઠાણાં ખુલ્લા પાડ્યા છે. ભારતીય બંધારણની કલમ ૪૮ રાજ્યોને ગાયોની હત્યા પર પ્રતિબંધ મુકવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ તે માત્ર એક ‘માર્ગદર્શક સિદ્ધાંત’ છે અને ખાસ વાત એ છે કે આ જોગવાઈ ધાર્મિક નહિ પરંતુ કૃષિ અને આર્થિક આધાર પર કરવામાં આવી હતી. બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા ઝાહિર-ઉલ-હસન લારીએ બહુમતી હિંદુ નેતાઓને ખુલ્લેઆમ વિનંતી કરી હતી કે જો તમે ગાયની હત્યા પર પ્રતિબંધ મુકવા માંગતા હોવ, તો તેને કોઈ પણ દ્વિધા વગર સ્પષ્ટ અને કડક શબ્દોમાં કાયદો બનાવીને લાગુ કરો, જેથી ભવિષ્યમાં કોઈ રાજનીતિ ન થાય.
ધર્મનિરપેક્ષતા કે કટ્ટરતા?
ઇતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ જનતાએ હંમેશા એવા કાયદાઓ અને પ્રતિબંધોને માન્ય રાખ્યા છે, જેમને સરકારે સ્પષ્ટ કાયદાકીય સ્વરૂપ આપ્યું હોય. બંધારણ સભામાં નેતા સાદુલ્લાએ કુરાનના પવિત્ર સિદ્ધાંત ‘લા ઇકરાહા ફિદ્દીન’ (ધર્મના મામલામાં કોઈ જબરદસ્તી ન હોવી જોઈએ) નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે બહુમતી સમુદાય જે નિર્ણયો લેશે તેમાં મુસ્લિમો અવરોધ નહિ બને. અલગ-અલગ રાજ્યોના અસ્પષ્ટ કાયદાઓ માત્ર હિંસા અને રાજકીય ધ્રુવીકરણને જ પ્રોત્સાહન આપે છે. હવે સમય આવી ગયો છે કે કેન્દ્રની સત્તા પર બેઠેલા શાસકો એ સ્પષ્ટ કરે કે ભારત દેશ બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો પર ચાલશે કે પછી ચોક્કસ ધાર્મિક એજન્ડા પર? ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી બીફના નામે થતી લિંચિંગ કદાચ પૂરી ન થાય, પરંતુ સત્તાવાળાઓનો પાખંડ અને બેવડી નીતિ ચોક્કસપણે ખતમ થઈ જશે.
આ પણ વાંચો:







