
Gujarat Congress Inflation Protest: ગુજરાતમાં વધતી મોંઘવારી અને સામાન્ય પરિવારો પર પડી રહેલા આર્થિક બોજને મુદ્દો બનાવી કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ ગૃહિણીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોને સાથે રાખીને રસ્તા પર ઉતરશે. મોંઘવારીથી પરેશાન લોકોના આક્રોશને અવાજ આપવા માટે વિરોધ કાર્યક્રમોને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે. ચાવડાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે 2014માં 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપનાર ભાજપ સરકારનાં 12 વર્ષ વીતી ગયાં હોવા છતાં સામાન્ય લોકોને રાહત મળી નથી.
અમિત ચાવડાના જણાવ્યા અનુસાર, મોંઘવારીનો પ્રશ્ન માત્ર આર્થિક આંકડાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરેક પરિવારના રોજિંદા જીવનને અસર કરે છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૂધ, છાશ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ અને CNG-PNGના ભાવમાં વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક તરફ આવક અને રોજગારીની સમસ્યા છે, તો બીજી તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
‘બહુ હુઈ મહેંગાઈ કી માર’ના નારાથી સત્તામાં આવેલી સરકાર પર પ્રહાર
ચાવડાએ 2014ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે સમયે ભાજપે ‘બહુ હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. નરેન્દ્ર મોદી અને ભાજપે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને સરકારને 12 વર્ષ થઈ ગયાં છે, છતાં મોંઘવારીમાં રાહત મળવાને બદલે સામાન્ય પરિવારોની મુશ્કેલીઓ વધી છે.
તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિવિધ રીતે કરવેરા વધારીને પોતાની તિજોરી ભરે છે અને ઉત્સવો તથા રાજકીય કાર્યક્રમો પાછળ ખર્ચ કરે છે, જ્યારે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર વધે છે. ચાવડાએ કહ્યું કે હવે ગુજરાતના લોકો પણ મોંઘવારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ‘બહુ હુઈ મહેંગાઈ કી માર, અબ હટાવો ભાજપ સરકાર’નો સંદેશ આપી રહ્યા છે.
ખાદ્યતેલના ભાવમાં વધારાને લઈને સરકાર પર આરોપ
અમિત ચાવડાએ ખાદ્યતેલના ભાવને લઈને ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની UPA સરકાર દરમિયાન ખાદ્યતેલના ડબ્બાની કિંમત આશરે રૂ. 1,100થી 1,200 હતી. તે સમયે ભાજપના નેતાઓ મોંઘવારી સામે આંદોલન કરતા હતા અને ગેસ સિલિન્ડર રૂ. 350થી 400નો હતો ત્યારે પણ વિરોધ નોંધાવતા હતા.
ચાવડાના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં ખાદ્યતેલના ડબ્બાની કિંમત આશરે રૂ. 3,100ની સપાટી પાર કરી ગઈ છે. તેમણે તેલ મિલરો સાથે સરકારની કથિત મિલીભગત અને કરોડો રૂપિયાના ચૂંટણી ફંડના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ અંગે તેમણે કરેલા આક્ષેપો રાજકીય આરોપો છે.
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે મોંઘવારીની સ્થિતિ એવી થઈ છે કે હવે ગુજરાતના લોકોને પૂરી તળવી હોય તો તેલને બદલે પાણીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.
નવેમ્બરમાં રિટેલ મોંઘવારી 4.88 ટકા હોવાનો ઉલ્લેખ
ચાવડાએ મોંઘવારી અંગેના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે નવેમ્બર 2026માં રિટેલ મોંઘવારીનો દર 4.88 ટકા સુધી પહોંચ્યો છે, જે છેલ્લા 15 મહિનાનું ઊંચું સ્તર છે. તેમના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2026માં આ દર 3.58 ટકા હતો, જે એક મહિનામાં વધીને 4.88 ટકા થયો છે.
તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના આંકડા પણ રજૂ કર્યા હતા. શહેરી વિસ્તારોમાં મોંઘવારીનો દર ઓક્ટોબરના 3.81 ટકાથી વધીને નવેમ્બરમાં 4.9 ટકા થયો હોવાનું તેમણે જણાવ્યું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ દર 3.36 ટકાથી વધીને 4.79 ટકા થયો હતો.
ખાદ્ય પદાર્થોની મોંઘવારી અંગે ચાવડાએ કહ્યું કે ઓક્ટોબરમાં આ દર 1.9 ટકા હતો, જે નવેમ્બરમાં વધીને 4.45 ટકા થયો છે. શાકભાજીના ભાવમાં પણ આશરે 22 ટકાનો વધારો નોંધાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સ્થિતિમાં સામાન્ય પરિવાર માટે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.
મોંઘવારી વધે છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટે છે
ચાવડાએ મોંઘવારીની સાથે ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગારીના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું કે ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર 3.8 ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને 2.2 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડાથી રોજગારી પર અસર થાય છે અને બેરોજગારીની સમસ્યા વધી શકે છે.
તેમણે કહ્યું કે એક તરફ નોકરીઓ છૂટી રહી છે અને આવક પર અસર થઈ રહી છે, જ્યારે બીજી તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આ બેવડી મુશ્કેલીને કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
જથ્થાબંધ મોંઘવારીમાં પણ વધારાનો દાવો
અમિત ચાવડાએ જથ્થાબંધ મોંઘવારીના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે જાન્યુઆરી 2026માં આ દર 1.19 ટકા હતો. ફેબ્રુઆરીમાં તે વધીને 2.18 ટકા અને માર્ચમાં 3.98 ટકા થયો હતો. એપ્રિલમાં 8.36 ટકા અને મે મહિનામાં 9.88 ટકા નોંધાયો હતો. જૂનમાં આ દર 9.97 ટકા, જુલાઈમાં 9.78 ટકા અને ઓગસ્ટમાં 9.92 ટકા રહ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે સપ્ટેમ્બર 2026માં જથ્થાબંધ મોંઘવારીનો દર 11.39 ટકા અને ઓક્ટોબરમાં વધીને 12.29 ટકા થયો હતો. ચાવડાના મતે, આ આંકડા દર્શાવે છે કે મોંઘવારીનો બોજ માત્ર છૂટક બજાર પૂરતો નથી, પરંતુ ઉત્પાદન અને વેપાર ક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે.
CNGના ભાવ વધારાથી વાહનચાલકો પર પણ બોજ
ચાવડાએ પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ અંગે પણ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે CNG અને PNGના ભાવમાં વધારાથી રોજિંદા વાહનવ્યવહારનો ખર્ચ વધી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 100ની નજીક પહોંચવાની સ્થિતિ છે. આ વધારાની અસર વાહનચાલકો, પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને સામાન્ય નાગરિકો પર પડી રહી છે.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સરકાર મોટા ઉદ્યોગપતિઓને કરવેરામાં રાહતો અને અન્ય લાભો આપે છે, જ્યારે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો મોંઘવારી તથા બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
ગૃહિણીઓ અને યુવાનોને સાથે રાખી કોંગ્રેસનું આંદોલન
અમિત ચાવડાએ જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મોંઘવારી સામે વિરોધ કાર્યક્રમો યોજશે. આ કાર્યક્રમોમાં ખાસ કરીને ગૃહિણીઓ, યુવાનો અને સામાન્ય પરિવારોને જોડવામાં આવશે. રસોડાના ખર્ચથી લઈને વાહનવ્યવહાર અને રોજિંદી જરૂરિયાતો સુધી મોંઘવારીની અસર લોકો સુધી પહોંચે છે, તેથી આ મુદ્દાને જનઆંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચાવડાએ કહ્યું કે સરકાર સામાન્ય લોકોની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ નથી અને જનતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમોને ગુજરાતમાં કેટલો જનસમર્થન મળે છે અને મોંઘવારીનો મુદ્દો 2027ની ચૂંટણી પહેલાં રાજ્યના રાજકારણમાં કેટલો પ્રભાવ પાડે છે.








