
Sheikh Hasina Bangladesh: બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીની ચર્ચા વચ્ચે દેશમાં રાજકીય તણાવ ફરી વધી રહ્યો છે. રવિવાર, 15 નવેમ્બરે શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં અવામી લીગના સમર્થકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસના એક બખ્તરબંધ વાહનને આગ ચાંપી દીધી હતી અને પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. સેંકડો લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમાંથી કેટલાકના હાથમાં ધારદાર હથિયારો અને ભાલા પણ જોવા મળ્યાં હતાં.
આ હિંસા એવા સમયે થઈ છે, જ્યારે શેખ હસીનાએ ડિસેમ્બરમાં ભારતથી બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાં કાનૂની કાર્યવાહીનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા ગુમાવ્યા પછી તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
શેખ હસીનાની વાપસી સુધી રસ્તા પર આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
ગોપાલગંજમાં પ્રદર્શનકારીઓએ અનેક રસ્તાઓ પર પોલીસના બેરિકેડ તોડી નાખ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. આ ઉપરાંત 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાની સરકારના પતનની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકને પણ તોડી પાડવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો.
અવામી લીગના ગોપાલગંજ જિલ્લા નેતા ઇલિયાસ હકે પાર્ટીની રેલીને સંબોધતાં કહ્યું હતું કે શેખ હસીનાને દેશ પરત લાવવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા પરનું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડાંપ્રધાન અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની પુત્રી શેખ હસીનાને પરત લાવ્યા વિના તેમનો વિરોધ અટકશે નહીં.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત ફરવાની મંજૂરી આપવામાં આવે. તેમના સમર્થકોનું કહેવું છે કે રાજકીય પરિસ્થિતિને કારણે તેમને દેશ છોડવો પડ્યો હતો.
મોતની સજા છતાં ડિસેમ્બરમાં પરત ફરવાની તૈયારી
79 વર્ષીય શેખ હસીના ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યાં હતાં. તેમના શાસન દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલનને દબાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓનાં મોત થયાં હતાં.
આ જ મામલે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે નવેમ્બર 2025માં તેમને માનવતા વિરુદ્ધના ગુનામાં દોષિત ઠેરવ્યાં હતાં. તેમની ગેરહાજરીમાં ટ્રિબ્યુનલે મોતની સજા સંભળાવી હતી. જોકે, શેખ હસીનાએ પોતાની સામેના આરોપો અને ન્યાયિક પ્રક્રિયાને નકારી કાઢી છે.
જુલાઈ 2026થી તેઓ અનેક વખત કહી ચૂક્યાં છે કે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછાં ફરવા અને ત્યાં કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માગે છે. મોતની સજા સંભળાવવામાં આવી હોવા છતાં તેમણે વાપસીની ઇચ્છા છોડી નથી.
બાંગ્લાદેશ સરકાર ભારત પાસે પ્રત્યાર્પણની માંગ કરી રહી છે
શેખ હસીનાને પરત લાવવા માટે બાંગ્લાદેશ સરકાર ભારત પર દબાણ કરી રહી છે. ઢાકાએ બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિનો હવાલો આપીને ભારતને શેખ હસીનાને સોંપવાની વિનંતી કરી છે. તેમના પાસપોર્ટ સંબંધિત વિનંતી પણ બાંગ્લાદેશ સરકારે સ્વીકારી નથી. લંડનની એક કાનૂની પેઢીએ તેમના વતી આ વિનંતી કરી હતી, જેથી દેશ પરત ફરવાનો માર્ગ તૈયાર થઈ શકે.
બાંગ્લાદેશના કાયદા મંત્રી મોહમ્મદ અસદુજ્જમાને શનિવારે જણાવ્યું હતું કે શેખ હસીનાની વાપસી માટે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે નિર્ણય ભારતે લેવાનો છે.
બાંગ્લાદેશ સરકારે આ મુદ્દાને વડાંપ્રધાન તારિક રહેમાનની સંભવિત ભારત મુલાકાત સાથે પણ જોડ્યો છે. ઢાકાનું માનવું છે કે શેખ હસીના અને બાંગ્લાદેશમાં વોન્ટેડ અન્ય લોકોને પરત લાવવાથી બંને દેશોના વડાંપ્રધાનોની મુલાકાત માટે અનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકે છે.
ભારતે પ્રત્યાર્પણની વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ તેમને બાંગ્લાદેશને સોંપવા અંગે અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું હતું કે આ કાનૂની મામલો છે અને તેના પર નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
ગોપાલગંજમાં BNPની બે કચેરીઓમાં આગચંપી
ગોપાલગંજમાં હિંસાની ઘટનાઓ માત્ર અવામી લીગના પ્રદર્શન પૂરતી સીમિત રહી નહોતી. મીડિયા અહેવાલો પ્રમાણે, પ્રદર્શન પહેલાંની રાત્રે અજાણ્યા લોકોએ તુંગીપારામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની બે કચેરીઓમાં આગ લગાવી દીધી હતી. તુંગીપારા શેખ હસીનાનું જન્મસ્થળ છે અને ગોપાલગંજ જિલ્લામાં આવેલું છે.
ઘટનાઓ બાદ સરકારે ગોપાલગંજના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને તેમના પદ પરથી હટાવી દીધા હતા. ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે જણાવ્યું હતું કે કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ તોડફોડ અને હિંસક પ્રવૃત્તિઓ રોકવા માટે પ્રતિબદ્ધ છે.
ગોપાલગંજને અવામી લીગનો મજબૂત રાજકીય ગઢ માનવામાં આવે છે. હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની ટુકડીઓને સતર્ક કરી છે. રમખાણ નિયંત્રણ પોલીસની મદદ માટે જવાનોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
વડાંપ્રધાન તારિક રહેમાને બોલાવી કેબિનેટ બેઠક
ગોપાલગંજની બગડતી પરિસ્થિતિ અંગે રવિવારે વડાંપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત તેમણે સંસદમાં પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી.
બેઠકમાં સામેલ BNPના નેતાઓના જણાવ્યા પ્રમાણે, તારિક રહેમાને પાર્ટીના કાર્યકરોને પાયાના સ્તરે સક્રિય રહેવા સૂચના આપી હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરકાર પરિસ્થિતિને નિયંત્રણ બહાર જવા દેશે નહીં. વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડે તો સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવશે.
ભારત-બાંગ્લાદેશના સંબંધો પર પડી શકે છે અસર
શેખ હસીનાની વાપસી અને પ્રત્યાર્પણનો મુદ્દો હવે બાંગ્લાદેશની આંતરિક રાજનીતિથી આગળ વધીને ભારત-બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધો માટે પણ મહત્ત્વનો બન્યો છે. એક તરફ ઢાકા શેખ હસીનાને પરત લાવવાની માંગ કરી રહ્યું છે, તો બીજી તરફ ભારતે કાનૂની પ્રક્રિયા મુજબ નિર્ણય લેવાની વાત કરી છે.
ગોપાલગંજમાં થયેલી હિંસા દર્શાવે છે કે શેખ હસીનાના સમર્થકો હજુ પણ સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. ડિસેમ્બરમાં તેમની સંભવિત વાપસી, મોતની સજા અને પ્રત્યાર્પણ અંગેનો વિવાદ બાંગ્લાદેશની રાજકીય સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.










