
Ahmedabad: પોલીસ કાયદાની રક્ષક કહેવાય છે જ્યારે સામાન્ય વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે પોલીસ તેને કાયદાનું ભાન કરાવે છે. પરંતુ હમણાથી ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પોલીસ રક્ષક નહીં પરંતુ ભક્ષકની ભુમિકામાં જોવા મળી રહી હોય ત્યારે આજે ફરી એક વાર અમદાવાદની પોલીસ વિવાદમાં આવી છે. અમદાવાદમાં પોલીસકર્મીએ નશો કરીને દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી હતી. પોલીસના આ કૃત્ય બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ 1 કિલોમીટર જેટલો પીછો કરીને પોલીસ વાનને ઘેરી લીધી હતી.
લોકોએ 1 કિમી પીછો કરી પોલીસને ઘેરી
મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે અમદાવાદના શાહીબાગમાં PSI અને પોલીસની ટીમ રાતના સમયે સિવિલ હોસ્પિટલ પાસે મોડા સુધી ચાલી રહેલી લારીઓ બંધ કરાવવા નિકળ્યા હતા ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસકર્મીએ દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી જે બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાથી પોલીસ પર રોષે ભરાયેલા સ્થાનિકોએ
1 કિલોમીટર જેટલો પીછો કરી પોલીસ વેનને ઘેરી લીધી. આ ઘટના બાદ બળિયા લીમડી પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ અંગે અધિકારીઓને જાણ થતા તેઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને સ્થિતિને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસકર્મીએ નશામાં અકસ્માત સર્જાયાના આક્ષેપ
સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસે દારૂના નશામાં અકસ્માત કર્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મી મહિલાઓ પાસે જાય છે અને કંઇક કહેતા સંભળાય છે. તેમજ સામે મહિલા પણ એવું કહી રહી છે કે, હું પીતી નથી પણ મને પીધા વગર નશો ચડી જાય છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, બોલવાના પણ હોશ નથી. સ્થાનિકોએ પોલીસકર્મીએ દારુ પીધો હોવાના આક્ષેપ કર્યા છે.
પોલીસે લારીવાળા સામે ગુનો નોંધ્યો
જો કે, શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલાએ જણાવ્યું હતુ કે, PSI દારૂ પીધેલી હાલતમાં નહોતા, પરંતુ તેઓ લારી બંધ કરાવવા ગયા હતા તેમનું કહેવું છે કે, લારીવાળાઓએ ખોટા આક્ષેપ કર્યા હતા. જેથી આ લારીવાળા સામે પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
