
આપ પાર્ટી બાદ હવે ભાજપ પણ દિલ્હી જીતવા મફત યોજનાઓની લાહણી કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડતી વખતે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જો અમારી સરકાર બનશે, તો મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં લાગુ કરાયેલી જન કલ્યાણકારી યોજનાઓ પણ ચાલુ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાની રકમમાં 5 લાખ રૂપિયા વધુ ઉમેરવામાં આવશે. તેવી જ રીતે, પ્રધાનમંત્રી વય વંદન યોજના હેઠળની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે.
મહિલાઓ માટે ખાસ યોજનાઓ, દિવાળી પર ગેસ સિલિન્ડર મફત
દિલ્હીમાં મહિલાઓ માટે વીજળી, પાણી અને બસ મુસાફરી મફત રહેશે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપતાં કહ્યું કે ભાજપ દિલ્હીમાં તમામ જન કલ્યાણકારી યોજનાઓ જાળવી રાખશે. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ, ભાજપ દિલ્હીની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપશે. તે જ સમયે, ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે જ્યારે હોળી અને દિવાળી પર એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે.
વૃધ્ધ મતદારોને પણ આકર્ષવા પર ધ્યાન
ભાજપે દિલ્હીના વૃદ્ધ મતદારોને આકર્ષવા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. નડ્ડાએ જણાવ્યું હતું કે 60 થી 70 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનની રકમ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવશે. તે જ સમયે, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ, અપંગ વ્યક્તિઓ વગેરેનું પેન્શન 2,500 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવામાં આવશે.
આપ અને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે હજુ સુધી પોતપોતાના ઢંઢેરા જાહેર કર્યા નથી. જોકે, બંને પક્ષોએ દિલ્હીના લોકોને ઘણા વચનો આપ્યા છે. જ્યારે AAP એ મહિલાઓ, પૂજારીઓ અને ગ્રંથીઓને એક નિશ્ચિત માસિક રકમ આપવાનું વચન આપ્યું છે, જ્યારે મહિલાઓ માટે મફત વીજળી, પાણી અને મફત બસ મુસાફરી જાળવી રાખી છે. AAP એ દિલ્હીની મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા અને પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પાર્ટીએ કહ્યું કે જો તેમની સરકાર બનશે, તો દિલ્હીમાં મફત વીજળી, પાણી અને બસ મુસાફરીની હાલની યોજનાઓ જાળવી રાખવામાં આવશે.
આપ નેતા ઈસુદાન ગઢવીએ ભાજપના મેનિફેસ્ટોને કેવો ગણાવ્યો?







