
Crack on Indira Bridge: અમદાવાદમાં સુભાષબ્રિજ બાદ દધીચિ બ્રિજમાં લોખંડના સળિયા દેખાયા બાદ હવે ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.અમદાવાદમાં સાબરમત નદી પરના એક સાથે ત્રણ બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે શહેરના અન્ય બ્રિજોની શુ સ્થિતિ છે તે હવે તપાસનો વિષય બન્યો છે પણ તે અંગે હજુસુધી તપાસ કરવાની તંત્રએ તસ્દી લીધી નથી.
હાલમાં સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે પણ તંત્ર હજુ જાણે દુર્ઘટના બને પછી જ કામગીરી કરવાની રાહ જોઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં બનેલા બ્રિજ જર્જરિત થઈ રહયા છે જેને કોઈ જોવા વાળું નથી પરિણામે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત ઉભી થઇ છે.
ઈન્દીરા બ્રિજ 2012માં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો જે અમદાવાદ-ગાંધીનગરને જોડતો બ્રિજ છે આ બ્રિજ ઉપર તિરાડો, પડી હોવાછતાં તંત્ર આ વાતથી અજાણ છે.અહીથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થઇ રહ્યા છે, જેઓ સામે જોખમ ઉભું થયું છે.ઈન્દીરા બ્રિજના સાંધા અને સપાટી પર તિરાડો પડી ગઈ છે જે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે. બ્રિજનો આ રોડ સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી અને હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવતા આશ્ચર્ય સર્જાયું હતું.
સરકાર મોટી મોટી જાહેરાત કરે છે અને લોકહિત માટે સગવડો આપે છે પણ કરોડોના પ્રોજેક્ટ્સમાં નબળી ગુણવત્તા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના કારણે આવા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.અગાઉ સુભાષ બ્રિજ ત્યારબાદ દધિચી બ્રિજ અને હવે ઇન્દિરા બ્રિજ નબળો પડતા આ વ્યસ્ત બ્રિજ પર મોટી દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અહીં તંત્રની બેદરકારી અને બ્રિજની નબળી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









