
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ છે. ત્રણ માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી છે.
આગ 10માં માળેથી 9 અને 11માં માળ સુધી પ્રસરી
આજે વહેલી સવારે એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગના 9માં માળે લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. આગ 10માં માળેથી 9 અને 11માં માળ સુધી પ્રસરી ગઈ હતી. ભીષણ આગ લાગી હોવાના કારણે વધારે ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી ચાંદખેડા, સાબરમતી, મણિનગર સહિતના ફાયર સ્ટેશનની કુલ 28 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.







