
Bharuch: ભાજપ સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામા આવે છે પરંતુ આ વિકાસના દાવાઓસ ખરેકરમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. વિકાસના દાવાઓ પર વાસ્તવિકતાની થપાટ મારતી ઘટના ભરુચ જિલ્લામાંથી સામે આવી છે જ્યાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ જીવનું જોખમ લેવું પડી રહ્યું છે. અહીં પુલના અભાવે ધસમસતા નદીપ્રવાહમાં નનામી લઈ જવા લોકો મજબુર બન્યા છે.
અંતિમ સંસ્કાર માટે પણ જીવનું જોખમ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વસ્તીવાળા ડહેલી ગામે વિકાસના દાવાઓ હજુ પણ કાગળ પર જ સીમિત છે. ચોમાસાની મોસમમાં અહીંના લોકોને ઘેરાવતી સમસ્યા આજેય યથાવત છે. ગામના લોકો માટે કીમ નદી જીવનનું એક મોટું અવરોધ બની ગઇ છે, ખાસ કરીને જ્યારે કોઈના નિધન સમયે અંતિમ સંસ્કાર માટે નદી પાર કરવી પડે છે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
ખભા પર મૃતદેહ મૂકી નદી પસાર કરતા દ્રશ્યો આવે છે સામે
મળતી માહિતી મુજબ ડહેલી ગામે કીમ નદી પર પુલ કે નાળાની વ્યવસ્થા ન હોવાથી ગામના લોકોને મજબૂરીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે નદી પાર કરવી પડે છે. ચોમાસામાં કીમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતી હોય છે, તેમ છતાં અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકો ખભા પર મૃતદેહ મૂકી નદી પસાર કરતા દ્રશ્યો સામે આવતા રહે છે.
તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનમાં ભારે અસંતોષ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવી જ સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે લોકો જીવના જોખમે ઘૂંટણ અને કમર સુધીના ધોધિયા પાણીમાં ઊતરી અંતિમ ક્રિયા માટે નદી પાર કરતા નજરે પડ્યા હતા. આ બાબતે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કીમ નદી પર પુલ અથવા નાળાની સુવિધા ઊભી કરવાની માંગ
ડહેલી ગામના લોકોની માંગણી છે કે તાત્કાલિક કીમ નદી પર પુલ અથવા નાળાની સુવિધા ઊભી કરવામાં આવે જેથી અંતિમ સંસ્કાર જેવી ગંભીર પ્રક્રિયા માટે લોકોના જીવ જોખમમાં ન મૂકવા પડે. વિકાસની પ્રાથમિક જરૂરિયાતો તરફ તંત્ર દૃષ્ટિ આપશે ત્યારે જ હાલાકીમાંથી રાહત મળી શકશે.
અહેવાલ: ઉમેશ રોહિત





