
Gambhira bridge collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ 9 જુલાઈ, 2025ના રોજ વહેલી સવારે ધરાશાયી થયો, જેના કારણે 16 નિર્દોષ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ દુ:ખદ ઘટનાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, રાજ્યના 16 મોટા દુર્ઘટના મામલાઓની તપાસ ઈમાનદાર અધિકારીઓને સોંપવાની માગણી કરી છે.
મેવાણીનો સરકાર પર આક્ષેપ
राजकोट के अग्निकांड का मामला हो, वडोदरा में बोट पलटने का मामला हो, टीआरपी गेमिंग जोन का मामला हो, मोरबी ब्रिज के गिरने का मामला हो या सूरत में तक्षशिला का मामला हो…
जो पुलिस के अफसर शराब के अड्डों से, जुए के अड्डों से, बड़ी-बड़ी लैंड डील्स से या ड्रग्स के काले कारोबार से तगड़ी… pic.twitter.com/1hrBRpiE7n
— Congress (@INCIndia) July 10, 2025
જીગ્નેશ મેવાણીએ આ દુર્ઘટનાને “માનવસર્જિત” ગણાવી, સરકાર અને તેના તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, “રાજકોટની આગની ઘટના હોય, વડોદરામાં બોટ પલટવાનો કિસ્સો હોય, ટીઆરપી ગેમિંગ ઝોનની દુર્ઘટના હોય, મોરબી બ્રિજ તૂટવાની ઘટના હોય કે સુરતના તક્ષશિલા અગ્નિકાંડનો કિસ્સો હોય, દરેક ઘટનામાં સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે.”
તેમણે આક્ષેપ કર્યો કે સરકાર દ્વારા આવા મામલાઓની તપાસ ભ્રષ્ટ અધિકારીઓને સોંપવામાં આવે છે, જે “દારૂ, જુગારના અડ્ડા, જમીનની ડીલો અને ડ્રગ્સના ગેરકાયદેસર વ્યવસાયમાંથી નાણાં ઉઘરાવે છે અને ભાજપના ઈશારે ચૂંટણીઓમાં તેમની જીત માટે કામ કરે છે.”
મેવાણીએ વધુમાં કહ્યું, “જ્યાં સુધી મીડિયા અને વિપક્ષ દબાણ કરે છે, ત્યાં સુધી લીપાપોતી થાય છે. હાઈકોર્ટની ફટકાર બાદ નાની માછલીઓની ધરપકડ થાય છે, પરંતુ મોટા મગરમચ્છ, જેમના તાર ભાજપ અને ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા છે, તેમને છોડી દેવામાં આવે છે.” તેમણે આ ઘટનાને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનું પ્રતિબિંબ ગણાવ્યું, જ્યાં જવાબદારીનો અભાવ અને ભ્રષ્ટાચારનું બોલબાલું છે.
નિષ્પક્ષ તપાસ અને રાજીનામાની માગ
મેવાણીએ રાજ્યની 16 મોટી દુર્ઘટનાઓ, જેમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પણ સામેલ છે, તેની તપાસ ઈમાનદાર અને નિષ્પક્ષ અધિકારીઓને સોંપવાની માગણી કરી છે. તેમણે ચેતવણી આપી કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલાઓની તપાસ નિષ્પક્ષ અધિકારીઓને નહીં સોંપે, તો કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરીને આંદોલન કરશે. આ સાથે, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રોડ એન્ડ બિલ્ડિંગ (RNB) વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રાજીનામાની પણ માગ કરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના
ગંભીરા બ્રિજ, જે આણંદ અને વડોદરાને જોડે છે, તે 40 વર્ષ જૂનો હતો અને 2022માં તેની જર્જરિત સ્થિતિ અંગે ચેતવણીઓ આપવામાં આવી હતી. આમ છતાં, રૂ. 1.18 કરોડના ખર્ચે કરાયેલું રિપેર કામ નિષ્ફળ રહ્યું, અને બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો, જેના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિતના વાહનો નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો હજુ લાપતા છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસે આ સહાયને અપૂરતી ગણાવી, 25 લાખ રૂપિયાની સહાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુર્ઘટના મનને વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોની પડખે છે.” જોકે, વિપક્ષે આ નિવેદનને “ઔપચારિક” ગણાવી, જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર શોક વ્યક્ત કરવાનો આક્ષેપ કર્યો છે.
રાજકીય પ્રતિક્રિયાઓ
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ આ ઘટનાને “માનવસર્જિત” ગણાવી, મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. વિપક્ષે એકસ્વરે સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારની સંસ્કૃતિને જવાબદાર ઠેરવી, રાજ્યભરના જર્જરિત બ્રિજોની તાત્કાલિક તપાસની માગ કરી છે.
ગુજરાતમાં બ્રિજ દુર્ઘટનાઓનો ઈતિહાસ
ગંભીરા બ્રિજ દુર્ઘટના ગુજરાતમાં બ્રિજ તૂટવાની પ્રથમ ઘટના નથી. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 15 બ્રિજ ધરાશાયી થયા છે, જેમાં મોરબી બ્રિજ દુર્ઘટના (2022) સૌથી કરુણ હતી, જેમાં 135 લોકોના મોત થયા હતા. આવી ઘટનાઓએ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની જાળવણીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. ઘણા નાગરિકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જ્યાં એક યુઝરે લખ્યું, “જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ થતી રહેશે.” સ્થાનિકોએ બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે અગાઉથી રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
Montu Patel scam: 5 હજાર કરોડના કૌભાંડી મોન્ટુ પટેલે વિજ્ઞાનીની પેટન્ટ ચોરી
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા








