
Ahmedabad Judge Shoe Thrown: દેશમાં ભારે ચર્ચાસ્પદ બનેલા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઇ પર જૂતુ ફેંકવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાંજ ગુજરાતમાં સેશન્સ કોર્ટના જજ ઉપર જુતું ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આ ઘટના બની હતી, સાતમા માળે આવેલી કોર્ટના એડિશનલ પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.પી.પુરોહિત પર તેમના ચુકાદાથી નારાજ થયેલા ફરિયાદી દ્વારા જુતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.
સુપ્રીમ કોર્ટ બાદ હવે ગુજરાતમાં સેસન્સ કોર્ટમાં આ પ્રકારની ઘટના બનતા રાજયના ન્યાયતંત્રમાં ભારે ચકચાર મચી છે. મામલો શુ હતો તે જાણવા એડવોકેટ જ્યારે કોર્ટ પરિસરમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે વર્ષ 1997માં ગોમતીપુરમાં ક્રિકેટનો દડો વાગવા મુદ્દે થયેલી માથાકૂટ કેસમાં કોર્ટે ચાર આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂકતાં ફરિયાદી નારાજ થઈ ગયા અને જજ ઉપર એક વાર નહિ પણ બે વાર જુતું ફેંકી ભડાશ બહાર કાઢી હતી જોકે,જજે ઉદાર વર્તન કરી જુતું ફેંકનાર સામે કોઈ કાર્યવાહી કરી ન હતી અને માફ કરી દીધો હતો. દરમિયાન ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.
આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં અગાઉ ત.16 ફેબ્રુઆરી 1997ના દિવસે કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા તે વખતે શાકભાજી ખરીદીને પરત ફરી રહેલા સાજીદ અલી નામના વૃદ્ધને બોલ વાગતાં ઝઘડો થયો હતો તે ઉગ્ર બનતા બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી.
ક્રિકેટ રમી રહેલા યુવકોએ ઝગડો કરીને વૃદ્ધ અને તેના પુત્ર તથા અન્ય લોકો પર તલવાર, સ્ટમ્પ અને બેટ વડે હુમલો થતાં મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. દરમિયાન હુમલાનો ભોગ બનનાર ફરિયાદીના પુત્ર જાફર અલીએ ચાર આરોપીઓ વિરૂદ્ધ હથિયારથી હુમલો કરી મારામારી કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન આ કેસમાં વર્ષ 2017માં મેટ્રોપોલિટન કોર્ટે કેસના ચારેય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા, જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં હતી.
આ અપીલની સુનાવણીના અંતે એડિશનલ પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.પી.પુરોહિતે અપીલ ફગાવી દઈ તમામ ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા હતા અને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. જેથી છેલ્લા 28 વર્ષથી કાનૂની લડત લડી રહેલા ફરિયાદીને ન્યાય નહીં મળ્યાની લાગણી અને આઘાતમાં આવી જઈ તેણે આવેશમાં આવી ઉશ્કેરાટમાં પોતાના પગમાં પહેરલા જૂતા કાઢી એક પછી એક એમ બે વખત જૂતા જજ પર ફેંકયા હતા.
અચાનક બનેલી ઘટનાથી વકીલો-પક્ષકારો અને સ્ટાફમાં ભારે ચકચાર મચી હતી અને અસભ્ય વર્તન અંગે તરત જ ફરિયાદીને પકડી તેને કોર્ટમાં જ બેસાડી દઈ કારંજ પોલીસને જાણ કરી હતી. કારંજ પોલીસે આવીને ફરિયાદીની અટકાયત કરી હતી. જો કે, જજ દ્વારા ઉદારતા દાખવી આ મામલે કોઈ ફરિયાદ નહીં કરવા જણાવ્યું હતું.
ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશ દ્વારા જજ પર જૂતા ફેંકવાની ઘટનાને વખોડી કાઢી નિંદા કરવામાં આવી હતી અને રાજય સરકાર, ગૃહ વિભાગ, પોલીસ અને સુરક્ષા એજન્સીને તાત્કાલિક ધોરણે ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ અને કોર્ટ સંકુલોના રક્ષણ માટે સુરક્ષા વધારવા માંગણી કરાઈ હતી.
એસોસિએશને આ પ્રકારના કૃત્યો ન્યાયતંત્રની સ્વતંત્રતા, ગૌરવ, સુરક્ષા અને કામગીરી પર સીધો હુમલો ગણાવતા કહયું કે કાયદાનું શાસન, ન્યાયતંત્રમાં જાહેર વિશ્વાસ અને બંધારણીય શાસન એ સમયની માંગ છે.
કોર્ટ ભય, ધાકધમકી અને હિંસાથી મુકત રીતે કાર્ય કરે છે. ન્યાયિક અધિકારીઓ, કોર્ટ પરિસર અથવા તેમના માળખાને કોઇપણ પ્રકારે ધમકીઓ અથવા હુમલાઓ લોકશાહી અને ન્યાયના પાયાને નબળી પાડે છે. દરમિયાન ગતરોજ તા.14ના રોજ મંગવારે બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.
આ પણ વાંચો:
Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા
Ahmedabad: પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, JG યુનિવર્સિટી ખાતે મોટો હોબાળો









