
Botad Farmer Movement: બોટાદમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હવે મોટું રૂપ લઈ રહ્યું છે અને ભારે હોબાળો મચતાં આમ આદમી પાર્ટીએ સત્તાધારી પાર્ટી સામે ગંભીર આક્ષેપ કરવાનું શરૂ કર્યું છે અને હડદડમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બૂટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે એટલુંજ નહિ પણ આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ જણાવી તરીકે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
આમ આદમી પાર્ટીએ APMCમાં ચાલતી ગેરરીતિ મામલે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે તેમજ આગામી સમયમાં 400થી વધુ APMCને લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે.
આમ આદમી પાર્ટીના કહેવા મુજબ ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા વર્તાવામાં આવેલા ‘કાળા કેર’ અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં ‘કાળો દિવસ’ જાહેર કરીને વિરોધપ્રદર્શનો કર્યા હતા. જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેજ રીતે જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઇ જૂનાગઢ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
વડોદરામાં પણ AAPએ કાળી પટ્ટી પહેરી ભાજપ સરકારના અત્યાચાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી થઈ રહેલી ગેરરીતિ બંધ કરવા માટે ખેડૂતો સાથે મહાપંચાયત કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી જે માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ મહાપંચાયતની મંજૂરી મળી ન હતી.
જોકે, બોટાદ APMCમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકત્ર થઈ જતા ત્યાં જ ખેડૂતો સાથે મહાપંચાયત યોજવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું,
આ ઘટનામાં ગાડીઓમાં તોડફોડ અને પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી હતી. દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી બબાલમાં ભાજપના સમર્થકોએ પણ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.
‘ભાજપના ઈશારે ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો’ હોવાના લાગ્યા આરોપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હડદડ ગામમાં ખેડૂતો અને રાજુ કરપડા પહોંચ્યા હતા.
જ્યાં APMCમાં મંજૂરી ના અપાતાં ગામમાં તમામ લોકો એકઠા થયા હતા, જેથી ત્યાં જ ખેડૂતો સાથે શાંતિપૂર્ણ માહોલમાં સભા કરી હતી પણ આ દરમિયાનજ ભાજપના સમર્થકો અને બૂટલેગરોએ પથ્થરમારો કરતા મામલો બગડ્યો હતો ત્યારબાદ ભાજપના ઇશારે પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને મહિલાઓ સહિત યુવાનો મળી કુલ 250ની ધરપકડ કરવામાં આવી હતી.
આમ આખા ગુજરાતમાં ભાજપની આ પ્રકારની નીતિ રહી છે અને પોલીસનો ઉપયોગ કરે છે તેનો લોકોમાં ભારે રોષ છે. અંગ્રેજો રૂપિયાની લાલચે લોકોને ગુલામી કરાવતા હતા એમ BJP પણ ગુલામી કરવા ફરજ પાડતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચો:
Botad: ‘100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું’, AAP પાર્ટીની જાહેરાત
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ








