
Gujarat politics: ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલાયા બાદ ભાજપમાં આંતરીક જુથબંધી અને અસંતોષનો માહોલ ક્રિએટ થયો છે અને સુરતમાં ભાજપના કાર્યાલયમાં જ બે કાર્યકરો વચ્ચે મારામારી,રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચેની બબાલ તેમજ સિદ્ધપુરમાં પણ બે કાર્યકરો વચ્ચેની માથાકૂટના ઉપરા ઉપરી વીડિયો ઉપરાંત જામનગરના સિક્કા નપાના આઠ ભાજપ કાઉન્સીલર કોંગ્રેસમાં જોડાવાની ઘટના હોય કે પછી પ્રાંતિજમાં ભાજપના યુવા નેતા છોકરી લઈ ભાગી જવાની ઘટના પણ એક વાત નક્કી થઈ ગઈ કે ગુજરાત ભાજપ સંગઠન ઉપર જાણે કોઈનો કંટ્રોલ ન હોય તેવો માહોલ સર્જાયો છે અને હજુતો મંત્રી મંડળનું વિસ્તરણ પણ બાકી છે ત્યારે નારાજ થનારો વર્ગ વધુ મુસીબત ઉભી કરી શકે તેવે સમયે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જવા રવાના થયા હોવાની વાત સામે આવી રહી છે.જોકે, સત્તાવાર રીતે રાજ્ય સરકારે સીએમની દિલ્હી મુલાકાત અંગે કોઈ જાહેરાત કરી નથી પણ રાજકીય વર્તુળોમાં સીએમ ભુપેન્દ્ર પટેલના આ દિલ્હી પ્રવાસને લઈને અનેક તર્ક લાવવામાં આવી રહયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા દિવસોથી ભાજપમાં જે રીતે ઘટનાઓ બની રહી છે અને શિસ્તના લિરા ઉડી રહયા છે તે સિવાયના મંત્રી મંડળના વિસ્તરણ મામલે રૂબરૂ ચર્ચા કરવા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરવા ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે.
હાલમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચાલુ રાખવામાં આવે, પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાય તેવી અટકળો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઇકમાન્ડ એવા પાંચેક મંત્રીને મંત્રીમંડળમાં અકબંધ રાખીને બાકીના 10 જેટલા નેતાને છૂટા કરી શકે છે.મંત્રીમંડળમાંથી કોને કોને સ્થાન આપવું તે નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ લેતા હોય છે, પરંતુ હાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી થશે તેવી શકયતા વચ્ચે જ્ઞાતિ તેમજ જે તે વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી થઈ શકે છે.
મહત્વનું છે કે ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પક્કડ વધારવાનો પ્રયાસ કરી રહી છે,કોંગ્રેસે જિલ્લાકક્ષાએ પોતાનું સંગઠન મજબૂત કરવાની રણનીતિ અપનાવી છે જ્યારે આમ આદમી પાર્ટી એ વિસાવદરનો દાખલો બેસાડી દીધો છે અને ખેડૂત આંદોલન દરમિયાન બોટાદમાં જે થયું તેમાં પણ ભાજપને નુકસાન થઈ શકે અને આપ લાભ લઇ જાય તેવો માહોલ છે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષને હજુ સંગઠનમાં અનુભવ નહિ હોવાથી ક્યાંય કાચું ન કપાય તે માટે ભાજપે ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે.
નવા પ્રમુખે ગુજરાતમાં વિરોધપક્ષોની વધતી જતી સક્રિયતાનો સામનો કરવા માટે સટીક રણનીતિ અપનાવવી પડશે અને છેલ્લા દિવસોમાં જે રીતે ભાજપમાં બની રહ્યું છે તે પાર્ટી માટે ચેતવણીરૂપ છે અને કોઈપણ જાહેરાત વગર જ્યારે ભુપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા છે જે ઘણું સૂચક મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન








