
Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર કામઠા-પથ્થરથી હુમલો કરી દેતા સામે પોલીસે પણ ટીયર ગેસ છોડતા ગામ આખું રણ સંગ્રામમાં ફેરવાઈ ગયું હતું અને આ ઘટનામાં કુલ 47 સરકારી બાબુઓ ઘાયલ થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે.
વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમ કાર્યવાહી માટે ગામમાં પહોંચી ત્યારે ગામલોકોએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા 47 અધિકારી અને કર્મચારીઓને અંબાજી અને પાલનપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે.
આ ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું પાડલીયા ગામ એકાએક ચર્ચામાં આવ્યું છે અને આખી ઘટનામાં મુખ્ય મુદ્દો સર્વે નંબર 9માં આવેલી વન વિભાગની જમીન છે આ જમીન સ્થાનિક લોકો પોતાનો હક હોવાનું કહે છે જ્યારે સરકાર વન વિભાગ હસ્તકની જમીન દફતરે બોલે છે,જેથી વિવાદ ચાલી રહ્યો છે.
હવે સરકાર દ્વારા આ જમીન ઉપર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલુ કરવાનો નિર્ણય લેવાતા વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમ જ્યારે ગામમાં પહોંચી તે સમયેઅચાનક આશરે 500 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું અને સરકારી ટીમને ઘેરી લઈને માથાકૂટ કરી હતી ત્યારબાદ પથ્થરમારો શરૂ કર્યો હતો.જોકે,તોફાન શરૂ થઈ જતા પોલીસે ટીયર ગેસના સેલ છોડયા હતા જેથી ટોળું વધુ ઉશ્કેરાયું હતું હુમલો વધુ આક્રમક બન્યુ હતું,ટોળાએ પથ્થરોજ નહીં ગોફણ અને તીર-કામઠા જેવા પરંપરાગત દેશી હથિયારોનો ઉપયોગ શરૂ કરતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને નિશાન લઈ ટાર્ગેટ કરતા પોલીસ અને વન વિભાગના અનેક કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ટોળાઓએ પોલીસ વાહનો અને સરકારી ગાડીઓને આગ ચાંપી દીધી હતી.આ ધમાલમાં પોલીસ, વન વિભાગ અને રેવન્યુ વિભાગના કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેઓ તમામને તાત્કાલિક અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓને ગંભીર ઇજા થતાં સ્થળ ઉપરજ બેભાન થઈ જતા તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર છે અને સારવાર ચાલુ છે.પોલીસે આ ઘટનામાં કુલ 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે અને ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






