
Pakistan Afghanistan Ceasefire: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વાતચીત દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના વિદેશ મંત્રાલયે આજે આ જાહેરાત કરી છે. બંને દેશોએ સરહદ પર તણાવ ઘટાડવા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે સંકલન વધારવાનો નિર્ણય લીધો છે.
કતારના વિદેશ મંત્રાલયે આજે રવિવારે વહેલી સવારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તુર્કીની મધ્યસ્થી હેઠળ કતારના દોહામાં વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જેનો ઉદ્દેશ્ય એક અઠવાડિયાથી ચાલી રહેલી ભીષણ સરહદ અથડામણનો અંત લાવવાનો છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. સરહદ પર તાજેતરમાં થયેલી લડાઈમાં અનેક લોકોના મોત અને સેંકડો ઘાયલ થયા બાદ આ વાટાઘાટો થઈ હતી.
અફઘાનિસ્તાનમાં 2021થી તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને પડોશી દેશો વચ્ચેની આ સૌથી ગંભીર અથડામણ છે. અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાન પ્રતિનિધિઓ સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં સરહદ પારથી થતા આતંકવાદને રોકવાનો અને પાક-અફઘાન સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો હતો.
ઇસ્લામાબાદે કાબુલ પાસેથી સરહદ પારથી પાકિસ્તાનમાં હુમલા કરનારા આતંકવાદીઓને રોકવાની માંગણી કરતા જંગ શરૂ થઈ ગયો હતો.
જોકે,તાલિબાને આતંકવાદીઓને આશ્રય આપવાની વાત નકારી કાઢી હતી અને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો અને અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથોને ટેકો આપવાનો આરોપ મૂકયો છે.
બીજી તરફ પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢયા અને કહે છે કે આતંકવાદીઓ લાંબા સમયથી સરકારને ઉથલાવી પાડવા અને દેશમાં કડક ઇસ્લામિક શાસન લાદવાનું કાવતરું ઘડી રહ્યા છે.
શુક્રવારે, સરહદ નજીક થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે અફઘાન સરકારે પાકિસ્તાનમાં હુમલા કરવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરતા જૂથોને નિયંત્રિત કરવા જોઈએ.
અફઘાનિસ્તાને અગાઉ જણાવ્યું કે શુક્રવારે યુદ્ધવિરામ લંબાયાના થોડા કલાકો પછી પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા.
કાબુલે કહ્યું કે તેના સૈનિકોને વાતચીત ચાલુ રાખવા માટે જવાબી કાર્યવાહી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પક્તિકા પ્રાંતમાં થયેલા હુમલામાં ત્રણ અફઘાન ખેલાડીઓ માર્યા ગયા હતા.
આ પછી, અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં યોજાનારી T20 ક્રિકેટ શ્રેણીમાંથી ખસી ગયુ છે. જ્યારે પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારનું કહેવું હતું કે આ હુમલાઓમાં માત્ર આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.તેમણે નાગરિક જાનહાનિના દાવાઓને ફગાવી દીધા હતા.
આ પણ વાંચો:
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!









