
Pranab Sen GDP Growth: ભારતના નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાની વાસ્તવિક GDP વૃદ્ધિનો સરકારી અંદાજ જાહેર થયા બાદ તેના આંકડાકીય આધાર અને ગણતરીની પદ્ધતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ બાદ હવે દેશના પ્રથમ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણબ સેને પણ નવી GDP સિરીઝની મેથડોલોજી અને તેમાં વપરાયેલા ડેટાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથેની મુલાકાતમાં સેને કહ્યું કે નવી પદ્ધતિને સંપૂર્ણપણે ખોટી કહી શકાય નહીં, પરંતુ તેને સાબિત કરવા માટે જરૂરી વિગતવાર ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. તેમના મતે શરૂઆતના GDP આંકડા મર્યાદિત માહિતીના આધારે તૈયાર થતા હોવાથી હાલના 7.8 ટકાના આંકડાને અંતિમ સત્ય તરીકે સ્વીકારતા પહેલાં સાવધાની જરૂરી છે.
10% નૉમિનલ GDP અંગે સેને શું કહ્યું?
પ્રણબ સેને જણાવ્યું કે 10 ટકા નૉમિનલ GDP વૃદ્ધિનો અંદાજ તેમને મોટાભાગે યોગ્ય લાગે છે. તેમની મુખ્ય ચિંતા રિયલ GDPની ગણતરીમાં ઉપયોગમાં લેવાયેલા પ્રાઇસ ડિફ્લેટરને લઈને છે.
પ્રાઇસ ડિફ્લેટર દ્વારા નક્કી કરવામાં આવે છે કે GDPમાં થયેલી વૃદ્ધિ વાસ્તવિક ઉત્પાદન વધવાથી થઈ છે કે માત્ર વસ્તુઓ અને સેવાઓના ભાવ વધવાથી. ઉદાહરણ તરીકે ઉત્પાદનનું પ્રમાણ 100 કિલો જ રહે પરંતુ તેની કિંમત 50 રૂપિયાથી વધીને 55 રૂપિયા પ્રતિ કિલો થાય તો નૉમિનલ GDP વધશે, પરંતુ રિયલ GDPમાં વાસ્તવિક ઉત્પાદન વૃદ્ધિ નહીં ગણાય.
ડબલ ડિફ્લેશન પદ્ધતિ પર મુખ્ય સવાલ
નવી GDP સિરીઝમાં સરકારે ડબલ ડિફ્લેશન પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિમાં માત્ર અંતિમ ઉત્પાદનની કિંમતો જ નહીં પરંતુ ઉત્પાદન માટે વપરાતા ઇનપુટ્સની કિંમતોની પણ ગણતરી કરવામાં આવે છે.
સેને કહ્યું કે સિદ્ધાંતની દૃષ્ટિએ આ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલી અને આધુનિક પદ્ધતિ છે, પરંતુ તેને યોગ્ય રીતે લાગુ કરવા માટે વિશાળ પ્રમાણમાં ઇનપુટ-પ્રાઇસ ડેટા જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ તેમને એવો પુરાવો મળ્યો નથી કે આટલા મોટા પ્રમાણમાં જરૂરી ડેટા સરકાર પાસે ઉપલબ્ધ છે.
PPIના ડેટાને લઈને પારદર્શિતાનો પ્રશ્ન
સેને ખાસ કરીને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે PPI અંગે સવાલ કર્યો છે. જો નવી GDP ગણતરીમાં ઇનપુટ કિંમતો માટે PPIનો ઉપયોગ થયો હોય તો તેનો વિગતવાર ડેટા જાહેર કેમ કરવામાં આવ્યો નથી, તે તેમણે પૂછ્યું.
તેમણે યાદ અપાવ્યું કે ભારતમાં લગભગ બે દાયકા સુધી PPI તૈયાર કરવો મુશ્કેલ રહ્યો હતો, કારણ કે કંપનીઓ પોતાની વાસ્તવિક ઉત્પાદન કિંમતો જાહેર કરવા માટે તૈયાર નહોતી. એક જ વસ્તુ અલગ ગ્રાહકોને અલગ ભાવે વેચાતી હોવાથી PPI તૈયાર કરવો પણ સરળ નથી. તેથી જો સરકાર પાસે આ માહિતી હવે ઉપલબ્ધ થઈ છે તો સંશોધકો માટે તેને જાહેર કરવી જોઈએ, તેમ સેને જણાવ્યું.
નવી અને જૂની GDP પદ્ધતિના આંકડા સાથે જાહેર કરવાની માંગ
પ્રણબ સેને કહ્યું કે નવી આંકડાકીય પદ્ધતિ લાગુ કરતી વખતે થોડા સમય માટે જૂની અને નવી બંને પદ્ધતિના આંકડા સમાંતર રીતે જાહેર કરવા જોઈએ. આથી નિષ્ણાતો બંને આંકડાની તુલના કરી શકે અને નવી પદ્ધતિથી કેટલો ફેરફાર થયો છે તે સમજી શકે.
તેમણે કહ્યું કે વિશ્વાસ માત્ર સરકારી દાવાથી નહીં, પરંતુ પારદર્શિતા અને તુલનાત્મક ડેટાથી ઊભો થાય છે. તેમના મતે અચાનક જૂની પદ્ધતિ છોડીને નવી પદ્ધતિ લાગુ કરવાથી નિષ્ણાતો માટે તેની સ્વતંત્ર ચકાસણી મુશ્કેલ બને છે.
મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિના આંકડા પર પણ ચર્ચા
નવી GDP સિરીઝ મુજબ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 9.2 ટકા વાસ્તવિક વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે સંબંધિત ડિફ્લેટર -1.5 ટકા દર્શાવવામાં આવ્યો છે. સેને કહ્યું કે ડબલ ડિફ્લેશન પદ્ધતિને કારણે આવું પરિણામ શક્ય છે. જૂની સિંગલ ડિફ્લેશન પદ્ધતિમાં આ પ્રકારનું પરિણામ જોવા મળવાની શક્યતા ઓછી હોત.
GDP ડિફ્લેટર અને WPIના તફાવત પર સવાલ
GDP ડિફ્લેટર અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI વચ્ચેના તફાવત અંગે પણ સવાલો ઊઠ્યા છે. જ્યારે WPI લગભગ બે આંકડાના સ્તરે હતો, ત્યારે GDP ડિફ્લેટર માત્ર 2.5 ટકા કેવી રીતે રહ્યો તે અંગે સેને પણ શંકા વ્યક્ત કરી.
તેમણે સ્વીકાર્યું કે નવી પદ્ધતિને કારણે બંનેમાં કેટલાક તફાવત સ્વાભાવિક હોઈ શકે છે, પરંતુ આટલો મોટો તફાવત કેમ છે તેની સરકાર તરફથી વિગતવાર સ્પષ્ટતા આવવી જોઈએ.
ગર્ગની ટીકા સાથે સંપૂર્ણ સહમત નથી
સુભાષ ચંદ્ર ગર્ગે અગાઉ GDPના જૂના આંકડામાં થયેલા મોટા સુધારાઓ અંગે સવાલ ઉઠાવ્યા હતા. જોકે પ્રણબ સેને તેમની તમામ ટીકાઓ સાથે સહમતિ દર્શાવી નથી. તેમણે કહ્યું કે આધાર વર્ષ બદલાય ત્યારે અગાઉના આંકડામાં સુધારા થવા સામાન્ય છે. આ વખતે સુધારો મોટો છે, પરંતુ શક્ય છે કે અગાઉ વૃદ્ધિનો અંદાજ વધારે લગાવવામાં આવ્યો હોય અને નવી ગણતરીમાં તેને સુધારવામાં આવ્યો હોય.
સરકાર પાસેથી વિગતવાર ડેટા જાહેર કરવાની માંગ
પ્રણબ સેને સરકાર પાસે નવી GDP સિરીઝની સંપૂર્ણ મેથડોલોજી જાહેર કરવાની માંગ કરી છે. તેમાં PPI કેવી રીતે તૈયાર થયો, ડબલ ડિફ્લેશન માટે ઇનપુટ કિંમતોનો ડેટા ક્યાંથી મળ્યો અને સપ્લાય-યૂઝ ટેબલનો ઉપયોગ કેવી રીતે થયો તેની માહિતી સામેલ હોવી જોઈએ.
તેમણે બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં રાષ્ટ્રીય આવકના વિગતવાર આંકડા સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. ભારતમાં પણ સંશોધકોને જરૂરી ડેટા આપવામાં આવે તો તેઓ GDPની ગણતરી સ્વતંત્ર રીતે ચકાસી શકે અને સરકારી આંકડાઓ પર વિશ્વાસ વધુ મજબૂત થઈ શકે.








