
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્રારા પશુપાલકોને ભાવફેર ઓછો ચુકવવામા આવતા પશુપાલકોમા રોષ ફાટી નિકળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.
દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું
ગઈ કાલે પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું હતું. પશુપાલકોના વિરોધ પ્રદર્શનથી હાઇવે અસરગ્રસ્ત થયો હતો. ભાવફેરની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે.
પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતુ ઘર્ષણ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ હિંસક બન્યો છે. ગઈ કાલે ન્યાયની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા હતા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાબર ડેરી ખાતે વિરોધ કર્યા બાદ પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ કરતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ત્યારે પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું#Sabarkantha #Dairyfarmers #Protest #thegujaratreport pic.twitter.com/R0lDZiKl6F
— The Gujarat Report (@TGujarat_Report) July 15, 2025
ડેરી આગળ દુધ ઢોળી ચેરમેનના છાજીયા લીધા
પ્રાંતિજના બાલીસણા ગામે પશુપાલકો દ્રારા દુધ ડેરીમા ભરાવવા ને બદલે ગામમા આવેલ ડેરી આગળ દુધ ઢોળીને વિરોધ કર્યો અને પશુપાલકોએ દુધ ઢોળી સાબરડેરીના ચેરમેનના છાજીયા લીધા હતા.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પશુપાલકોના સમર્થનમાં જોડાયા
મહત્વનું છે કે, આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી. પશુપાલકોનો આક્રોશ શા માટે? પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે, પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા? શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ધૂમી રહ્યા છે.
અહેવાલ: ઉમંગ રાવલ








