
Sikkim Tunnel Collapse: સિક્કિમના નામચી જિલ્લામાં બની રહેલી એક વિશાળ ટનલમાં અચાનક ભૂસ્ખલન થવાની એક અત્યંત દુઃખદ દુર્ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા આઠ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે અને હજુ પણ અનેક લોકો ટનલની અંદર ફસાયેલા હોવાની ભારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી (Rescue Operation) પૂરજોશમાં ચાલી રહી છે. અહેવાલ મુજબ, આ ભયાનક અકસ્માત સોમવારે સમરડુંગ નજીક આવેલી તીસ્તા સ્ટેજ-૬ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની નિર્માણાધીન સાત કિલોમીટર લાંબી ટનલની અંદર સર્જાયો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સુરક્ષા અને કામદારોની સલામતી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નિયમિત નિરીક્ષણ માટે ટનલમાં ગયા હતા વરિષ્ઠ અધિકારીઓ અને મજૂરો
પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) અને આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહેલી પટેલ એન્જિનિયરિંગ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સહિત કુલ ૨૫ થી ૩૮ જેટલા લોકો નિયમિત નિરીક્ષણ માટે ટનલની અંદર ઉપસ્થિત હતા. અખબારના જણાવ્યા મુજબ, સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જંગલ અને પહાડી વિસ્તારની જમીન અત્યંત અસ્થિર બની ગઈ હતી, જેના કારણે આ ભૂસ્ખલનની ઘટના બની હતી. વરસાદના કારણે જમીન સરકવાથી માત્ર અકસ્માત જ નથી સર્જાયો પરંતુ રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ટનલની અંદર અચાનક ઝેરી ગેસ લીક થવાની આશંકાએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનને વધુ જટિલ અને જોખમી બનાવી દીધું છે.
ટનલમાં ફસાયા હતા ૪૩ મજૂરો, ૧૬ સુરક્ષિત બહાર કઢાયા
અહેવાલો અનુસાર, સમરડુંગ ટનલમાં કુલ ૪૩ મજૂરો ફસાઈ ગયા હતા, જે આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો કે રાહતની વાત એ છે કે તાત્કાલિક હરકતમાં આવેલી રેસ્ક્યુ ટીમોએ તેમાંથી ૧૬ લોકોને સકુશળ અને સુરક્ષિત રીતે બહાર કાવામાં સફળતા મેળવી છે. ‘ધ ટેલિગ્રાફ’ના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે ટનલનો મુખ્ય પ્રવેશદ્વાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે અંદર કામ કરી રહેલા મજૂરો ત્યાં જ અંદર ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે અંદરથી ગેસ લીક થવાની પણ ગંભીર આશંકા સેવાઈ રહી છે, જો કે આ ગેસ કોઈ પાઇપલાઇનમાંથી લીક થયો કે પછી ભૂસ્ખલનના કારણે ખસેલી ચટ્ટાનોમાંથી કુદરતી રીતે બહાર આવ્યો, તે હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી.
સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન અને ગેસ માસ્કનો ઉપયોગ
આ દુર્ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની કુશળ ટીમોએ તાત્કાલિક સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. બચાવકર્મીઓએ ટનલની અંદર પ્રવેશ કરતી વખતે ઝેરી ગેસની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખાસ ગેસ માસ્કનો ઉપયોગ કર્યો હતો જેથી જીવનું જોખમ ટાળી શકાય. બાદમાં સાંજે સિક્કિમ પોલીસે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી હતી કે રેસ્ક્યુ ટીમોએ ૧૬ ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા છે. પોલીસે આ ઓપરેશનનો એક વિડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બચાવ કામગીરી કેટલી જોખમી અને પડકારજનક પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અધિક્ષકનું નિવેદન: આઠ મૃતદેહ બહાર કઢાયા, હજુ ૧૯ મજૂરો ફસાયા
અહેવાલ મુજબ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સોનમ ડોમા ભૂટિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, “અમે અત્યાર સુધીમાં આઠ મજૂરોના શબ ટનલમાંથી બહાર કાઢ્યા છે અને હજુ પણ એવી પ્રબળ આશંકા છે કે ૧૯ જેટલા લોકો ટનલની અંદર ફસાયેલા હોઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે આ રેસ્ક્યુ ઓપરેશન સોમવાર આખી રાત અવિરત ચાલુ રહ્યું હતું અને ભારે જહેમત બાદ મૃતદેહોને મંગળવારે વહેલી સવારે બહાર કાઢી શકાયા છે. સતત વરસી રહેલા વરસાદ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મોટા પાયે અવરોધો ઊભા થઈ રહ્યા છે. ખરાબ હવામાન અને વિસ્તારની અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે રેસ્ક્યુ ટીમની શરૂઆતની ત્રણ કોશિશો નિષ્ફળ પણ ગઈ હતી, છતાં જવાનો જીવના જોખમે કામ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તામાંગની સંવેદના અને બચાવ કામગીરીને વેગ આપવાના આદેશ
આ ગંભીર દુર્ઘટના પર સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તામાંગે ઊંડો શોક અને વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં રેસ્ક્યુ ઓપરેશન માટે ઉપલબ્ધ તમામ આધુનિક સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અપ્રમાણિત અફવાઓ ન ફેલાવે અને અસરગ્રસ્ત પરિવારોની સાથે એકજૂટ થઈને ઉભા રહે. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે આ દુઃખદ ઘટનાથી તેઓ અત્યંત વ્યથિત છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રશાસન તમામ સંભવિત મદદ પૂરી પાડે અને બચાવ કામગીરીમાં સુરક્ષાના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરીને ઝડપ લાવવામાં આવે.
આ પણ વાંચો:








