
અજબ ગજબ: કર્ણાટકના પાટનગર બૅંગલુરુમાં હાઈ-ફાઈ મહિલા ચોર પકડાઈ છે. આ મહિલાએ લોકોને છેતરીને 30 કરોડ રૂપિયા સેરવી લીધા છે. આ મહિલા સવિતા જી.એ બૅંગલુરુમાં કિટી પાર્ટીઓ યોજીને વીસેક મહિલા સાથે મિત્રતા કેળવીને પછી છેતરી લીધી છે. સવિતા જાતજાતના સમારંભોમાં જતી અને ધનવાન મહિલાઓનો વિશ્વાસ જીતી લેતી. એ પછી એ મહિલાઓને રોકાણ અને વળતરની લાલચ આપીને શિકાર બનાવતી. યુએઈમાં રોકાણ કરવાનું કહીને સવિતા અમીર મહિલાઓને રોકાણના બદલામાં જંગી અને ડબલ રીટર્ન આપવાના નામે છેતરતી હતી. મહિલાઓ વિશ્વાસ કરે એ માટે સવિતા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેટલાક મંત્રીઓ સાથે ગાઢ સંબંધો હોવાનો દાવો પણ કરતી હતી.
પોલીસે સવિતાની ગઠિયાબાજી ખુલ્લી પાડી છે. પોલીસનું કહેવું છે કે અમેરિકામાં નજીવી કિંમતેથી સોનું મંગાવવાના દાવા કરીને સવિતાએ અમીર મહિલાઓ પાસેથી 50 લાખથી અઢી કરોડ રૂપિયા પડાવ્યા છે. રૂપિયા લઈ લીધા પછી સોનું પણ મગાવ્યું નહોતું ને રૂપિયા પાછા પણ આપ્યા નહોતા. મહિલાઓ રૂપિયા પાછા માગતી ત્યારે બહાનાં કાઢીને વાત ટાળી દેતી હતી.
સવિતા સામે પહેલાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. અત્યારે કરાયેલી ફરિયાદમાં કુસુમા નામની મહિલાએ આરોપ મૂક્યો છે કે એણે 95 લાખ રૂપિયા ગુમાવ્યા છે. કુસુમાએ લાંબા સમયના સંબંધોને કારણે રોકડ રકમ આપી હતી અને ભગવાન સતીશજી નામના કોઈ માણસનો હવાલો આપીને રકમ બે વર્ષમાં ચારગણી કરી આપવાનું કહ્યું હતું.
બૅંગલુરમાંથી ઠગ મહિલા પકડાઈ એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં કરોડોનું ઉઠમણું કરીને ભાગી ગયેલા ગુરનામ સિંહને યુપી પોલીસ પંજાબથી પકડી લાવી છે. ગુરનામ સિંહે પીએસીએલ કંપની ખોલીને ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યમાં રોકાણકારો પાસેથી 49 હજાર કરોડ ઉઘરાવ્યા અને પછી રાતોરાત ગાયબ થઈ ગયો હતો.
સીબીઆઇએ પણ ગુરનામની ધરપકડ કરી હતી. પછી જામીન પર છૂટીને એણે એગ્રોટેક કોર્પોરેશન લિમિટેટ નામની પીએસીએલ કંપની ખોલી હતી. ઉત્તર પ્રદેશની પોલીસ 7 વર્ષ જૂના 250 કરોડના ઠગાઈ કેસમાં ગુરુનામ સિંહને શોધતી હતી. એ કેસમાં કોલકાતાથી પ્રેમ પ્રકાશ સિંહને પણ પકડી લીધો છે. ડીજી નીરા રાવતના કહેવા પ્રમાણે ગુરનામ સિંહે કરેલી છેતરપિંડી અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક કૌભાંડ છે. ગુરનામે અંદાજે પાંચેક કરોડ લોકોને ઠગ્યા છે. આ કેસમાં સીબીઆઇએ ચાર આરોપીને પહેલાં પકડી લીધા હતા.
પોલીસ ગુરનામને 2018થી શોધતી હતી. ગુરનામે પીએસીએલ કંપનીઓ ખોલીને 10 રાજ્યના લોકોને જંગી વળતર આપવાની લાલચે 49 હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. એ પછી એકાએક દરેક રાજ્યોમાં કંપનીની કચેરીઓએ તાળાં લાગી ગયાં હતાં અને ગુરનામ ભાગી ગયો હતો. આ આર્થિક કૌભાંડનો પડઘો સંસદમાં પણ પડ્યો હતો. આ કંપનીમાં રોકાણ કરવા સામે સેબીએ રોકાણકારોને ચેતવ્યા હતા છતાં લાલચમાં આવીને કરોડો લોકોએ રૂપિયા ગુમાવ્યા હતા. એ સમયે કૌભાંડની તપાસ અને રોકાણકારોને રકમ પાછી આપવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટે સમિતિ પણ રચી હતી.
નીરા રાવતે કહ્યું કે વી કેર મલ્ટી ટ્રેડ પ્રા. લિ. થકી વીમો લેનારાના બહાને રોકાણકારોના 25 કરોડ રૂપિયા હડપ કરીને ભાગી ગયેલો ઝારખંડનો આરોપી પ્રેમ પ્રકા સિંહ પણ પકડાઈ ગયો છે. આ કેસમાં કુલ 26 આરોપી સામે ગુનો નોંધાયો હતો. સરકારનો આદેશ થતાં 2015થી કેસની તપાસ ચાલી રહી છે અને 19 આરોપી પકડાઈ ગયા છે જ્યારે 1 આરોપી મૃત્યુ પામ્યો છે. 2 આરોપીની શોધખોળ ચાલી રહી છે.








