
Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના રેકેટની ધરપકડ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડનગર વિસ્તારમાં ધમધમતા એક ગેરકાયદે કારખાનામાં જાણીતી બ્રાન્ડ્સ ‘રજનીગંધા’ અને ‘તુલસી’ના ડુપ્લિકેટ પાન-મસાલા બનાવીને બજારમાં વેચવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. લસકાણા પોલીસે રાત્રે ચાલતા આ કારખાના પર રેડ પાડી 10 લાખ રૂપિયાની કિંમતનો કાચો માલ, ઉત્પાદન મશીનો અને એક શખ્સની ધરપકડ કરી છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
રાત્રે ચાલતું ગેરકાયદે કારખાનું
લસકાણા પોલીસ અને નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિકે સંયુક્ત ઓપરેશન હેઠળ ડાયમંડનગરના કળથિયા કોર્પોરેશન-3માં આવેલા આ કારખાના પર દરોડો પાડ્યો હતો. ધર્મપાલ સત્યપાલ લિમિટેડને ‘રજનીગંધા’ અને ‘તુલસી’ બ્રાન્ડના ડુપ્લિકેટ ઉત્પાદનોને શોધી કાઢવા માટે ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી. આ એજન્સીની ચોકસાઈથી ખબર પડી હતી કે સુરતના આ વિસ્તારમાં નકલી પાન-મસાલાનું ઉત્પાદન થઈ રહ્યું છે. પોલીસે દરોડા દરમિયાન કારખાનામાંથી 5.4 કિલો લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન અને ‘રજનીગંધા’ તથા ‘તુલસી’ના સ્ટિકરવાળા ડુપ્લિકેટ પાઉચનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 6 કિલોથી વધુ ફ્લેવર એસેન્સ પણ મળી આવ્યું, જેનો ઉપયોગ નકલી પાન-મસાલાને અસલી જેવી ગંધ આપવા માટે કરવામાં આવતો હતો.
ઓનલાઈન વેચાણનું રેકેટ
ધર્મપાલ સત્યપાલ લિમિટેડને ખબર પડી હતી કે તેમની બ્રાન્ડના નકલી ઉત્પાદનો ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વેચાઈ રહ્યા છે. આ રેકેટને ઝડપવા માટે કંપનીએ મોટા પાયે ઓનલાઈન ઓર્ડર્સ આપી, પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું આ સરનામું શોધી કાઢ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ કારખાનું રાત્રે જ ચાલતું હતું, જેથી કોઈને શંકા ન જાય. આ કારખાનામાં કામ કરતા રમેશ હરિ ભેસરફાલ (રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલ રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં રમેશે જણાવ્યું કે આ કારખાનું જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)નું છે, જેના માટે તે માલની સપ્લાયનું કામ કરે છે. જયેશ પડસાળાએ પોતાની બ્રાન્ડ ‘નાઈન્થ રોક’ રજિસ્ટર્ડ કરાવી હતી અને છ મહિના પહેલાં આ દુકાન ભાડે લઈને ગેરકાયદે ડુપ્લિકેટ પાન-મસાલાનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
ચાર દિવસ પહેલાં નકલી શેમ્પૂ ઝડપાયું હતુ
આ ઘટનાના માત્ર ચાર દિવસ પહેલાં સુરતના કામરેજ તાલુકાના નવાગામ ખાતે નવકાર ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં નકલી ‘હેડ એન્ડ શોલ્ડર’ શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. કામરેજ પોલીસે દરોડા દરમિયાન મુકંદ હસમુખભાઈ માવાણીની ધરપકડ કરી હતી, જેની પાસે શેમ્પૂ ઉત્પાદનનો કોઈ પરવાનો મળ્યો ન હતો.
લસકાણા પોલીસે જયેશ પડસાળાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. આ રેકેટની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે ઓનલાઈન વેચાણના નેટવર્કમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો:
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, ‘રશિયાએ 150 ડ્રોનથી હુમલો કર્યો’
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?