
Surat: રાજ્યમાં આજકાલ આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતે પણ લોકો આપઘાત કરી રહ્યા છે થોડા સમય પહેલા અમદાવાદમાં એક યુવકે ટ્રક નીચે સુઈ જઈને આપઘાત કરી લીધો હતો ત્યારે આવી જ ઘટના સુરતમાંથી પણ સામે આવી છે.
ચાલતી ટ્રકની નીચે સુઈ ગયો યુવક
મળતી માહિતી મુજબ સુરતના પુણાગામ વિસ્તારમાં ખેતલાઆપા ટી-સ્ટોલ પાસે એક યુવકે આઈસર ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતાં યુવકને ગંભીર ઈજાઓ થઈ, જેના કારણે તેનું સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. આ ઘટનાનું હૃદયદ્રાવક દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જે સામે આવ્યું છે. આપઘાતનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતક કાપડના કારખાનામાં કરતો હતો કામ
31 વર્ષીય મૃતક નિલેશ ભાવેશભાઈ વાઘમશી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડલી ગામનો વતની હતો. હાલ તે પુણાગામની સીતાનગર સોસાયટીમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતો હતો. નિલેશ વર્ષોથી ભાઈ સાથે મળી કાપડના કારખાનામાં કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે ટેકો આપતો હતો.
બહેનના સસરાને માવો લેવા મોકલી, ટ્રકની રાહ જોતો હતો
ગત 14 જુલાઈ, સોમવારે નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો. પરત ફરતી વખતે તે બાઈક પર બહેનના સસરા સાથે પુણા કંગારુ સર્કલ નજીક આવ્યો. ત્યાં ખેતલાઆપા ટી-સ્ટોલ પાસે નિલેશે બાઈક રોકી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા. આ દરમિયાન તે રોડ પર ઉભો રહી મોટા વાહનની રાહ જોતો હતો. જેવું જ આઈસર ટ્રક આવ્યું, નિલેશે તેની નીચે પડતું મૂક્યું.
ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજમાં આ આખી ઘટના કેદ થઈ છે. નિલેશ બાઈક લઈને આવે છે અને બહેનના સસરાને માવો લેવા મોકલે છે. તે પછી તે કોઈને ફોન કરે છે, કોલ કટ કરી મોબાઈલ ખીચામાં મૂકે છે અને મોટા વાહનની રાહ જુએ છે. ટ્રક નજીક આવતાં જ તે ઝડપથી તેની સામે દોડે છે અને પાછળના ટાયર નીચે સૂઈ જાય છે. ટાયર ફરી વળતાં નિલેશને ગંભીર ઈજાઓ થાય છે, અને થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થાય છે. આસપાસના લોકો અને માવો લઈને પાછા ફરેલા બહેનના સસરા ઘટના જોઈ દોડી આવે છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટના બાદ નિલેશને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આપઘાતનું ચોક્કસ કારણ હજુ અજાણ્યું છે. પુણા પોલીસે નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈ, આપઘાતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમા ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો અને તેમા્ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પણ સીસીટીવી સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે, 35 વર્ષનો એક યુવક રસ્તા પર આવેલી પાર્ક કરેલી ટ્રક પાસે ઉભો હતો. તેણે ટ્રક શરૂ થવાની રાહ જોઈ, અને જેવી ટ્રક ચાલુ થઈ, તે ઝડપથી ટ્રકના ટાયર નીચે સૂઈ ગયો. ટ્રક ચાલકને આની જાણ થાય તે પહેલાં જ ટ્રક યુવક પરથી પસાર થઈ ગઈ, અને માત્ર ગણતરીની સેકેન્ડોમાં યુવકના ઘટના સ્થળે રામ રમી ગયા.આ ઘટના એટલી ઝડપી બની કે આસપાસના લોકો અને ટ્રક ડ્રાઈવરને યુવકને રોકવાનો સમય જ ન મળ્યો. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.ઓઢવ પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતના ગુના તરીકે નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:








