
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે. તેમના દ્વારા આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયે સંજેલી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. જો કે આદિવાસી સમાજે વિરોધ કરતા પત્રકાર જગદીશ મહેતાએ માફી પણ માંગી છે તેમ છતા આદિવાસી સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પત્રકાર જગદીશ મહેતા સામે પોલીસમાં અરજી
મળતી માહિતી મુજબ જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે. આ નિવેદનોમાં આદિવાસીઓની આધુનિક જીવનશૈલી અને સંસ્કૃતિનું અપમાન થયું હોવાનું સમાજનું માનવું છે. આ બાબતે આદિવાસી સમાજે એકજૂટ થઈને પોલીસમાં અરજી આપી છે જેમાં જગદીશ મહેતા સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરવામાં આવી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અરજીમાં જગદીશ મહેતાના નિવેદનોને આદિવાસી સમાજની લાગણી દુભાવવાના આરોપ હેઠળ ગણવામાં આવ્યા છે.
ફરી વિચારો :-
——— #RahulGandhi
બીજી બાબતે અસહમત હોઈ શકીએ પણ તુષાર અમરસિંહ ચૌધરી અંગે પત્રકાર જગદીશ મહેતાએ સાચુ કહ્યું છે. અમરસિંહ ચૌધરીએ જંગલો કાપીને રાજ કર્યું હતું. તેનો કેસ ફોરેસ્ટ અધિકારી ગોવિંદ પટેલના અહેવાલો અને દસ્તાવેજોના આધારે લોકાયુક્તમાં થયો. જેનો આપેલો ચૂકાદો… pic.twitter.com/TPwpLecTQ6— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) July 23, 2025
જગદીશ મહેતા સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતાએ આપ્યું આવેદન
પત્રકાર જગદીશ મહેતા સામે આદીવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન રાજેન્દ્રભાઇ. પારઘીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી વિશે અપમાન જનક ટીકા કરવા બદલ તેમજ આદિવાસી. સમાજ વિશે અપમાન જનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હોવાથી આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગ કરી છે આ સાથે જો કાર્યવાહી કરવામાં નહીં આવેતો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે.
જગદીશ મહેતાએ શું કહ્યું?
જગદીશ મહેતાએ તુષાર ચૌધરી વિશે વાત કરતા જણાવ્યું કે, તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણુ લાગે છે ખરુ ? કોઈ એંગલથી આદિવાસી દેખાય છે? તમે એના મકાન જુઓ, તેની રહેણી કહેણી જુઓ. માલમલીદા ખાય અને ટેસડા ખાઈને ગલોલા જેવા થઈને ફરે છે. ક્યાં આદવાસી કાળા ભંમર, હાથમાં તીર કામઠા અને અર્ધભગ્ધ વસ્ત્રો , ઉઘાડા પગ , માથામાં ફાળીયું બાંધેલુંને, જંગલમાં રે, જાનવરો સાથે બાથડા ભરવાના અને જીવ હટોહટ લડવાનું , ક્યાં તે આદિવાસી અને ક્યાં આ ભાઈ, તુષારભાઈ જેને મખમલની ગાદી પર પગ પડે છે અને તે ક્યાય મેળ પડે આદિવાસીનો.
આદિવાસી સમાજના અગ્રણીઓએ શું કહ્યું?
આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આવા નિવેદનો સમાજની અસ્મિતા અને પ્રગતિને હાની પહોંચાડે છે, અને તેઓ આ મામલે કડક કાર્યવાહીની માગ કરે છે. આદિવાસી સમાજના અગ્રણીએ જણાવ્યું કે, પત્રકાર જગદીશ મહેતા કોંગ્રેસના નવા નિમાયેલા નેતા તુષાર ચૌધરીની વાત કરતા કરતા આદિવાસી સમાજ વિશે ખુબ અભદ્રભાષામાં વાત કરી છે. જેથી સંજેલી પોલીસ સ્ટેશન ખાતે જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા સામે ફરિયાદ દાખલ કરવામા આવે તેવી રજૂઆત કરી છે. આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર જગદીશ મહેતાને કોણે આપ્યો? વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ભુતકાળમાં દલિત સમાજ વિશે પણ આવી ટિપ્પણી કરી હતી અને માફી માંગી હતી ત્યારે અમે આ વખતે કોઈ પણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં. અને આ પત્રકાર વિરુદ્ધ 48 કલાકમાં ગુનો દાખલ કરવામા નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાનો આદિવાસી સમાજ ભેગો થઈને દોહોદ પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કરીશું.
પત્રકાર જગદિશ મહેતાએ માફી માંગી
જગદીશ મહેતાએ કહ્યું કે, મે ડિબેટમાં એવું કહ્યું હતુ કે, અમરસિંહ ચૌધરીના પુત્રને આદિવાસીના નેતા બનાવ્યા તેમાં હું આદિવાસીઓનું ભલુ જોતો નથી. જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાની ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુખી છે અને તે દુખી કેવા પ્રકારના છે તે બતાવવા માટે મે એમ કહ્યું હતુ કે, જે જંગલમાં જીવે છે તીર કામઠા લઈને , પગ ઉઘાડા હોય છે કપડા ઓછા પહેવા મળે છે અથવા તો કાળાભમ્મર છે. કાળાભમ્મર છે તે કોઈ વાનની ટીકા નહોતી તેની ગરીબી કેવા પ્રકારની છે હજી કેટલા વંચિત છે તે લોકોને કેવા પ્રકારની તે લોકોને વિકાસથી કેટલા વંચિત છે તે કહેવા માટે મેં અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ તેમાં તે આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા , ખરા આદિવાસી તો આ લોકો છે જે હજુ મુશ્કેલીમાં જીવે છે મારો કહેવાનો અર્થ તે હતો કે, આદિવાસીઓનું ભલુ કોઈ પણ રાજીકીય પક્ષ ઈચ્છતા હોય તો તેને આવા લોકો એટલે કે જે હજી ગરીબીમા જીવે છે તેને આગળ લાવવાની જરુર હતી તેવો મારો આશય હતો મારે તેને વિનમ્રતા પૂર્વક કહેવું જોઈએ. મે કોઈની ટીકા નથી કરી. તેમ છતા કોઈની લાગણી દુભાઈ હોય તો ખરા દિલથી ક્ષમા યાચના કરું છું.
આ વિવાદે ફરી એકવાર મીડિયા અને જાહેર વ્યક્તિઓ દ્વારા સમાજના સંવેદનશીલ મુદ્દાઓ પર ટિપ્પણી કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. આગામી દિવસોમાં આ મામલે પોલીસ અને સંબંધિત અધિકારીઓ શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી