
Rain Alert: ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ છે, હવામાન નિષ્ણાતોના મત મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા હોય તા.20મીએ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ આજે તા.23 ફેબ્રુઆરીના રોજ સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
જ્યારે ગાંધીનગરમાં પણ ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે,ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને ખેતરમાં ઉભા પાક ઘઉં, કપાસ,તુવેર અને શાકભાજીને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે,હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાના અંતમાં શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ અરબી સમુદ્ર અને ઉત્તર ભારત તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહયા છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે પાંચ જિલ્લાઓમાં નાઉકાસ્ટ જાહેર કર્યું હતું તેમાં સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી આવા વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા અને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.










