
Etawah News: ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભાગવત કથા દરમિયાન કથાકાર મુકુટ મણિ યાદવ અને તેમના સહાયક કથાકારને તેમની જાતિ પૂછ્યા બાદ માર મારવામાં આવ્યો હતો. તેમના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. જો કે હવે સમાચાર મળી રહ્યા છે કે આ હુમલાનો ભોગ બનેલા બંને કથાકારો લાપતા છે. તેમનો ક્યાય પત્તો નથી. તેમના ફોન સ્વીચ ઓફ છે. બીજી તરફ જે ઘરે કથા કહેવા ગયા હતા તે ઘરની મહિલાએ કથાકારો પર છેડતીનો આરોપ મૂકતાં મામલો વધુ બિચકાયો છે.
આ બે કથાકારોને માર મારવાના કેસમાં ઝાંસી પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે પોલીસ કથાકારોના ઘરે પહોંચી ત્યારે તેમને ઘર બંધ જોવા મળ્યું. પછી પોલીસે બંનેને ફોન કર્યો ત્યારે તેમના ફોન બંધ હતા. આ પછી જ્યારે પોલીસે લોકો પાસેથી બંને વિશે માહિતી લીધી છે, ત્યારે જાણવા મળ્યું કે મુકુટ મણિ યાદવ અને સંત યાદવ ઘટના પછીથી તેમના પરિવારો સાથે ગુમ છે.
90 દિવસમાં રિપોર્ટ પોલીસને સોંપવાનો છે
ઇટાવામાં મારપીટ, વાળ કાપવા અને કથિત રીતે પેશાબ છંટકાવ અંગે કેસ નોંધાયા બાદ તપાસ ઝાંસી પોલીસને સોંપવામાં આવી છે. ઝાંસીના એસએસપી બીબીજીટીએસ મૂર્તિએ પૂંછ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જેપી પાલને આ તપાસ ટીમના ઇન્ચાર્જ બનાવ્યા છે, જેમણે 90 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સુપરત કરવાનો છે.
તપાસ ટીમ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ઇટાવા પહોંચી હતી. ટીમે ઘટના સ્થળ અને ગામનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક ગ્રામજનો સાથે વાત કર્યા બાદ તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ પછી તપાસ ટીમના ઇન્ચાર્જ કથાકારોએ આપેલા સરનામે અચલદા ગામ પહોંચ્યા. પરંતુ, તેમના ઘરોને તાળાં લાગેલા જોવા મળ્યા. જ્યારે ફોન પર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમના ફોન પણ બંધ હતા. જેથી હવે પોલીસને તપાસમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ તેમને શોધી રહી છે.
હુમલામાં નવો મુદ્દો ચગ્યો
આ સમગ્ર વિવાદમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે બંને કથાકારોના બે આધાર કાર્ડ મળી આવ્યા છે. આ બંને આધાર કાર્ડનો નંબર એક જ હતો અને તેના પર એક જ વ્યક્તિનો ફોટો પણ હતો, પરંતુ તેના પરના નામ અલગ અલગ હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
કથાકારો પર મહિલાએ લગાવ્યો ‘છેડતી’નો આરોપ
આ કેસમાં એક મહિલા રેણુ તિવારીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને કહ્યું છે કે આ કથાકારો કથા કહેવા માટે તેમના ઘરે આવ્યા હતા. રેણુ તિવારીના જણાવ્યા કે “પહેલા દિવસની કથા પૂરી થયા પછી, જ્યારે અમે ભોજન પીરસતા હતા, ત્યારે કથાકારે અમારી આંગળી પકડીને અમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને અમારી છેડતી કરી.” મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ વાત તેના પતિને જણાવી તો ત્યાં હાજર છોકરાઓ ગુસ્સે થઈ ગયો. રેણુ તિવારીએ આ અંગે પોલીસ અધિકારીને ફરિયાદ કરી છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે “આ લોકો નકલી રીતે બ્રાહ્મણ બનીને આવ્યા હતા અને નકલી આધાર કાર્ડ પણ બનાવ્યા હતા.”
શું છે આખો મામલો?
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે કથાકાર મુકુટ મણિ યાદવ અને તેમના સહાયક સંત કુમાર યાદવ ઇટાવાના દંડરપુર ગામમાં એક કથા કહેવા ગયા હતા. બંનેનો દાવો છે કે પહેલા દિવસની કથા પછી, બ્રાહ્મણ સમુદાયના લોકોએ તેમને અટકાવ્યા અને તેમની જાતિ પૂછી. જ્યારે તેઓએ કહ્યું કે તેઓ યાદવ સમુદાયના છે, ત્યારે તેમને બંધક બનાવીને માર મારવામાં આવ્યો. કથાકારોનો આરોપ છે કે ટોળાએ તેમને “નકલી કથાકાર” કહ્યા હતા. એવો આરોપ છે કે ટોળાએ કથાકારોના સહાયકની વાળ કાપી નાખ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. એક મહિલાના પગને બળજબરીથી સ્પર્શ કરવામાં આવ્યો હતો અને તેને નાક ઘસવાની પણ ફરજ પાડવામાં આવી હતી. અંતે, પેશાબ છાંટીને તેને છોડી દેવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે કેસ નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. બાદમાં, આરોપી મહિલા (રેણુ તિવારી) એ પણ કથાકારો સામે કેસ દાખલ કર્યો હતો, જેના કારણે આ મામલો વધુ જટિલ બન્યો છે.